________________
સાતસો મહાનીતિ
વાત જણાવી.
મુનિએ જ્ઞાનથી જાણ્યું કે એને આટલું જ પાપ નથી લાગ્યું, પણ બીજાં વધારે પાપ લાગ્યું છે. તેથી તે બાઈને કહ્યું કે અમુક વહોરાને ત્યાંથી બે પૈસાનું તલનું તાજું તેલ લઈ આવો. એટલે તે બાઈ પેલા વહોરાને ત્યાં ગઈ. વહોરે રાત્રે પીલેલું તેલ ડબામાંથી કાઢ્યું કે લાલ દીઠું. તેથી બોલ્યો કે કોઈ રાંડ વહેલી ઊઠીને બોલતી બોલતી જતી હતી તેથી સવાર થઈ ગયું હશે એમ જાણી મેં ઉતાવળમાં જોયા વગર ઘાણી જોડી. કંઈક પીલાઈ ગયું લાગે છે. એમ કહી ખોળ તપાસ્યો તો હાડકાં દેખાયાં, પાસે બિલાડી બેઠી બેઠી રોતી હતી. એટલે વહોરો અફસોસથી બોલ્યો “અરર! આ બિચારી બિલાડીના બચ્ચાં પિલાઈ ગયાં!”
પેલી બાઈ સમજી ગઈ કે મને આ પાપ પણ લાગ્યું છે. તેથી મુનિ પાસે જઈ વહોરાએ કહેલી બધી વાત જણાવી અને એનું પણ પ્રાયશ્ચિત્ત માંગ્યું.
મુનિએ દયા લાવી પ્રાયશ્ચિત્ત બતાવી કહ્યું કે આવા સ્નાનમાં ઘર્મ નથી. મહાભારતમાં પણ કહ્યું છે કે :
“आत्मा नदी संयमतोयपूर्णा सत्यावहा शीलतटा दयोर्मिः ।
तत्राभिषेकं कुरु पाण्डुपुत्र न वारिणा शुद्धयति चान्तरात्मा ॥" અર્થ-સંયમરૂપી જલથી ભરપૂર, સત્યમય પ્રવાહવાળી, શીલરૂપ કાંઠાવાળી, દયારૂપી મોજાંઓથી રમ્ય એવી આત્મારૂપ નદી છે તેમાં હે પાંડુપુત્ર (યુધિષ્ઠિર), તું સ્નાન કર; બાકી પાણીથી તો આત્માની અંતરશુદ્ધિ થાય તેમ નથી. ઉપદેશામૃત (પૃ.૩૫૨) ૧૨૩. વઘારે જળ ઢોળું નહીં.
વઘારે જળ ઢોળવાથી અપકાય આદિ જીવોની ઘાત થાય છે. તે ઉપરાંત કીચડ, ગંદવાડો વગેરે પણ થાય. તેમાં ઘણા કીડાઓ ઉત્પન્ન થાય છે. જરૂરથી વધારે પાણી ઢોળવાથી વિશેષ પાપની પ્રવૃત્તિ થાય. તેને અનર્થદંડ કહ્યો છે. ઠારેલું પાણી હોય તે પણ વઘારે ઢોળવું નહીં, એવી આજ્ઞા આચારાંગસૂત્રમાં ભગવાને કરી છે. કારણ કે પૃથ્વીકાયના જીવોને જળ તે શસ્ત્રરૂપ છે. તેમજ કીડી વગેરે જીવો હોય તે કેટલાંક જળમાં ડૂબી જાય, કેટલાંક તણાઈ જાય અને દુઃખી થાય છે, માટે વઘારે જળ ઢોળું નહીં. ૧૨૪. વનસ્પતિને દુઃખ આપું નહીં.
આ પણ અનર્થદંડના નિષેઘરૂપ વાક્ય કહ્યું. ચાલતાં બીજો રસ્તો ન હોય અને વનસ્પતિ ઉપર પગ મૂકીને ચાલવું પડે ત્યારે તે જરૂરનું ગણાય. છતાં તેમાં દોષ તો છે જ. બનતા સુધી તેમાં પણ યત્ના રાખવા યોગ્ય છે. કોઈ માણસ ઝાડ પર ચઢીને ફળ લાવે અને કોઈ નીચેથી લાકડીથી ઝૂડીને પાડે; તેમાં પાંદડા, ડાળ અને બીજા ઘણાં ફળ નીચે પડે, જ્યારે જોઈતું હોય એક જ ફળ. આ એકેન્દ્રિય ઝાડ તો બૂમ મારે નહીં કે જેથી કોઈ સાંભળી શકે, તેથી તેની દયા પણ જીવોને હોતી નથી. ઝાડમાં જીવ છે એવો ખ્યાલ પણ ઘણાં થોડાને હોય છે; અને જેને કહેવા માત્ર ખબર હોય તેને પણ એ ભણી કંઈ લક્ષ હોતું નથી. તેથી ફળ સાથે પાંદડા વગેરે નીચે પડે તો એમાં તેને કંઈ લાગતું નથી. પણ વનસ્પતિકાય જીવ સહિત છે એમ જાણી તેને દુઃખ આપે નહીં.
પ૯