________________
સાંજથી સવાર સુધી અપૂર્વ બોધવાર્તા
પ.પૂ.પ્રભુશ્રીજી જણાવે છે : “એક રાત્રિએ બહાર ગામના મુમુક્ષુઓ ઘણા આવેલા હતા. તે સર્વને સમી સાંજથી ઊભા રહેવાની આજ્ઞા પરમકૃપાળુદેવે કરી, તેથી તે બધા હાથ જોડી સામા ઊભા રહ્યા અને અખંડ આખી રાત સવાર થતાં સુધી અપૂર્વબોધ ધારા વરસી. સવારના સૂર્યોદય થયા પછી કેટલાક મુમુક્ષુઓ ઉપાશ્રયમાં આવ્યા, તેઓની મુખાકૃતિ જોતાં કોઈ સ્વર્ગમાંથી ઉત્તમ દેવો ઊતરી આવ્યા હોય તેવી ઉપશમની છાયા દેખાઈ. તેથી અમારા આત્મામાં ઘણો જ પ્રમોદ થયો અને આવા અપૂર્વબોધના પ્રસંગે અમને અંતરાય રહેવાથી પશ્ચાત્તાપ પણ થયો. અંતરાયનું કારણ બાહ્યવેશવ્યવહાર હતું.”
ત્યાં શ્રી સુખલાલભાઈ છગનભાઈ વીરમગામવાળાએ ઊભા ઊભા પ્રશ્ન કર્યો કે હે પ્રભુ ! મને નિદ્રા બહુ હેરાન કરે છે તે કેમ ટળે? પરમકૃપાળુદેવે બોઘમાં જણાવ્યું કે મૂર્છિત અવસ્થામાં આ જીવ અનાદિકાળથી રખડ્યો છે. ચૌદ પૂર્વધારી પણ પ્રમાદવશે પાછા પડ્યા છે. ‘નિદ્રાદિ પ્રકૃતિ, ક્રોધાદિ અનાદિ વૈરી છે તે પ્રતિ ક્ષત્રિય ભાવે વર્તવું. તેને અપમાન દેવું; તે છતાંયે ન માને તો તેને ક્રુર થઈ ઉપશમાવવી, તે છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવ્યે તેને મારી નાખવી.
આમ શૂર ક્ષત્રિયસ્વભાવે વર્તવું; જેથી વૈરીનો પરાભવ થઈ સમાધિ સુખ થાય.’’ આ પ્રકારે પ્રકૃતિઓ ક્ષય કરવાનો બોધ સાંજના છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ચાલ્યો હતો. બોધની એટલી બધી બધાને અસર થઈ કે સુખલાલભાઈની તો મૂળમાંથી નિદ્રા ઊડી ગઈ.
ગોધાવીવાળા વનમાળીદાસભાઈએ તુરત જ ઉપાશ્રયે જઈને મુનિઓને કહેવા માંડ્યું કે આજે તો પુષ્કરાવર્તનો મેઘ સારી રાત વરસ્યો છે. અમને હળવા ફુલ કરી દીઘા - ભાર માથેથી ગયો હોય તેમ લાગે છે વિગેરે સત્સંગનો મહિમા ગાયો હતો. “પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે; અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે.’” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૯૦) “નિદ્રા અત્યંત લેશો નહીં.’” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૨)
૧૧૧