________________
આપણને મન થતું નથી. સર્વથા નિષ્ફળતા મળ્યા પછી ‘આપણે શું ? સંસારમાં કોણ કોનું છે ? બધાં સ્વાર્થનાં સગાં છે...' ઇત્યાદિ રીતે આપણે વિચારીએ છીએ; પરંતુ એ એકત્વભાવનાનું પરિભાવન નથી. વસ્તુના પરમાર્થને જાણીને ગમે તેવી અનુકૂળ સામગ્રીમાં પણ એવો વિચાર આવે તો એ એકત્વભાવના છે.
[ (૫) અન્યત્વભાવના ]
અનાદિ-અનંત આ દુ:ખમય સંસારમાં જીવ અને અજીવ : આ બે તત્ત્વો છે. ચેતન અને જડના નામે પ્રસિદ્ધ એ બન્ને તત્ત્વો દ્રવ્યસ્વરૂપે એક હોવા છતાં એના ગુણોની અપેક્ષાએ એ બન્નેનું સ્વરૂપ તદ્દન ભિન્ન છે. દૂધ અને પાણીની જેમ આત્માની સાથે એકમેક થઇ ગયેલાં કર્મરૂપ જડ પુદ્ગલોના કારણે આપણે લગભગ આપણું અસ્તિત્વ ભૂલી ગયા છીએ. અનંતજ્ઞાનાદિમય આપણું - જીવનું સ્વરૂપ હોવા છતાં, તીવ્ર
અજ્ઞાનથી એ સ્વરૂપનું આપણે ભાન ગુમાવ્યું છે, જેથી તદ્દન ભિન્ન સ્વરૂપવાળાં એવાં જડ પુદ્ગલો આપણાથી સર્વથા ભિન્ન છે – એ વાત આપણને યાદ જ આવતી નથી અને જડ એવા શરીરને જ આત્મા માની એની આળ-પંપાળમાં પુણ્યથી મળેલી ઉત્તમોત્તમ ધર્મસામગ્રીને હારી રહ્યા છીએ. શરીરાદિ પુદ્ગલો સર્વથા જડ છે. શુદ્ધ ચૈતન્યને ધરાવનારા આત્માને એની સાથે કશો જ સંબંધ નથી. એ બધાની તીવ્ર મમતાને લઇને આ જીવ વિના કારણે કદર્થના પામે છે. વિષયસુખનાં બાહ્ય સાધનો તો આત્માથી જુદાં જ છે. પરંતુ દુનિયામાં મોટો ભાગ જેને આત્મા માને છે તે આ શરીર પણ આત્માથી ભિન્ન છે. એ શરીરાદિનો નાશ થયા પછી પણ આત્માનું અસ્તિત્વ કાયમ જ છે. માત્ર કર્મના યોગે અનાદિકાળથી આત્મા ભિન્ન ભિન્ન શરીરોને ગ્રહણ કરે છે. આ વસ્તુસ્થિતિને વિચારી આત્મા તેનાથી વિલક્ષણ સ્વભાવવાળા શરીરાદિને,
પોતાથી ભિન્ન માને અને એની મમતાને દૂર કરવા પ્રયત્નશીલ બને તો જીવને પોતાનું શુદ્ધ સ્વરૂપ મળતાં વાર નહિ લાગે. શ્રી ખંધકમુનિ, શ્રી ઝાંઝરીયા મુનિ અને શ્રી સ્કંધક મુનિના ઘાણીમાં પિલાયેલા પાંચસો (૫૦૦) શિષ્યો આ અન્યત્વભાવનાના પરિભાવનથી મરણાંત કષ્ટોને સમતાભાવે સહન કરી શ્રી સિદ્ધપદને પામ્યા.
[ (૬) અશુચિભાવના )
અનંતજ્ઞાન-દર્શનાદિ ગુણોથી યુક્ત આત્મા શુદ્ધ સ્ફટિકની જેમ નિર્મળ અને પવિત્ર છે. પરંતુ કર્મના યોગે અત્યંત અપવિત્ર અને મલિન એવી કાયામાં રહીને એ કાયાની મમતાદિના કારણે જીવે પોતાની નિર્મળ અને પવિત્ર એવી અવસ્થાનો વિચારસરખો ય કર્યો નથી. આ સંસારમાં પદ્ગલિક સુખનાં સઘળાં ય સાધનોની અપેક્ષાએ જીવને સૌથી વધારે રાગ આ શરીર ઉપર છે. પરમાર્થથી તો આ શરીરના રાગના
કારણે જ અન્ય સુખનાં સાધનો પર જીવને રાગ થાય છે. આ શરીરની ઉત્પત્તિ, શરીરની વર્તમાન અવસ્થા અને એની વિનાશ પછીની અવસ્થાનો વિચાર કરીએ તો તે કેટલું અપવિત્ર, દુર્ગધી અને જુગુપ્સા પેદા કરે એવું છે - એ સમજાયા વિના નહિ રહે. જે મળ, મૂત્ર, ઘૂંક, રુધિર અને માંસના લોચા જોતાં નાક મચકોડીએ છીએ અને દુર્ગછા કરીએ છીએ; એ બધાનો સંગ્રહ આપણા આ શરીરમાં છે. સ્વચ્છ પાણીથી સ્નાન કરાવીએ, ચંદનાદિ લેપથી સુગંધી બનાવીએ અને નિર્મળ સ્વચ્છ વસ્ત્રથી સુશોભિત કરીએ તોપણ આ કાયા એના અપવિત્ર સ્વભાવનો ત્યાગ કરતી નથી. ગમે તેવાં પવિત્ર, શુદ્ધ અને મનોહર એવાં દ્રવ્યોને પણ પોતાના સંસર્ગથી અપવિત્ર, અશુદ્ધ અને જુગુપ્સા ઉપજાવે એવા બનાવવાનો શરીરનો સ્વભાવ છે. નિરંતર નવ અથવા બાર દ્વારોથી અશુચિને વહાવતી આ કાયાની અપવિત્રતાને જાણ્યા અને
૧૩
૧૪