________________
મુનિશ્રી દેવકરણજી સ્વામી વગેરે ખંભાત પધાર્યા. વ્યાખ્યાનમાં એક વાર જ્ઞાનાવરણીયકર્મ સંબંધી વિસ્તારથી વર્ણન કરતાં તેનાં કેવાં માઠાં ફળ જીવે ભોગવવાં પડે છે તેનું વર્ણન કર્યું. તે સાંભળી ગટોરચંદ મોતીચંદ મુનિશ્રીને હાથ જોડી રોવા લાગ્યા અને બોલી ઊઠ્યા કે મારી તો ઘણી જ ભૂલ થઈ છે. સાહેબજી પ્રત્યે આક્ષેપો કરીને મેં તેમની ઘણી નિંદા કરી છે. તો હવે હું કેવા પ્રકારે છૂટી શકીશ ? ત્યારે મુનિશ્રીએ જણાવ્યું કે તેનો ખરા હૃદયથી પશ્ચાત્તાપ કરવો અને ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરેના સમાગમમાં જવાનું રાખવું. ત્યાર પછી તેઓ શ્રી અંબાલાલભાઈ વગેરેના સમાગમમાં હમેશાં જતા
હતા.
“અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬)
પશ્ચાત્તાપવડે શુદ્ધિ
પરમકૃપાળુદેવ દરિયા તરફ ફરવા માટે પધાર્યા હતા. ત્યારે શ્રી અંબાલાલભાઈએ તેમને પૂછ્યું કે ઢુંઢક મતના આગ્રહી ગટોરભાઈ મોતીચંદ સભામાં આપની સમક્ષ કષાયભાવમાં આવી ઘણું જ બોલ્યા હતા. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે થોડા વખતમાં જ તે સત્ય માર્ગ પામી શકશે; માટે તમે સૌ કોઈ તેની નિંદા કરશો નહીં, મનમાં વિક્ષેપ રાખશો નહીં. તેને માટે એને ઘણો જ પશ્ચાત્તાપ થશે.
“જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન ક૨વામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.’’ શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૦૭)
૯૫