________________
સાતસો મહાનીતિ
લીધી નથી માટે તે બધી તમારી પાસે જ રહી.
ગુરુ નાનકનું દ્રષ્ટાંત – ગુરુનાનકે સવળું લીધું. ગુરુનાનક સંત હતા. તેમના શિષ્યને કોઈએ કહ્યું - તારા ગુરુ તો કૂકડા જેવા છે. શિષ્ય ગુરુનાનકને વાત કહી. ત્યારે ગુરુનાનક કહે – એણે બરાબર કહ્યું છે. કૂકડો સવારમાં સુતેલાને જગાડે છે તેમ હું પણ મોહનિદ્રામાં સુતેલા જીવોને જગાડું છું. ૬૫૯. શુક્લ એકાંતનું નિરંતર સેવન કરું છું.
જે વડે મારું અંતઃકરણ શુક્લ એટલે પવિત્ર થાય તેવા એકાંતનું નિરંતર સેવન કરું.
“શ્રીમદ્ રાજચંદ્રમાંથી - “તત્ત્વજ્ઞાનીઓએ મુખ્ય બોઘ એવો કર્યો છે કે, સર્વ સંગ પરિત્યાગ કરી, અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સમસ્વભાવનો સમાગમ, જેમાંથી એક જ પ્રકારની વર્તનતાનો પ્રવાહ નીકળે છે તે, ભાવે એક જ રૂપ હોવાથી ઘણાં માણસો છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંતરૂપ જ છે; અને તેવી એકાંત માત્ર સંતસમાગમમાં રહી છે. કદાપિ કોઈ એમ વિચારશે કે, વિષયીમંડળ મળે છે ત્યાં સમભાવ હોવાથી એકાંત કાં ન કહેવી? તેનું સમાધાન તત્કાળ છે કે, તેઓ એકસ્વભાવી હોતા નથી. પરસ્પર સ્વાર્થબુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે; અને જ્યાં એ બે કારણથી સમાગમ છે તે એક સ્વભાવી કે નિર્દોષ હોતા નથી. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો પરસ્પરથી શાંત મુનીશ્વરોનો છે; તેમજ ઘર્મધ્યાનપ્રશસ્ત અલ્પારંભી પુરુષનો પણ કેટલેક અંશે છે.” (વ.પૃ.૭૫) ૬૬૦. સર્વ ઘાક મેળાપમાં જઉં નહીં.
ઘાક એટલે ભય અથવા બીક. જ્યાં ભયના સ્થાન હોય તેવા સર્વ મેળાવડામાં જઉં નહીં. જ્યાં આત્મધર્મને પોષણ મળે તે સિવાય બીજા મેળાવડામાં જઉં નહીં. જ્યાં ખાવું, પીવું, રંગરાગ, ગાનતાન હોય અર્થાત જ્યાં ઘર્મના નામે પણ મોહનું વાતાવરણ જામ્યું હોય તેવા મેળાવડામાં જઉં નહીં અથવા જ્યાં તાળીઓ પાડીને ગમે તેમ ગાતા હોય અથવા જ્યાં મોટા મેળામાં કોઈ માણસ પગ નીચે દબાઈને મરી પણ જાય એવા ગાડરીયા પ્રવાહરૂપ મેળામાં જઉં નહીં.
“શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા'માંથી - શ્રી મનસુખભાઈ કીરતચંદનો પ્રસંગ – શ્રીમદ્ કહે મેળામાં ગયા હતા? ત્યાં શું જોયું? મનસુખભાઈ કહે–સાહેબ, ઘણું જોયું, વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ છે, તે જોયા.
શ્રીમ કહે—લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગો વિશેષ હોય. સાચો મેળો સત્સંગનો. એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગ મેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે, ઉપદેશ્યો છે. (પૃ.૧૫૮) ૬૧. ઝાડ તળે રાત્રે શયન કરું નહીં.
ઝાડ નીચે સુવાથી ઝાડ ઉપર બેઠેલ પક્ષી આપણા ઉપર વિષ્ટા કરે અથવા ઝાડની ડાળી તૂટી જાય તો મરણનો ભય રહે, તેમજ રાત્રે ઝાડમાંથી એક પ્રકારનો ખરાબ વાયુ છૂટે છે જે શરીરને પણ નુકસાન કર્તા છે માટે રાત્રે ઝાડ તળે શયન કરું નહીં.
४७७