________________
સાતસો મહાનીતિ
પપ૦. દુઃખ અને ખેદ ભ્રમણા છે.
વાસ્તવિક રીતે જોતાં દુઃખ અને ખેદ એ આત્માનો સ્વભાવ નથી. પણ ભ્રાંતિથી તેમ મનાઈ ગયું છે. કર્મના ઉદયે શરીરમાં રોગ આવે ત્યારે મોહનીય કર્મના ઉદયથી જીવને દુઃખ અને ખેદ થાય છે. પણ જો દર્શનમોહનીયકર્મ મંદ થઈ સમકિત પ્રગટ્યું હોય તો શરીરમાં દુઃખ હોવા છતાં તે પોતાને દુઃખી માનતો નથી. મોહને લઈને હું દુઃખી છું એવી જીવને ભ્રાંતિ થાય છે.
ભીલોનું દ્રષ્ટાંત – અજ્ઞાનને કારણે અરીસો જોઈ ત્રણે ભ્રાંતિમાં પડ્યાં. “જંગલમાં એક ભીલ રહેતો હતો. તેને એકવાર અરીસાનો ટુકડો હાથમાં આવ્યો. તેમાં પોતાનું મુખ દેખાયું તેથી તેને ભ્રાંતિ થઈ ગઈ કે આ તો મારા પિતા છે. ભીલની સ્ત્રીએ તે અરીસો હાથમાં લઈને જોયો તો તેમાં પોતાનું મોટું દેખાયું તેથી તે પણ ભ્રમમાં પડી ગઈ કે મારો પતિ બીજી સ્ત્રીના મોહમાં પડી ગયો છે. તેટલામાં ભીલોનો ગુરુ આવ્યો તેણે પણ અરીસો જોયો અને લાગ્યું કે આ તો મારા ગુરુ બાબા આદમ છે. આમ ત્રણેય ભ્રાંતિમાં પડી ગયા.
તેવી રીતે આપણને પણ આ દેહ તે જ હું છું એવી ભ્રાંતિ થઈ ગઈ છે. તેથી દેહના નિમિત્તે આ જીવ દુઃખ અને ખેદ પામ્યા કરે છે. ગ્રંથ યુગલ'માંથી - હૂંઠામાં મનુષ્યની ભ્રાંતિ તેમ દેહને પોતાનો માનવાની ભ્રાંતિ
“હૂંઠાને ભૂલથી માની-મનુષ્ય, જેમ વર્તતો;
પ્રવર્તી તેમ પૂર્વે હું, દેહાર્દિ નિજ માનતો.” એક ગૃહસ્થનું દ્રષ્ટાંત - કરમસદ ગામના કોઈ એક ગૃહસ્થ ગંભીરા ગામે જવા, પાસે પૈસા લઈ ત્રણ-ચાર વાગ્યે રાત્રે નીકળેલા. થોડે દૂર ગયા પછી તેમને વાડમાં કોઈ છૂપાઈ રહ્યું હોય તેમ લાગ્યું. મનમાં વહેમ પડ્યો કે કોઈને બાતમી મળી હોય કે આ રાત્રે પૈસા લઈને જવાનો છે, તેથી રાહ જોઈને છૂપાઈ રહ્યો લાગે છે. તેથી મારે પણ તેને ખબર પડે તે પહેલાં સંતાઈ જવું ઠીક છે એમ જાણી, તે એક બાજા ઝાડવામાં લપાઈ રહ્યા અને નિર્ણય કર્યો કે તે દેખાતો બંઘ થાય એટલે થાકીને જતો રહે, ત્યાર પછી આગળ જવું. એમ કરતા સવાર થયું, ત્યારે પ્રકાશમાં જણાયું કે ત્યાં કોઈ માણસ નહોતું પણ હરેરાનું થડ ઘોળુ માણસ જેવું અંઘારામાં લાગતું હતું. થડ છે એમ નિર્ણય થયો નહોતો ત્યાં સુધી અનેક વિકલ્પો ઊઠતા કે જો હવે ન ખસે તો પાછા જઈ પોલીસને ખબર આપી તેને પકડાવવો કે બીજા ગામ ઉપર થઈ લાંબે રસ્તે જવું; તે એકદમ દોડી આવે કે બીજાં માણસોને લઈને આવે તો શું કરવું આદિ અનેક ભય અને બચાવના વિકલ્પો તે કરતા હતા. આ બનેલા બનાવ જેવું. ગ્રંથકારે દ્રષ્ટાંત આપ્યું છે કે ઝાડના પૂંઠાને પુરુષ માનવારૂપ ભ્રાંતિ જેને ઉત્પન્ન થઈ છે તે જેમ અનેક વિકલ્પો કરી શત્રુમિત્ર આદિ તરીકે તેને માને છે; તેથી તેને જીતવાની કે પ્રસન્ન આદિ કરવાની ફિકર કર્યા કરે છે, તેમ બહિરાત્મા થડ જેવા આ દેહને પોતાનું સ્વરૂપ માનવાની ભ્રાંતિમાં પડ્યો હતો, ત્યારે દેહને ઉપકારક જે જે સામગ્રી મળે તે પ્રત્યે રાગ કરતો. તેવી તેવી સામગ્રી મેળવવા મથતો, કષ્ટ વેઠતો, ખર્ચ કરતો; દેહને પ્રતિકૂળ જણાય તે પ્રત્યે દ્વેષ કરતો, તેનું અપમાન કરતો, યુદ્ધો કરતો અને તે ટાળવા ઇચ્છા રાખતો, પુરુષાર્થ કરતો અને દુઃખી પણ થતો. અનંત કાળથી જીવની આ પ્રકારની ચેષ્ટા હતી; તેથી જીવ દુઃખી દુઃખી થઈ રહ્યો હતો. (પૃ.૧૧૪)
૪૧૩