________________
સાતસો મહાનીતિ
પછી અમે રાજસભામાં આવીશું. એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા.” (પૃ.૧૦૯) સ્વરૂપ પ્રશંસા કરવાથી સનત્કુમાર ચક્રવર્તીની કાયા પણ ઝેરમય બની ગઈ માટે સ્વરૂપની પ્રશંસા કરું નહીં.
૬૩૧. કાયા પર ગૃદ્ધભાવે રાચું નહીં.
ગીધ પક્ષી માંસ ઉપર વૃદ્ધભાવે રાચે છે, તેમ અજ્ઞાની જીવ આ શરીર ઉપર ગૃદ્ધભાવે એટલે અત્યંત આસક્તભાવે રાચે છે; તેમ રાચું નહીં પણ જેમ બને તેમ શરીરની આસક્તિનો ત્યાગ કરી દેહાધ્યાસ ઘટાડું અને આત્મભાવને પોષણ આપું.
૬૩૨. ભારે ભોજન કરું નહીં.
મિષ્ટાન્ન, દૂધપાક વગેરે ભારે ભોજન કરવાથી પ્રમાદ થાય, બ્રહ્મચર્યને હાનિ પહોંચે, માટે ભારે ભોજન કરું નહીં. સાદું ભોજન પણ અલ્પ કરી પ્રમાદનો જય કરું. જેથી ઘર્મધ્યાન વિશેષ કરી મોક્ષ પુરુષાર્થ સાધી શકું.
૬૩૩. તીવ્ર હૃદય રાખું નહીં.
કઠોર હૃદય રાખું નહીં અથવા નાની વાતમાં પણ શીઘ્ર ઉત્તેજિત થઈ જાઉં એવું ઉતાવળીયું મન રાખું નહીં. પણ ખમી ખૂંદવાની કે સહન કરવાની શક્તિ કેળવું.
૬૩૪. માનાર્થે કૃત્ય કરું નહીં.
દાન વગેરે કોઈપણ કામ, માન મેળવવા માટે કરું નહી; પણ આત્માર્થે કરું.
૬૩૫. કીર્ત્યર્થે પુણ્ય કરું નહીં.
માન મોટાઈ મેળવવા માટે પુણ્ય કરું નહીં. દાન વગેરે કરું તે પણ પુણ્યની ઇચ્છાથી નહીં પણ જન્મમરણથી મુક્ત થવા અર્થે લોભનો ત્યાગ કરવા કરું.
૬૩૬. કલ્પિત કથાસૃષ્ટાંત સત્ય કહું નહીં.
658
મનની કલ્પનાથી કથાઓ કે દૃષ્ટાંતોને ઘડે તેને સત્ય ઠરાવું નહીં.
જેમકે સાપ, શિયાળ અને સસલું ત્રણેને ભાઈબંધી હતી. એ કલ્પિત દૃષ્ટાંત ઉપદેશામૃતમાં આપ્યું છે. તેને સત્ય કહ્યું નહીં. પણ એના ઉપરથી મહાપુરુષોને જે બોધ આપવો છે તેને ગ્રહણ કરું.
તેમજ કલ્પિત કથાઓ મોહી જન જોડે, તેને વાંચીને સત્ય માની મોહ વધારું નહીં. ૬૩૭. અજાણી વાટે રાત્રે ચાલું નહીં.
જે રસ્તાની મને ખબર ન હોય તે રસ્તે રાત્રે ચાલું નહીં. કારણ ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ જાઉં. માટે એવી હિંમત કદી કરું નહીં.
૬૩૮. શક્તિનો ગેરઉપયોગ કરું નહીં.
જે આપણને શક્તિ મળી છે, તેનો બીજાને પીડવામાં, દુઃખી કરવામાં કે માયા પ્રપંચ કરવામાં દુરઉપયોગ કરું નહીં. પણ એ શક્તિનો ઉપયોગ ભગવાનની ભક્તિ કરવામાં, કોઈનો ઉપકાર કરવામાં કે વ્રત સંયમ પાળવામાં કરું કે જેથી જીવનું કલ્યાણ થાય.