________________
સાતસો મહાનીતિ
૧૨૫. અસ્વચ્છતા રાખું નહીં. અસ્વચ્છતાને લીધે ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે અને કાળજી ન રાખે તો માંકડ,
જૂઓ વગેરે જંતુઓ પણ ઉત્પન્ન થાય. સાફ ન રાખે તો ઘરમાં ખાવાં બાઝે. પછી જ્યારે સાવરણી ફેરવે ત્યારે કરોળીયાએ કરેલું ઘર ભાંગી જાય; એ હિંસા છે. માટે ઘર વગેરેમાં અસ્વચ્છતા રાખું નહીં. ૧૨૬. પહોરનું રાંધેલું ભોજન કરું નહીં.
ત્રણ કલાક થયા પછી રાંઘેલાં ભોજનમાં કંઈ ફેરફાર થઈ જતો હોવાથી તે ન જમવા કહ્યું. આહાર અનેક પ્રકારનો હોય છે. કેટલાક પાણીમાં બાફેલો, કેટલોક તળેલો, કેટલોક ચાસણીમાં તૈયાર કરેલો અને કેટલોક શેકેલો વગેરે હોય. દરેકના વિપરિણામ થવાના કાળ જાદા જુદા હોય છે. બાફેલું થોડીક વારમાં બગડી જાય છે અને એનો સ્વાદ ફરી જાય છે. તળેલું હોય તે વધારે વખત ચાલે છે. કૃપાળુદેવ ઉત્તરસંડામાં હતા ત્યારે નડિયાદથી મોતીલાલ કે તેમના ઘર્મપત્ની ખાવાનું લઈ આવતા. દૂધમાં લોટ બાંધીને રોટલી કે પૂરી લઈ જતા, તેમજ પાણી નાખ્યા વગર કોરું શાક લઈ જતા. પાણી નાખેલું ન હોવાથી તે વસ્તુ ઝટ બગડતી નથી. ઉત્તરસંડામાં કૃપાળુદેવ એક જ વખત આહાર લેતા હતા. ૧૨૭. રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં.
જીભની લોલુપતા વઘારવી હોય તો વધે અને ઘટાડવી હોય તો ઘટે. જીભને સારા સારા ખોરાક આપવામાં આવે તો પછી સાદો ખોરાક રોટલો આદિ ન ગમે. જે જીભે પકવાન કે ઉત્તમ રસવાળું ભોજન કર્યું હોય તે જીભે લૂખો સૂકો આહાર કોણ કરે એમ કહી એક માણસ ભૂખ્યો રહીને મરી ગયો પણ ખાધું નહીં. એવી મૂર્ખાઈ રસને વશ થવાથી થાય છે. શાતાશીલીયું જીવન ગાળ્યું હોય તેને સંયમ પાળવો મુશ્કેલ પડે છે. સત્પષના બોઘે રુચિ એકદમ પલટાઈ જાય તો એને કંઈ મુશ્કેલ પડતું નથી અથવા તે મુશ્કેલીઓને ગણતો નથી.
ઘન્યકુમારનું દ્રષ્ટાંત-કાકંદી નગરીમાં ભદ્રામાતાનો પુત્ર ઘનકુમાર બત્રીસ કરોડ સુવર્ણમુદ્રાનો સ્વામી હતો. માતાએ ઘન્યકુમારના લગ્ન બત્રીશ શેઠની કુંવરીઓ સાથે કરાવ્યા. તે દોગંદક દેવની જેમ સુખ ભોગવવા લાગ્યો.
એકદા શ્રી મહાવીર સ્વામી તે નગરીમાં પધાર્યા. તે વખતે ઘન્યકુમાર દર્શન કરવાની ઉત્કંઠાએ પગે ચાલીને પ્રભુ પાસે ગયો. પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય આવવાથી માતાની આજ્ઞા લઈ દીક્ષા ગ્રહણ કરી. પછી જીવનભર છઠ્ઠ-છઠ્ઠની તપસ્યા કરી પારણામાં આયંબિલ કરવાની પ્રતિજ્ઞા લીધી. આયંબિલના ભોજન ઉપર માખી પણ ન બેસે એવી સૂખી રોટલી, વાલ વગેરે તેઓ લેવા લાગ્યા. એમ રસેન્દ્રિય ઉપર કાબુ મેળવ્યો. આઠ મહિનામાં તો કાયા ક્ષીણ થઈ હાડકાં ખડખડ શબ્દ કરવા લાગ્યા. પ્રભુ મહાવીરે ચૌદ હજાર મુનિઓમાં ઘન્યકુમારને નિત્ય વર્ધમાન ભાવવાળા કહ્યાં. તે સાંભળીને રાજા શ્રેણિક તેમના દર્શન કરવા માટે વનમાં ગયો. અંતે ઘન્યમુનિ (ઘન્નાઅણગાર) વૈભારગિરી ઉપર એક માસનું અનશન સ્વીકારી સમાધિપૂર્વક દેહ ત્યાગી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. -ઉ.પ્રા.ભા. ભાગ-૪ના આધારે,
કૃપાળુદેવે કહ્યું : “સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે.” (વ.પૃ.૧૫૮) કૃપાળુદેવે પ્રભુશ્રીજીને સ્વાદ તજવા કહ્યું તે ખરું તપ છે.
૬૦