________________
સાતસો મહાનીતિ
પ૮૬. કપટને પણ જાણવું.
હું આ કપટ કરું છું, તેને પણ ધ્યાનમાં રાખું. કપટને કપટરૂપે જાણે તો “માયા પ્રત્યે માયા સાક્ષીભાવની” રાખી શકે. શ્રી મલ્લિનાથ ભગવાને પૂર્વભવમાં કપટથી વઘારે તપ કર્યું તો તેમને પણ સ્ત્રીનો અવતાર લેવો પડ્યો. તો આપણા જેવા સંસારમાં માયા કપટ કરે, તેનું ફળ કેવું આવશે તે જરૂર વિચારવા જેવું છે. માયાવી જીવો પશુગતિને અથવા સ્ત્રીદેહને પામે છે.
“ઉપદેશામૃત'માંથી – “ઉપરથી સાધુનો વેશ હોય અને બાહ્ય ચારિત્રાદિથી જનરંજન કરી સાધુ કહેવરાવવા તથા માનપૂજા આદિ કારણે દેખાડવું કાંઈ સાધુપણું , અને અંતરથી વર્તન કાંઈ – વિષય કષાય મોહથી ભરપૂર, એવું હોય તો તે માયાશલ્ય કહેવાય. પોતાના આત્મા અર્થે ઘર્મ નહીં કરતાં, અંતરશ્રદ્ધા વગર જગતને ઠગવા ગુરુપણા આદિની અજ્ઞાનક્રિયા તે માયાશલ્ય છે.” (પૃ.૩૫૦)
કહેવાતા ત્યાગીનું દ્રષ્ટાંત – મોડે વહેલે કપટ બહાર આવે. એક ત્યાગી હતો તે ખાય દરરોજ છતાં “કદી નિહાર કરતો નથી' એવી વાત બધે ફેલાવા લાગી. એ વાત એક જૈનના જાણવામાં આવી. તેથી તેની પરીક્ષા કરવા મીઠાઈ લઈને તે ત્યાગી પાસે ગયો. ભાવ દેખાડી, બરાબર જમાડી અને સેવામાં હાજર રહેવા રજા માગીને રહ્યો. આખો દિવસ કંઈ જણાયું નહીં. પણ સવાર થવા આવ્યું ત્યારે બાવાજી નાહવા જવા નીકળ્યા ત્યારે પેલો માણસ પણ સાથે ગયો. બાવાજી નાહતાં નાહતાં ડૂબકી મારી ગયા એટલામાં ઉપર વિષ્ટા તરી આવી. એટલે તે જૈને કહ્યું, બાવાજી હવે બહાર નીકળો, લીંડી ઉપર દેખાઈ. આમ લોકોને તમાસો દેખાડી જેણે આહાર કર્યો હોય તેને નિહાર તો હોય જ, એ વાત જણાવી પોગળ બહાર પાડ્યું. (પૃ.૨૮૩)
“બોઘામૃત ભાગ-૧'માંથી - “સરલભાવ આવે ત્યારે માયા છૂટે. સરળતા એ મોટો ગુણ છે. જેટલી સરળતા હોય તેટલો બોઘ પરિણમે. સરલભાવ ન આવે ત્યાં સુધી બોઘ ન પરિણમે. સરળતાવાળો સીઘો છે અને માયાવાળો વક્ર એટલે વાંકો છે.” (પૃ.૬૫)
“બોઘામૃત ભાગ-૩'માંથી – શ્રી આનંદઘનજીના સ્તવનના અર્થ પરમકૃપાળુદેવે કર્યા છે તે ફરી ફરી વાંચવાથી કપટનો અર્થ સમજાવવા યોગ્ય છેજી. પરમાત્માના ચરણમાં ચિત્તનું ચોટવું કઠણ છે. અને એ મનનું સમર્પણ થયું નથી ત્યાં સુધી સાંસારિક ભાવનામાં ચિત્તનું ભટકવું રહે છે તે જ કપટ પરમકૃપાળુદેવે કહ્યું છે તે વિચારવાથી સમજાશેજી. બીજી પંચાત મૂકી આપણાં પરિણામ દિન દિન સુધરતાં જાય, પરમકૃપાળુદેવનું માહાભ્ય વિશેષ વિશેષ લાગે તેમ કર્તવ્ય છેજી. (પૃ.૭૪૮)
‘સહજસુખસાઘન'માંથી - મુનિના કપટનું ફળ પશુગતિ
એક મુનિનું દ્રષ્ટાંત - એક મુનિએ નગરની બહાર ચાર માસનો વર્ષાયોગ ઘારણ કર્યો હતો. વર્ષાયોગ પૂર્ણ થતાં બીજે દિવસે ત્યાંથી વિહાર કર્યો. બીજા એક મુનિ કોઈ પાસેના ગામથી આવી ત્યાં ઊતર્યા. નગરનાં નરનારીઓ ત્યાં આવી મુનિની વંદના પૂજા ભક્તિ કરતાં કહેવા લાગ્યા કે “આપે અમારા નગરની બહાર વર્ષાકાળમાં યોગ સાઘન કર્યું તેથી અમારું સ્થાન પવિત્ર થયું.” એ આદિ. તે સમયે તે મુનિએ કહેવું જોઈતું હતું કે, “હું તે મુનિ નથી.” પણ તે પોતાની પૂજા થતી જોઈ મૌન રહ્યા. કપટથી પોતાનો પરિચય આપ્યો નહીં. આ માયાના પરિણામથી તે મુનિએ પશુગતિનો બંઘ કર્યો અને મરીને તે હાથી થયા. (પૃ.૧૪).
૪૩૯