________________
સાતસો મહાનીતિ
શીખવીને તેના આત્માનું કલ્યાણ કરે તેમ ગોઠવણ કરું. પ૪૫. તેઓને ઘર્મપાઠ શિખડાવું.
સ્ત્રી કે બાળકને આત્મઘર્મનો પાઠ ભણાવવા ઘાર્મિક શિક્ષિકાની યોજના કરું તથા ઉત્તમ ગ્રંથો વાંચવા સર્વને પ્રેરણા કરું. મળેલ અમૂલ્ય સમયનો સઉપયોગ કરવા ભલામણ કરું. જેથી વિનય વિવેકની સર્વમાં વૃદ્ધિ થાય તથા સમ્યકજ્ઞાનના બળે સંસાર પ્રત્યે રહેલી આસક્તિ ઘટતી જાય અને સાચું આત્મિક સુખ મેળવવાની જિજ્ઞાસા જાગે. માટે કુટુંબને ઘર્મપાઠ શિખડાવવાનો ઉપાય કરું. પ૪૬. પ્રત્યેક ગૃહે શાંતિ વિરામ રાખવાં.
ઘરમાં એવી એક રૂમ રાખું કે જેમાં પરમકૃપાળુદેવની સ્થાપના કરેલી હોય તથા જ્યાં શાસ્ત્રોનો સંચય હોય. ત્યાં જઈ સવાર સાંજ કે અવસર મળે બેસી ભક્તિ વાંચન વિચાર કરીને મારા આત્માને શાંતિ પમાડું. પહેલાના વખતમાં આનંદશ્રાવક વગેરે પોતાના ઘરના એક ભાગમાં ઉપાશ્રય જેવું રાખતા કે જેથી આઠમ, ચૌદસ અથવા પ્રતિદિનનો નિત્યક્રમ ત્યાં એકાંતમાં બેસી શાંતિપૂર્વક કરી શકતા તેમ હું પણ અનુકૂળતા હોય તો ઘરમાં શાંતિ વિરામ રાખવાની યોજના કરું. પ૪૭. ઉપદેશકને સન્માન આપું.
ઉપદેશક એવા જ્ઞાની પુરુષોને સાચા હૃદયે સન્માન આપું કે જેથી તેઓનો કરેલ ઉપદેશ મારા આત્મામાં પરિણામ પામે. વિનય વિના વિદ્યાનું ગ્રહણ થતું નથી. માટે ઘાર્મિક જ્ઞાન આપનાર એવા શિક્ષકનો અથવા વ્યવહારિક જ્ઞાન આપનાર એવા વડીલનો પણ યથાયોગ્ય વિનય કરું. પ૪૮. અનંત ગુણધર્મથી ભરેલી સૃષ્ટિ છે એમ માનું.
જીવ, અજીવ, ઘર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યથી ભરેલી આ સૃષ્ટિ છે. પ્રત્યેક દ્રવ્ય અનંત ગુણધર્મથી યુક્ત છે. માટે અનંત ગુણથર્મથી ભરેલી આ સૃષ્ટિ છે એમ માનું.
લોકાકાશના એક પ્રદેશમાં અનંત જીવ દ્રવ્ય છે. પ્રત્યેક જીવના અસંખ્ય પ્રદેશ છે. એક એક પ્રદેશમાં અનંતગુણ અને તેના અનંત પર્યાય રહેલા છે. તથા સંસારી જીવના એક એક પ્રદેશ પર અનંત કાર્મણ વર્ગણાઓ લાગેલ છે. એક કાર્મણ વર્ગણામાં અનંત પુગલ પરમાણ રહેલા છે તથા એક પરમાણુમાં અનંતગુણ અને તેના અનંત પર્યાય રહેલા છે. તે સર્વમાં જે પરિણમન થઈ રહ્યું છે તેમાં કાળદ્રવ્ય નિમિત્તરૂપ છે. તથા દ્રવ્યના ગમનાગમન કરવામાં ઘર્માસ્તિકાય દ્રવ્ય સહાયરૂપ છે, તેમજ દ્રવ્યને સ્થિર થવામાં નિમિત્તકારણ તે અધર્માસ્તિકાય દ્રવ્ય છે.
ઉપરોક્ત પ્રકારે દ્રવ્યોનું સ્વરૂપ હોવાથી અનંત ગુણધર્મથી ભરેલી આ સૃષ્ટિ છે એમ માનું. પ૪૯. કોઈ કાળે તત્ત્વ વડે કરી દુનિયામાંથી દુઃખ જશે એમ માનું.
કોઈ સમયે સંસારમાં રહેલા જીવો જ્યારે તત્ત્વજ્ઞાન વડે આત્મસ્વરૂપને જાણી, સંસારના મોહથી નિવૃત્ત થશે ત્યારે દુનિયામાં રહેલા દુઃખોથી તે છૂટકારો પામશે એમ માનું.
જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંઘ, મોક્ષ, નિર્જરા એ સાત તત્ત્વનું જ્ઞાન મેળવી ત્યાગવા યોગ્ય તત્ત્વોને ત્યાગી અને ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વોને ગ્રહણ કરી જે આત્મશુદ્ધિ કરશે તેનું દુનિયામાંથી દુઃખ જશે એમ માનું.
૪૧૨