________________
ભાવના ભવવિનાશિની
અને પંચ પરમેષ્ઠી ગુણ દર્શન
* પુસ્તક........: ભાવના ભવવિનાશિની
અને પંચ પરમેષ્ઠી ગુણ દર્શન
* સંકલન ........: આ.વિ. ચંદ્રગુપ્તસૂરિ
-: સંકલન :પૂ. પરમશાસનપ્રભાવક પૂજયપાદ આ.ભ.શ્રી.વિ. રામચંદ્ર સુ.મ.સા.ના પટ્ટાલંકાર પૂ.આ.શ્રી.વિ. મુક્તિચંદ્ર સૂ.મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.આ.શ્રી.વિ. અમરગુપ્ત સૂ.મ.સા.ના શિષ્ય
આ.વિ. ચંદ્રગુપ્તસૂરિ
* આવૃત્તિ....: દ્વિતીય
* નકલ..........: ૧૦૦૦
* પ્રકાશન.......: વિ.સં. ૨૦૧૬
-: સૌજન્ય :એક સદગૃહસ્થ
* મુદ્રક :
Tejas Printers F/5, Parijat Comp., Swa. Mandir Rd., Kalupur, A'BAD-1. (M) 98253 47620 • PH. (079) 22172271
(ભાવના ભવવિનાશિની)
અનંતોપકારી શ્રી જિનેશ્વરદેવોએ સંસારને મહાઇટવી જેવો વર્ણવ્યો છે. જેમાં નિરંતર મેઘ વરસતો હોય એના યોગે જ્યાં ત્યાં વેલડીઓના સમૂહો પથરાયા હોય અને ઘોર અંધારું હોય એવી અટવીમાં જઈ ચઢેલા માણસની જેવી સ્થિતિ થાય, એવી સ્થિતિ આ સંસારમાં આપણી છે. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ વગેરે આશ્રવો સ્વરૂપ મેઘ, જેમાં નિરંતર વરસી રહ્યા છે. એના યોગે જેમાં કર્મસમૂહ સ્વરૂપ વેલડીઓનો સમુદાય સર્વત્ર પથરાયેલો છે અને અજ્ઞાન સ્વરૂપ અંધારુ જયાં વ્યાપ્ત થયું છે. એવી આ સંસાર સ્વરૂપ મહાઇટવીમાં અનાદિકાળથી આપણે રખડી રહ્યા હોવા છતાં એનો જરાસરખો ય ખ્યાલ અજ્ઞાનના યોગે આપણને આવ્યો નથી. પરંતુ મિથ્યાત્વના મંદતાદિના યોગે જે જીવોને
પોતાના ભવભ્રમણનો ખ્યાલ આવ્યો છે અને જેઓ એનાથી ઉદ્વિગ્ન બની એના અંત માટે પ્રયત્નશીલ બન્યા છે એવા ભવ્યજીવોને તેમની ઇચ્છાને સફળ બનાવવાના ઉપાય તરીકે ભાવનાના પરિભાવનને અનંતજ્ઞાનીઓએ ઉપદેશ્યો છે. આ ભાવનાઓનું પરિશીલન કર્યા વિના વિદ્વાનજનોના હૃદયમાં પણ શાંતરસનો પ્રાદુર્ભાવ થતો નથી. ખૂબ જ શાંત ચિત્તે પરિભાવિત અનિત્યાદિ બાર ભાવનાઓ સંસારથી વિમુખ બનાવી જીવના ભવભ્રમણનો અંત કરનારી હોવાથી મુમુક્ષુજનોએ એને દરરોજ ભાવવી જોઇએ. ‘ભવભાવના', યોગશાસ્ત્ર’, ‘પ્રશમરતિ’ અને ‘શાંત સુધારસ” વગેરે ગ્રંથોમાં વર્ણવેલી બાર ભાવનાઓ ખરેખર જ ‘ભવવિનાશિની’ છે.