________________
શ્રીમદ્દો ગાંઘીજીને નિકટ પરિચય
વિચક્ષણ એવા ગાંધીજી જણાવે છે :
જે વૈરાગ્ય અપૂર્વ અવસર' ની કડીઓમાં જળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો.
તેમના લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારું એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. તેમની પાસે હમેશાં કંઈક ધર્મ પુસ્તક અને એક કોરી ચોપડી પડેલાં જ હોય. એ ચોપડીમાં પોતાના મનમાં જે વિચાર
આવે તે લખી નાખે. કોઈ વેળા ગદ્ય ને કોઈ વેળા પદ્ય.
ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું.
તેમની રહેણી કરણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતો. ભોજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદોપહેરણ, અંગરખું, ખેસ, ગરભસૂતરો ફેંટો ને ઘોતી. એ કંઈ બહુ ઈસ્ત્રીબંધ રહેતાં એમ મને સ્મરણ નથી. ભોયે બેસવું અને ખુરશીએ બેસવું બન્ને સરખાં હતાં; સામાન્ય રીતે પોતાની દુકાનમાં ગાદીએ બેસતા.
૭૯
આ જગતના કોઈ પણ વૈભવને વિષે
તેમની ચાલ ધીમી હતી, અને જોનાર પણ સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતો. અત્યંત તેજસ્વી, વિહ્વળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરો ગોળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર પણ નહીં ચપટું પણ નહીં, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિનો હતો. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતા માણસ થાકે નહીં. ચહેરો હસમુખો ને પ્રફુલ્લિત હતો. તેની ઉપર અંતરાનંદની છાયા હતી.
ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગોતવો પડ્યો છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં એમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે.
આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ને મળી શકે એમ હર કોઈ માણસ અનુભવી શકે છે. રાગને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગ-રહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિ (શ્રીમદ્)ને સ્વાભાવિક હતી એમ મારા ઉપર છાપ પડી હતી.
શ્રીમદે ઘણાં ઘર્મપુસ્તકોનો સરસ અભ્યાસ કર્યો હતો. તેમને સંસ્કૃત અને માગધી ભાષા સમજતાં જરાયે મુશ્કેલી નહોતી આવતી. વેદાંતનો અભ્યાસ તેમણે કરેલો, તેમજ ભાગવત અને ગીતાજીનો. જૈન પુસ્તકો તો જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અગાધ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પૂરતું હતું. કુરાન, ઝંદ અવસ્તા ઇત્યાદિનું વાંચન પણ અનુવાદો મારફત તેમણે કરી લીધું હતું.”