________________
સાતસો મહાનીતિ
મૂળગુણની હાનિ થાય છે. હવે એ ગાથાનો સત્ય અર્થ કરતાં વેષઘારીઓ કંઈ બીજું કહેશે તો પણ મારે એનો અર્થ યથાર્થ જ કહેવો એમ સૂરિએ વિચાર્યું. કેમકે અન્યથા કહું તો મહાદોષ લાગે. તેથી સૂરિએ સત્ય અર્થ કહ્યો. તે સાંભળી પેલા લિંગથારીઓએ સૂરિને સાધ્વી વંદન કરતા પગે અડેલ તે જોયેલું તે વૃતાંત કહીને આચાર્યને કહ્યું – ‘ત્યારે તો તું પણ મૂળગુણ હીન સાધુ જ છે.' તે વખતે અપકીર્તિના ભયથી સૂરિ બોલ્યા - અયોગ્યને ઉપદેશ આપવો જ યોગ્ય નથી. ત્યારે ફરી વેષઘારીઓએ કહ્યું – “તું જ મિથ્યાભાષી છે, માટે અમારા દ્રષ્ટિમાર્ગથી દૂર થા.” તે વખતે પોતાના માનના રક્ષણ અર્થે સાથ્વીના પગે અડવા સંબંધી એમ કહ્યું કે ભગવાનના સ્યાદ્વાદ મતમાં ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ એમ બે માર્ગ છે. તે તમે જાણતા નથી. કહ્યું છે કે એકાંતવાદ તે મિથ્યાત્વ છે અને અનેકાંતવાદ તે સ્યાદ્વાદ માર્ગ છે. લિંગઘારીઓએ તે વચન માન્ય કર્યું. પણ સત્ય વસ્તુનું ખંડન કરી મિથ્યા વચન બોલવાથી લાગેલું પાપ આલોચ્યા વિના તે સૂરિ મૃત્યુ પામી વ્યંતર થયા અને ઉપાર્જન કરેલ તીર્થંકર નામ કર્મના દળીયા પણ નાશ પામી ગયા. ઉસૂત્ર પ્રરૂપણાનું આવું ભયંકર ફળ આવે છે. પછી સાતમી નરકમાં બે વાર જઈ આવી બીજા અનેક ભવોમાં અનંતકાળ ભમી પાર્શ્વનાથ પ્રભુના સમયે સિદ્ધિપદને પામ્યા.
જેમ સાવદ્યાચાર્યે પોતાના પગે સ્ત્રી અડવારૂપ હીન આચારનો દોષ ગોપવવા માટે જિનાગમની અનેક યુક્તિઓ લઈ પોતાનું પાપ ગોપવ્યું અને ગુણ પ્રગટ કર્યો તેમ કોઈ માયાવી, સત્ય વસ્તુનું ખંડન કરશે તે સાવદ્યાચાર્યની જેમ અનંત સંસારની વૃદ્ધિને પામશે. -ઉ.પ્રા.ભા.ભાગ-૩ના આધારે, ૧૩૮. તત્ત્વજ્ઞાનમાં શંકિત થાઉં નહીં.
સાત સત્ત્વ, છ પદ, નવ પદાર્થ, જીવાજીવાદિ જે તત્ત્વ છે એમાં શંકા થાય તે મિથ્યાત્વના ઉદયથી થાય છે. સત્પરુષના બોઘે, વિચાર કરીને કે સત્પરુષની શ્રદ્ધા કરીને પણ મૂળ વસ્તુ તો જેમ છે તેમ માનવી. સમજવા માટે “આત્મા છે કે નથી”, એવી ચર્ચા કરવી તેમાં બાધ નથી. પણ તે વિષે અંતરંગમાં શંકા રાખવી, ઢચુપચું રહેવું, તે મિથ્યાત્વ કર્મના ઉદયથી થાય છે. તે મિથ્યાત્વને હૃદયમાં સ્થાન આપવા યોગ્ય નથી, એમ આ વાક્યમાં કહેવું છે. કેમકે તત્ત્વજ્ઞાનમાં અને જેને જ્ઞાન થયું છે એવા તત્ત્વજ્ઞાનીમાં શંકા રાખવાથી સાચી શ્રદ્ધાથી પડી જવાય છે. અને શ્રદ્ધાથી ભ્રષ્ટ થયો તે જ જીવ ખરેખર ભ્રષ્ટ છે માટે ભગવાને કહેલા તત્ત્વજ્ઞાનમાં કદી શંકિત થાઉં નહીં. ૧૩૯. તત્ત્વ આરાઘતા લોકનિંદાથી ડરું નહીં.
મહાપુણ્યના યોગે જીવને તત્ત્વ સમજવાનું અને આરાઘવાનું મળે છે. વસ્તુ જો સમજાઈ ગઈ તો પછી લોકલાજથી કે લોકનિંદાના ડરથી જો તત્ત્વ આરાધે નહીં તો તે સમજ્યો ન સમજ્યો બરાબર છે. કોઈક દેખશે તો શું કહેશે એવા ડરથી જો તત્ત્વને આરાઘે નહીં તો મનુષ્યભવ એળે જતો રહે. પરમકૃપાળુદેવ આ વિષે જણાવે છે –
“અનંતકાળથી જીવને અસતુ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત્ સંબંઘી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસતુ વાસનાવાળા ચિત્તને વિષે પણ સત્ સંબંથી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; ક્વચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંત કાળનો જે મિથ્યા અભ્યાસ છે, તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે
૬૭