________________
શ્રીમદ્ સાથે ગાંઘીજીનું પ્રથમ મિલન
શ્રી રાષ્ટ્રપિતા ગાંધીજી લખે છે :
શ્રી રાયચંદભાઈ (શ્રીમ)ની સાથે મારી ઓળખાણ સન્ ૧૮૯૧ના જૂન માસમાં જે દિવસે હું વિલાયતથી પાછો ફરી મુંબઈ પહોંચ્યો તે જ દિવસે થઈ. મારો ઉતારો દાકતર-બેરીસ્ટર અને હવે રંગૂનના પ્રખ્યાત ઝવેરી પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતો. રાયચંદભાઈ તેમના વડીલભાઈના જમાઈ થાય. દાકતરે જ તેમનો પરિચય કરાવેલો.
દાકતરે રાયચંદભાઈને “કવિ' કહીને ઓળખાવ્યા અને મને કહ્યું, “કવિ છતાંયે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે.”
“કોઈએ સૂચના કરી કે મારે કેટલાક શબ્દો તેમને સંભળાવવા. તેઓ તે શબ્દો ગમે તે ભાષાના હશે તો પણ જે ક્રમમાં હું બોલ્યો હોઈશ તે જ ક્રમમાં પાછા કહી જશે.
જુદી જુદી ભાષાના શબ્દો પ્રથમ તો મેં લખી કાઢ્યા. કેમકે મને ક્રમ ક્યાં યાદ રહેવાનો હતો? અને પછી તે શબ્દો હું વાંચી ગયો. તે જ ક્રમમાં રાયચંદભાઈએ હળવેથી એક પછી એક બઘા શબ્દો કહી દીઘા. હું રાજી થયો, ચકિત થયો અને કવિની સ્મરણ શક્તિ વિષે મારો ઊંચો અભિપ્રાય બંઘાયો.”
ઘર્મમંથન કાળમાં શ્રીમના પત્રોથી શાંતિ – “સનું ૧૮૯૩ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હું કેટલાક ખ્રિસ્તી સજ્જનોના ખાસ સંબંધમાં આવેલો. બીજા ઘર્મવાળાઓને ખ્રિસ્તી થવા સમજાવવા એ તેમનો મુખ્ય વ્યવસાય હતો. મેં ખ્રિસ્તી, મુસલમાની પુસ્તકો વાંચ્યા. હિંદુસ્તાનમાં જેઓ ઉપર મારી કંઈ પણ આસ્થા હતી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તો મને સરસ સંબંધ બંઘાઈ ચૂક્યો હતો. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાન્તિ પામ્યો. હિંદુ ઘર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એવો મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારું રાયચંદભાઈ જવાબદાર થયા એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેનો ખ્યાલ વાંચનારને કંઈક આવશે.”
૭૮