________________
કર્મના ફળરૂપ નાટક
શ્રી મણિલાલ સોભાગભાઈ જણાવે છે
:
એક વખત મેં પરમકૃપાળુદેવને જણાવ્યું કે આજે મારે નાટક જોવા જવું છે. ત્યારે પરમકૃપાળુદેવે બારી આગળ મને લઈ જઈ કહ્યું કે કર્મના ફળરૂપ આ અસલી નાટક જુઓ. આ ગાડી ઘોડામાં માણસો બેઠેલા છે, ગરીબો માગી ખાય છે. વળી ગરીબ માંદા બેઠેલા દેખાડ્યા અને કહ્યું કે જે જે કર્મો જીવ કરે છે તે તે પ્રમાણે તેના ફળ ભોગવે છે. આ બધું કર્મનું નાટક છે. કોઈ જાનવર વગેરે માંદા, દુઃખી, અનેક વ્યાધિથી પીડાતા, માર ખાતા, અસહ્ય વેદના ભોગવતા જોઈએ છીએ. વળી ઉપરથી માણસ સુખી દેખાય, આબરૂદાર હોય પણ તેને દેવાનું દુઃખ, દીકરી, દીકરા પરણાવવાનું દુઃખ હોય, આજીવિકાનું દુઃખ, કુટુંબાદિકનું દુઃખ કે સ્ત્રી, પુત્રનું દુઃખ હોય; એ જે દુઃખ પીડા અંતરથી વેદાય, તે કંઈ ઓછી નથી. આ સર્વે નાટક છે.
“આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. મોક્ષને સાથી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૦)
“હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું; એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દૃઢ થશે. એક જીવ સુંદર પસંગે પુષ્પશય્યામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત ભાતનાં ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જા૨ના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી... એકને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકના દુઃખનો કિનારો પણ નથી.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૯)
૪૯