________________
સાતસો મહાનીતિ
‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી :- એક જ સમયે એક જ ક્રિયા હોય, બે હોઈ શકે નહીં.
ગંગાચાર્યનું દૃષ્ટાંત – આચાર્ય મહાગિરિના શિષ્ય ધનગુપ્ત અને ધનગુપ્તના શિષ્ય ગંગ નામે આચાર્ય થયા. તે ગંગાચાર્ય એકદા ઉલ્લુકા નદીના પૂર્વ કાંઠાપર ચાતુર્માસ રહ્યા હતા ને તેમના ગુરુ ધનગુપ્તાચાર્ય તે નદીના પશ્ચિમ કાંઠે ચાતુર્માસ રહ્યા હતા. એક વખત શરઋતુમાં ગંગાચાર્ય પોતાના ગુરુને વાંદવા જતાં માર્ગમાં ઉલ્લુકા નદી ઊતરતા હતા તે વખતે તેમના મસ્તકમાં ટાલ હોવાથી સૂર્યના કિરણોના સ્પર્શને લીધે તેમનું માથું તપી ગયું, અને પાણીમાં ચાલતા હોવાથી પગને શીતલતા જણાઈ. તે વખતે પૂર્વે બાંધેલ મિથ્યાત્વ મોહનીનો ઉદય થવાથી તેમને એવો વિચાર આવ્યો કે “સિદ્ધાંતમાં એક કાળે બે ક્રિયાનો અનુભવ ન હોય એમ કહ્યું છે; પણ મને તો અત્યારે એક જ સમયે બે ક્રિયાનો અનુભવ થાય છે. હું શીત ને ઉષ્ણ બંનેને વેદું છું; માટે અનુભવથી વિરુદ્ધ હોવાને લીધે આગમનું એ વચન યથાર્થ લાગતું નથી.’’ એવી શંકા ઘરાવતા સતા ગંગાચાર્ય ગુરુ પાસે આવ્યા, અને પોતાને થયેલી શંકા નિવેદન કરી. તે સાંભળીને ગુરુએ શિખામણ આપી કે “હે વત્સ ! છાયા અને આતપ જેમ સમકાળે ન હોય તેમ એક કાળે બે ક્રિયાનો અનુભવ અન્યોન્ય વિરુદ્ધ હોવાથી થઈ શકે જ નહીં; કેમકે જે અનુભવ થાય છે તે અનુક્રમે જ થાય છે; પરંતુ સમય આવલિકાદિક કાળ ઘણો સૂક્ષ્મ હોવાથી અને મન પણ અતિ ચપળ, અતિ સૂક્ષ્મ અને ઘણીજ ત્વરાવાળું હોવાથી તે અનુભવનો અનુક્રમ તારા જાણવામાં આવ્યો નહીં. ઇત્યાદિ અનેક ક્રિયા જીવ સમકાળે કરે છે, પરંતુ તેનો ઉપયોગ સમકાળે બધી ક્રિયામાં વર્તાતો નથી. ઉપયોગ તો એક ક્રિયામાં જ વર્તે છે.’’ આ પ્રમાણે અનેક પ્રકારની યુક્તિઓથી ગુરુએ તેને બહુ સમજાવ્યો, તો પણ જ્યારે તે શિષ્યે પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં, ત્યારે ગુરુએ તેને ગચ્છ બહાર કર્યો.
પછી તે વિહાર કરતો કરતો રાજગૃહી નગરીએ આવ્યો. ત્યાં તે પોતાના અસત્ય મતનું પ્રતિપાદન કરીને બીજા મુનિઓના ચિત્તને પણ વિક્ષેપિત કરવા લાગ્યો; કેમકે દુરાગ્રહી માણસ હડકાયા કૂતરાની જેમ બીજાને પણ પોતાની જેવા કરવા ઇચ્છે છે.
રાજગૃહીમાં મહાતપસ્તીરપ્રભાવ નામે એક દ્રહ (તળાવ) હતો. તેની પાસે મણિનાગ નામના યક્ષનું ચૈત્ય હતું. ત્યાં રહીને ગંગાચાર્ય પર્ષદાની સમક્ષ સમકાળે બે ક્રિયા વેદવારૂપ પોતાના અસત્ પક્ષની પ્રરૂપણા કરવા લાગ્યો. તે સાંભળીને મણિનાગ યક્ષને કોપ ચડ્યો; તેથી તેણે કહ્યું કે “અરે દુષ્ટ! આવી અસત્ પ્રરૂપણા કરીને અનેક પ્રાણીઓના મનમાં સંશય કેમ ઉત્પન્ન કરે છે? આજ સ્થાને શ્રી વર્ધમાન સ્વામીનું સમવસરણ થયું હતું. તે વખતે પ્રભુએ એક સમયે એક જ ક્રિયાનું વેદવું હોય એમ પ્રતિપાદન કર્યું હતું. તે વખતે મેં આ ચૈત્યમાં રહીને સાંભળ્યું હતું.
માટે આ દુષ્ટ વાસના મૂકી દે અને પ્રભુના વચનને અંગીકાર કર; નહીં તો હમણાં તને આ મુદ્ગરવડે શિક્ષા કરીશ. પ્રત્યક્ષ સિદ્ધ અર્થને તું ગોપવે છે તે યોગ્ય નથી. ઇત્યાદિ યુક્તિથી તે નાગયક્ષે તેને સમજાવ્યો, એટલે ગંગાચાર્યે તેનું કહેવું અંગીકાર કર્યું અને મિથ્યા દુષ્કૃત દીધો. પછી ગુરુ પાસે જઈ તે પાપની આલોચના લઈને પ્રતિક્રમ્યા. (પૃ.૨૪૦)
જેમ ગંગાચાર્યે ભગવાનના વચનોમાં શંકા કરીને તેમના વચનોને ઉત્થાપ્યાં અને યક્ષના વચનથી ફરીથી મંડન કર્યું; તેમ વર્તન કરું નહીં.
૪૨૭