________________
સાતસો મહાનીતિ
જળથી પ્રભુની પૂજા કરનારી બ્રાહ્મણ સ્ત્રી સોમશ્રી મુક્તિને પામી
સોમશ્રીનું દ્રષ્ટાંત - બ્રહ્મપુર નામે નગર. સોમિલ નામે વિપ્ર. સોમશ્રી નામે પુત્રવધૂ. સોમશ્રી એકવાર જળનો કુંભ ભરીને આવતી હતી. ત્યાં તેણે સાંભળ્યું કે ભગવાનની જળથી પૂજા કરવાથી નિર્મળ જ્ઞાન મળે અને આત્મા અભયને પામે. સોમશ્રી સંસ્કારી હતી. તેથી જળનો ભરેલો ઘડો અભિષેક માટે પ્રભુ પાસે મૂકી દીઘો. સાસુને આ વાતની જાણ થઈ. એ લાકડી
લઈને ઘરના દ્વારમાં ઊભી રહીને બોલી : “ઘડા વગર ઘરમાં પેસવા નહીં દઉં, વહુ!” સોમશ્રી પાછી વળી. કુંભારને ત્યાં ગઈ અને પોતાના સુવર્ણ વલયના બદલામાં ઘડો આપવા વિનંતી કરી. કુંભાર સંસ્કારી હતો. એણે પૂજાનું નિમિત્તે જાણી ઘડો મફત આપ્યો. ઘડો લઈને સોમશ્રી ઘરે આવી. આમ સોમશ્રી જળપૂજા કરવાથી બીજા ભવમાં કુંભશ્રી નામે રાજકુમારી થઈ અને કુંભાર અનુમોદના કરવાથી શ્રીધર નામે
રાજા થયો. સાસુ અંતરાય કરવાથી દુર્ગતિ પામી. રાજકુમારી કુંભશ્રી પાંચમે ભવે મોક્ષપદને પામી. આ દ્રષ્ટાંત આપતાં આ પૂજાના રચયિતા કવિશ્રી વીર વિજયજી મહારાજ કહે છે કે હે જગતના આઘાર પ્રભુ! આપની આજ્ઞાને મેં પણ શિર ઉપર ઘારણ કરી છે. કેમકે આજ્ઞાનું આરાધન એ જ ઘર્મ છે. (પૃ.૭)
અંતરાય કર્મ – માણસ મહેનત કરે, પણ ફળ ન મળે; દાન આપવા ઇચ્છે પણ આપી ન શકે, કોઈનું સારું કરવા ઇચ્છે પણ સારું કરી ન શકે, એ બઘો અંતરાયકર્મનો પ્રભાવ છે. જેમ રાજા દાન દેવાનો હુકમ કરે પણ દીવાન કે ભંડારી આપે નહીં, અંતરાય ઊભો કરે અથવા બહાનાં કરીને ટાળે તેમ. (પૃ.૨૦)
સતી અંજનાનું દ્રષ્ટાંત – પૂજામાં બે ઘડીના અંતરાયથી બાવીસ વર્ષ પતિનો વિયોગ. કારણવશાત્ સતી અંજનાએ જંગલમાં વાસ કર્યો. ત્યાં મુનિ ભગવંતના દર્શન થયા. મુનિએ શ્રાવક ઘર્મનો ઉપદેશ આપ્યો તેથી તેણીએ શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. પછી સતી અંજનાએ મુનિ ભગવંતને પોતાનો પૂર્વભવ પૂછ્યો. તેના જવાબમાં મુનિ બોલ્યા કે પૂર્વભવમાં કનકરથ રાજાને કનકોદરી અને લક્ષ્મીવતી બે સ્ત્રીઓ હતી. તેમાં કનકોદરી તે તું હતી. તારી શોક્ય લક્ષ્મીવતીને પ્રતિદિન ભગવાનની પૂજા કરવાનો નિયમ હતો. તે સિવાય તે ભોજન કરતી નહીં. તેના પ્રત્યે તું દ્વેષ રાખતી હતી. તેથી એક દિવસે તે પ્રતિમાને લઈ જઈ તું ઉકરડામાં દાટતી હતી ત્યાં વિહાર કરતા જયશ્રી સાધ્વી આવી ચઢ્યાં. તેણે આ જોઈ કહ્યું કે આ તું શું કરી રહી છે. આ મહાપાપનું કારણ છે. તેથી તેં એ પ્રતિમા પાછી જ્યાં હતી ત્યાં લાવી મૂકી દીધી. પણ બે ઘડી સુધી પૂજાનો તારી શોક્યને અંતરાય કર્યો તેના ફળમાં તને તારા પતિનો ૨૨ વર્ષ સુઘી વિયોગ સહન કરવો પડ્યો છે. માટે કોઈને પણ શુભ કાર્યમાં અંતરાય કરવો નહીં. નહીં તો અનેકગણું તેનું માઠું ફળ જીવને ભોગવવું પડે છે.
૩૯૫