________________
મુનિનો ઘર્મ - સ્વાધ્યાય અને ધ્યાન
“એક દિવસે વસોના વનમાં વાવ પાસે શ્રીમદ્ મુનિઓ સાથે વાત કરતા બેઠા હતા. શ્રી ચતુરલાલજી મુનિ તરફ જોઈને શ્રીમદે પૂછ્યું તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું?”
શ્રી ચતુરલાલજીએ કહ્યું: “સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ તે પીએ છીએ; તે પછી છીંકણી વહોરી લાવીએ છીએ, તે સુંઘીએ છીએ; પછી આહારના વખતે આહારપાણી વહોરી લાવીએ છીએ, તે આહારપાણી કર્યા પછી સૂઈ રહીએ છીએ; સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત્રે સુઈ રહીએ છીએ.”
શ્રીમદ વિનોદમાં કહ્યું : “ચા અને છીંકણી વહોરી લાવવી અને આહારપાણી કરી સૂઈ રહેવું તેનું નામ દર્શન, જ્ઞાન, ચારિત્ર?”
પછી આત્મજાગૃતિ અર્થે બોઘ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતાં કહ્યું : “મુનિઓનો પ્રમાદ છોડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય ધ્યાન કરવામાં કાળ વ્યતીત કરાવવો અને તમારે સર્વેએ એક વખત દિવસમાં આહાર કરવો; ચા તથા છીંકણી વિના કારણે હંમેશાં લાવવી નહીં, તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવો.” (જી.પૃ.૨૨૨)
આજ્ઞાના આરાઘનવડે ભવમુક્તિ
“પૂ. ચતુરલાલજી મુનિ વસોમાં માળા ફેરવતા હતા, ત્યાં પરમકૃપાળુદેવ આવી ચઢ્યા અને પૂછ્યું- મુનિ, શું કરો છો?” તો કહે, “માળા ફેરવું છું.” ફરી પૂછ્યું - “શાની?” તો કહે - “ખાઉં ખાઉં થયા કરે છે તેની.” પરંતુ તે પવિત્ર વાતાવરણમાં વિચાર સ્ફર્યો તે તેમણે જણાવ્યો કે “હે પ્રભુ! આવી વૃત્તિમાં મારો દેહ છૂટી જાય તો શી વલે થાય? ક્યાં રખડું?” પરમકૃપાળુદેવે કહ્યું - “મુનિ, અમારી આજ્ઞા ઉઠાવતાં દેહ છૂટી જશે, તો ગમે તે ગતિમાંથી તમને તાણી લાવીશું. અમે તમારા દેહના સ્વામી નથી, આત્માના છીએ.” (બો.૩ પૃ.૪૫૨)
“જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૧૧) “જ્ઞાનીની એક આજ્ઞા આરાઘતાં અનેકવિઘ કલ્યાણ છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૬૯)
૧૧૦