________________
બાલ્યવયે પણ કામની સૂઝ અને ઝડપ
બીજે દિવસે રાજકોટમાં શ્રીમદ્ ઘારશીભાઈના ઉતારે પઘાર્યા. તે સંબંઘી શ્રી ઘારશીભાઈ જણાવે છે કે મારે તે વખતે સરકારી રિપોર્ટ તથા બીજા લખાણોની નકલો ઝડપથી ઉતારવાની હતી. મારા હાથ નીચે દસ કારકુનો હતા. એક જ કારકુનને તે કામ સોંપવામાં આવે તો દશ-બાર દિવસે પૂરું થાય. તેથી દશે કારકુનોને વિભાગ પાડી થોડું થોડું કામ સોંપવાનો વિચાર કરતો હતો તેટલામાં શ્રીમદે મને જણાવ્યું કે શું આની નકલો ઉતારવાની છે? મેં કહ્યું કે હા. ત્યારે શ્રીમદ્ કહે “આ કામ મને સોંપો, થઈ જશે.” તે વખતે મને મનમાં થયું કે આ છોકરો શું બોલે છે? તેથી કહ્યું, તમારાથી નહીં બની શકે. શ્રીમદે દ્રઢતાથી જણાવ્યું કે બની શકશે. તેથી વિચાર કરી લખાણનો અર્થો ભાગ શ્રીમદ્ ઉતારો કરવા માટે સોંપ્યો અને બાકીનો અર્ધો ભાગ ઉતારો કરવા માટે દસે કારકુનોને સોંપ્યો.
લગભગ બે કલાકે તે અર્ધો ભાગ ઉતારી શ્રીમદે મને સોંપ્યો. મેં તે મૂળ લખાણ સાથે તપાસી જોયું તો જ્યાં જ્યાં શબ્દોમાં કાના, માત્રા, અનુસ્વાર વગેરેની ભૂલો હતી તે પણ તેમણે સુઘારી લીધી અને અક્ષરો પણ તદ્દન ચોખા લખ્યા હતા. હવે દસ કારકુનોએ બાકીનો અડધો ભાગ ઉતારી આશરે પાંચ કલાકે મને સોંપ્યો. તેમાં કેટલેક ઠેકાણે અશુદ્ધ શબ્દો લખ્યા હતા. તથા કાના, માત્રા, અનુસ્વાર વગેરેની ભૂલો કરી હતી. લખતાં વચ્ચે અક્ષરો ઊકલે નહીં ત્યારે વળી પૂછવા આવતા હતા.
જે કામ દસ કારકુનોએ મળી પાંચ કલાકે પૂરું કર્યું તેટલું જ કામ શ્રીમદે માત્ર બે કલાકમાં અને તે પણ શુદ્ધ અને સ્વચ્છ રીતે પૂરું કરી બતાવ્યું. તેથી આ બાળક આગળ ઉપર ઘણો જ હોંશિયાર અને પ્રતિભાશાળી થશે એવો આશ્ચર્ય સહિત ભાવ મારા મનમાં ઉત્પન્ન થયો હતો. “નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ઘારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૫).
૧૭