________________
સાતસો મહાનીતિ
‘આલોચાનાદિ પદ સંગ્રહ'માંથી :– “તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામ્યો છું તે સર્વે શક્તિ હું ખોટા વા પાપના કામમાં ન વાપરું અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ. તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં, કોઈને દુઃખનું કારણ ન થાઉં. માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હમેશાં બચાવ.’’ (પૃ.૨૪)
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :
ચંદ્રસિંહરાજાનું દૃષ્ટાંત – “રાજા – હે મુનિરાજ ! આજે હું આપના દર્શન કરીને કૃતાર્થ થયો છું. એક વાર મારું અબઘડીએ બનેલું, તેમજ અગાઉ બનેલું સાંભળવા યોગ્ય ચરિત્ર સાંભળી લઈને પછી મને આપના પવિત્ર જૈનધર્મનો સત્ત્વગુણી ઉપદેશ કરો. આટલું બોલ્યા પછી તે બંઘ રહ્યો.
મુનિ – હે રાજા ! ધર્મને લગતું તારું ચરિત્ર હોય તો ભલે આનંદ સહિત કહી બતાવ.
રાજા – (મનમાં) અહો ! આ મહા મુનિરાજે હું રાજા છું એમ ક્યાંથી જાણ્યું ! હશે. એ વાત પછી. હમણાં તો પરણે તેને જ ગાઉં. (પ્રસિદ્ધ) હે ભગવન્ ! મેં એક પછી એક એમ અનેક ધર્મો અવલોકન કર્યા. પરંતુ તે પ્રત્યેક ઘર્મમાંથી મારી કેટલાંક કારણોથી આસ્થા ઊઠી ગઈ. હું જ્યારે દરેક ધર્મ ગ્રહણ કરતો ત્યારે તેમાં ગુણ વિચારીને, પરંતુ પાછળથી કોણ જાણે ય થાય કે જામેલી આસક્તિ એકદમ નાશ થઈ જાય. જો કે આમ થવાનાં કેટલાંક કારણો પણ હતાં. એક મારી મનોવૃત્તિ એવી જ હતી એમ નહોતું. કોઈ ધર્મમાં ધર્મગુરુઓનું ધૂર્તપણું દેખીને તે ધર્મ છોડીને મેં બીજો સ્વીકૃત કર્યો. વળી તેમાં કોઈ વ્યભિચાર જેવી છીટ દેખીને તે મૂકી દઈને ત્રીજો ગ્રહણ કર્યો. વળી તેમાં હિંસાયુક્ત સિદ્ધાંતો દેખવાથી તે તજી દઈને ચોથો ગ્રહણ કર્યો. વળી તે તજી દેવાની કોઈ કારણથી ફરજ પડવાથી તે મૂકીને પાંચમો ધર્મ ગ્રહણ કર્યો. એમ અનેક ધર્મ જૈનધર્મ સિવાયના લીધા અને મૂક્યા. જૈનધર્મનો એકલો વૈરાગ્ય જ દેખીને મૂળથી તે ધર્મ પર મને ભાવ ચોંટ્યો જ નહોતો. ઘણા ધર્મની લે–મેલમાં મેં છેવટે એવો સિદ્ધાંત નક્કી કર્યો કે બધા ય ધર્મ મિથ્યા છે. ધર્માચાર્યોએ જેને જેમ રુચ્યું તેમ પોતાની રુચિ માફક પાખંડી જાળો પાથરી છે. બાકી કશુંયે નથી.
જો ધર્મ પાળવાનો સૃષ્ટિનો સ્વાભાવિક નિયમ હોત તો આખી સૃષ્ટિમાં એક જ ધર્મ કાં ન હોત? આવા આવા તરંગોથી હું કેવળ નાસ્તિક થઈ ગયો. સંસારીશૃંગાર એ જ મેં તો મોક્ષ ઠરાવ્યું. પાપ નથી, પુણ્ય નથી, ધર્મ નથી, કર્મ નથી, સ્વર્ગ નથી, નરક નથી, એ સઘળાં પાખંડો છે. જન્મ પામવાનું કારણ માત્ર સ્ત્રી પુરુષનો સંયોગ છે, અને જરેલું વસ્ત્ર જેમ કાળે કરીને નાશ પામે છે તેમ આ કાયા હળવે હળવે ઘસાઈ છેવટે જીવનરહિત થઈ જઈ નાશ પામે છે. બાકી સઘળું મિથ્યા છે. આવું મારા અંતઃકરણમાં દૃઢ થવાથી મને જેમ રુચ્યું, મને જેમ ગમ્યું અને મને જેમ પાલવ્યું તેમ વર્તવા માંડ્યું. અનીતિનાં આચરણ કરવા માંડ્યાં. રાંકડી રૈયતને પીડવામાં કોઈ પણ પ્રકારની કચાશ મેં રાખી નહીં. શિયળવંતી સુંદરીઓના શિયળભંગ કરાવીને મેં આકરા કેર બોલાવી દેવામાં કોઈ પણ પ્રકારની ખામી રાખી નહીં. સજ્જનોને દંડવામાં, સંતોને રિબાવવામાં અને દુર્જનોને સુખ દેવામાં મેં એટલાં પાપ કર્યા છે કે એ પાપનો એક પ્રબળ પર્વત બાંધ્યો હોય તો તે મેરુથી પણ સવાયો થાય ! આ સઘળું થવાનું કારણ માત્ર લુચ્ચા ધર્માચાર્યો હતા. આવી ચંડાળમતિ મારી હમણાં સુધી રહી.’’ (વ.પૃ.૨૨) આવી રીતે શક્તિનો ગેર ઉપયોગ કદી કરું નહીં.
૪૬૮