________________
સાતસો મહાનીતિ
પરમકૃપાળુદેવ જણાવે છે –
“ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત તો કરે છે, તેનો નિષેઘ નહીં કરતાં, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સાસ્વઅધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેઘ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે; અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારાં પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે, અને લોકોની દ્રષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેઘ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે.” (વ.પૃ. ૬૫૩) ૪૮. અહંપદ રાખું કે ભાખું નહીં.
ઉપરના વાક્યમાં સદોષ ક્રિયા કહી તેનું કારણ ક્રિયાની વિધિનું અજ્ઞાન હોય અથવા જાણતો હોય છતાં અશક્તિને લઈને દોષ થઈ જાય તેને માટે કહ્યું છે. પણ ક્રિયા કરી તેનું અભિમાન રાખવું તે મોટો દોષ છે. મેં કર્યું, મેં કેવું સારું કર્યું, મારા જેવું કોઈ કરી શકે નહીં વગેરે અહંપણાનો દોષ રાખું નહીં કે ભાખું નહીં એટલે કહી બતાવું નહીં. સારા માણસો સારા કામ કરે છે પણ ગુપ્ત રાખે છે. બીજાના ગુણો પ્રગટ કરવા અને પોતાના ગુણો ઢાંકવા એ સજ્જન પુરુષના લક્ષણ છે. જેના અંતરમાં અહંભાવ નથી તેના વચનમાં વખતે કારણસર સત્યવાત જણાવે તો પણ આ અહંકાર કરવા બોલે છે એમ જણાતું નથી. પણ જેના અંતરમાં અહંભાવ છે તે વાણીમાં અહંભાવના શબ્દો ન આવવા દે તો પણ બીજાના અંતરમાં તેના અહંકારની છાપ પડ્યા વિના રહેતી નથી. ચીપી ચીપીને બોલતો હોય પણ એના શબ્દો જ એનો ભાવ બતાવી આપે છે. મનોમન સાક્ષી છે. જેમકે એક ઘોડેસ્વારે ડોશીમાને કહ્યું – “લાવો ડોશીમા, તમારું પોટલું લઈ જાઉં.” ડોશીમાએ કહ્યું “ના બા મને ખબર પડી ગઈ. તને કહી ગયો તે મને પણ કહી ગયો;” અર્થાત્ મને ખબર પડી ગઈ કે તારે પોટલું લઈને નાસી જવું છે. સામાનું મન તેના વચન પરથી પરખાઈ જાય છે. માટે અહંપદ રાખું નહીં કે ભાખું નહીં. ૪૯. સમ્યક્ પ્રકારે વિશ્વ ભણી દ્રષ્ટિ કરું.
જગત આત્મારૂપ માનવામાં આવે” -શ્રીમદ્ રાજચંદ્ર. “સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.” -શ્રીમદ્ રાજચંદ્ર. પરમકૃપાળુદેવના હૃદયમાં વિશ્વ ભણી કેવી સમતાદ્રષ્ટિ છે તે જણાવે છે –
“જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઇચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ.” (વ.પૃ.૩૮૪)
ઉપરના વાક્યોમાં જ્ઞાની પુરુષોને કેવા સમ્યક ભાવ હોય તેનું વર્ણન છે. જ્યારે મિથ્યાવૃષ્ટિ
૨૫