________________
ઉપદેશ સાંભળવાની આતુરતા
શ્રી છોટાલાલ માણેકચદ જણાવે છે :
સં. ૧૯૫રના આસો માસમાં પરમકૃપાળુદેવ ખંભાત પધાર્યા ત્યારે મારા મકાનમાં ૧૮ દિવસ સ્થિરતા કરી હતી. સાહેબજી જે વખતે ઉપદેશ કરતા તે વખતે મારું મકાન શ્રોતાજનોથી ભરાઈ જતું. દરેક હૉલમાં લોકો બેઠેલા હોવાથી પગ મૂકવા જેટલી જગ્યા પણ રહેતી નહીં. તેથી ઘણા લોકો મકાનની બહાર નીચે ઊભા ઊભા ઉપદેશ સાંભળતા હતા. પૂછવા ઘારીને આવેલા સર્વનું સમાઘાન ઉપદેશમાં જ થઈ જતું. જેથી લોકો આશ્ચર્ય સહિત આનંદ પામી વિચારતા કે જાણે આપણા મનના ભાવો તેઓશ્રીના જાણવામાં આવી ગયા ન હોય! “ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે, તેવી આકાંક્ષા મુમુક્ષજીવને હિતકારી છે, જાગૃતિનો વિશેષ હેતુ છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૯૮)