________________
સાતસો મહાનીતિ
પ૯૧. ઘર્મ મહાત્માઓને સન્માન દઈશ.
જે મહાત્માપુરુષો પોતાના આત્મઘર્મમાં રમણતા કરે છે તે શ્રી ગુરુ ભગવંત હો કે શ્રી સંત ઉપકારી સત્પરુષ હો, સર્વને બહુ ઉલ્લાસપૂર્વક સન્માન આપું.
“સમાધિસોપાન'માંથી - આચાર્યભક્તિ ભાવના – “આચાર્યભક્તિ એ જ ગુરુભક્તિ છે. ઘન્યભાગ્ય જેનાં હોય તેને વીતરાગ ગુરુના ગુણોમાં અનુરાગ ઉત્પન્ન થાય છે. ઘન્ય પુરુષો મસ્તક ઉપર સદ્ગુરુની આજ્ઞા ચઢાવે છે. આચાર્ય છે તે અનેક ગુણોની ખાણ છે. શ્રેષ્ઠ તપના ઘારક છે. એમના ગુણ મનમાં ધારણ કરીને પૂજવા લાયક છે, અર્ધ ઉતારવા લાયક છે, આગળ પુષ્પાંજલિ મૂકવા લાયક છે. એવી ભાવના કરવી કે આવા સદ્ગુરુના ચરણનું મને શરણ હો!
જે અનશનાદિ બાર પ્રકારનાં ઉજ્જવલ તપમાં ઉદ્યમ કરે છે, છ આવશ્યક ક્રિયામાં સાવઘાન છે, પાંચ આચારના ઘારક છે, દશ લક્ષણ ઘર્મરૂપ તેમની પરિણતિ છે, મન, વચન, કાયાની ગુતિવાળા છે, એ પ્રકારે છત્રીસ ગુણો સહિત આચાર્ય હોય છે.
સમ્યગુદર્શનાચારને નિર્દોષપણે તે ઘારણ કરે છે. સમ્યકજ્ઞાનની શુદ્ધતા સહિત છે. તે પ્રકારના ચારિત્ર (પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ)ની શુદ્ધતાના ઘારક છે. તપશ્ચર્યામાં ઉત્સાહવાળા અને પોતાના વીર્યને નહીં ગોપવતાં બાવીસ પરિષહોને જીતવામાં સમર્થ છે. એવા પાંચ આચારના ઘારક આચાર્ય ભગવંત છે.
અંતરંગ બહિરંગ ગ્રંથિથી રહિત નિગ્રંથમાર્ગમાં પ્રવર્તવા તે તત્પર છે. એક ઉપવાસ, બે, ત્રણ, પાંચ, પંદર કે માસોપવાસ કરવામાં તત્પર છે. નિર્જન વનમાં કે પર્વતોની ખીણો કે ગુફાઓમાં નિશ્ચલ શુભ ધ્યાનમાં નિરંતર મનને રાખે છે. શિષ્યોની યોગ્યતા સારી રીતે જાણી દીક્ષા દેવામાં અને શિક્ષા દેવામાં પ્રવીણ છે. યુક્તિથી નવ પ્રકારના નયને જાણનારા છે. પોતાની કાયા ઉપરથી મમતા છોડીને રાત્રિ દિવસ પ્રવર્તે છે. સંસારરૂપી કૂવામાં રખે પડી જવાય એવો ભય રાખે છે. મન વચન કાયાની શુદ્ધતા સહિત નાસિકાના અગ્રભાગ ઉપર જેમણે દ્રષ્ટિ સ્થાપી છે એવા આચાર્યોને સાષ્ટાંગ નમસ્કાર પૂર્વક વંદના કરીએ છીએ. એવા આચાર્યોના ચરણોના સ્પર્શથી પવિત્ર થયેલી રજને આઠ દ્રવ્યો વડે પૂજવા યોગ્ય છે. આચાર્યભક્તિ સંસારપરિભ્રમણના ક્લેશરૂપ પીડાનો નાશ કરનારી છે.” (પૃ:૨૧૨)
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ - ૨ તથા ૩'માંથી :
અકબરબાદશાહનું દ્રષ્ટાંત – અકબર બાદશાહની સભામાં અનેક જાતિના લોકો આવીને બેઠેલા હતા. તે વખતે સૌએ પોતપોતાના ઘર્મનું વર્ણન કર્યું. તેમાં એક વિદ્વાન પુરુષે શ્રી હીરસૂરિની પ્રશંસા કરી કે “હે બાદશાહ! જેમ સર્વ રાજાઓમાં આપ મુકુટ સમાન છો, તેમ સર્વ દર્શનોમાં અદ્વિતીય વિદ્વાન અને સર્વ ઘાર્મિકોમાં મુકુટ સમાન એક હીરવિજયસૂરિ જ છે. આ પ્રમાણેની તેમની પ્રશંસા સાંભળીને બાદશાહે બે દૂતોને વિજ્ઞપ્તિયુક્ત ફરમાન આપીને લાટદેશમાં ગાંધાર નામના બંદરે જ્યાં હીરસૂરિ બિરાજમાન હતા ત્યાં તેમને બોલાવવા માટે મોકલ્યા. તે દૂતોએ ત્યાં જઈને જેના ચરણકમળની સેવા સર્વ સંઘ કરી રહેલા હતા એવા હીરગુરુના ચરણકમળમાં તે ફરમાન મૂક્યું. તે દૂતે કરેલી વિજ્ઞપ્તિ સાંભળીને શ્રાવકોએ પણ વિનંતિપૂર્વક કહ્યું કે “હે ગુરુ મહારાજ ! જેમ કેશીગણઘરે પ્રદેશીરાજાને બોઘ પમાડ્યો હતો, તેમ આપ પણ અકબર બાદશાહને બોઘ પમાડજો, આપના જેવા મહાત્મા પુરુષો વિશ્વના ઉપકારને માટે જ યત્ન કરે છે. શ્રી સંઘના આગ્રહથી શ્રી ગુરુ મહારાજે ત્યાં જવા વિહાર કર્યો.
૪૪૫