________________
સાતસો મહાનીતિ
દેવોને સેવે છે, તેઓના ઇષ્ટકાર્યોની સિદ્ધિ થતી નથી. માટે મોક્ષાર્થી જીવે પૂર્ણ પરીક્ષા કરીને, જે સર્વ દોષથી રહિત હોય તેવા એક સત્યદેવને જ ત્રિકરણયોગે પૂર્ણ શ્રદ્ધા
રાખીને સેવવા જોઈએ.” “વીતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ' વીતરાગ સમાન કોઈ દેવ ત્રણેકાળમાં થયો નથી અને થશે પણ નહીં.
હે પ્રભુ! યથાર્થ દ્રષ્ટિને અભાવે હું ખરા દેવને પ્રથમ ઓળખી શક્યો નહીં. મારી રાગદ્વેષી દ્રષ્ટિએ રાગીષી દેવોમાં જ દેવપણું માન્યું અને તેથી મને ઘણું નુકસાન થયું.
કોઈ એવી માન્યતા કરે કે મારો ધંધો સારો ચાલશે તો તમારા દર્શન કરવા પગે ચાલીને આવીશ. આવી બઘી માન્યતા કરવાથી મિથ્યાત્વ જે છોડવાનું છે તે વિશેષ ગાઢ થાય છે. આ મિથ્યાત્વ જ જીવને અનંત સંસાર રઝળાવનાર છે.
એક દરિદ્રીનું દ્રષ્ટાંત – નસીબમાં ન હોય તો આપેલું પણ રહે નહીં. એક દરિદ્રીએ એક દેવ પાસે અઠ્ઠમ તપ કરીને ઘન માંગ્યું. ત્યારે દેવે પ્રસન્ન થઈને કહ્યું કે તારા નસીબમાં નથી. પણ દરિદ્રીએ હઠ કરી તેથી દેવે એક કિંમતી રત્ન આપ્યું. તે લઈને વહાણમાં બેસી આગળ ચાલ્યો. રસ્તામાં એને કર્માનુસાર એવી મતિ સૂઝી કે આ પૂર્ણિમાની રાત્રિમાં આ રત્ન કેવું ચમકતું હશે એમ વિચારી ખુલ્લામાં આવી તે જોવા લાગ્યો. તેટલામાં તેના હાથમાંથી તે સમુદ્રમાં સરી પડ્યું. નસીબમાં ન હોય તો કોઈ આપી શકતું નથી, ગમે તેટલી માનતા કરો. નસીબ સીધું હોય તો જ્યાં હાથ નાખો ત્યાં ચરુ મળે, તેજપાળ, વસ્તુપાળને મળ્યા હતા તેમ. તેઓ પોતાના ઘનને સુરક્ષિત રાખવા માટે ખાડો ખોદવા જતાં તેમાંથી વળી બીજા ચરનાં ઘડા નીકળ્યા હતા. માટે સુખી થવા કોઈ દેવદેવીની માનતા માનું નહીં. પણ ભગવાને કહેલા કર્મ સિદ્ધાંત પર શ્રદ્ધા રાખી ભગવાનની ભક્તિ કરીને સત્કર્મ કર્યા કરું, જેથી સર્વ સુખની પ્રાપ્તિ થાય. સુખ પ્રાપ્તિનો એ જ ખરો ઉપાય છે. ૪૭૦. અયોગ્ય રીતે પૂજન કરું નહીં.
દેવ દેવીનું અયોગ્ય રીતે પૂજન કરું નહીં. જેમાં જીવોની હિંસા થાય એવું કોઈ પૂજન કરું નહીં.
યશોઘરાજાનું દ્રષ્ટાંત – કોઈના પણ આગ્રહથી કદી અયોગ્ય પૂજન કરું નહીં. શ્રી યશોઘર રાજા હતો. તેને દીક્ષા લેવાના ભાવ થયા. તેથી રાણીને દીક્ષાની વાત જણાવી. રાણીએ પણ ઉપરથી દીક્ષા લેવાના ભાવ દર્શાવ્યા, પણ અંતરમાં દીક્ષા લેવાના ભાવ નથી. કારણકે રાણીને રાજમહેલના રક્ષપાળ એવા કુબડા સાથે સંબંધ હતો.
રાત્રે યશોઘર રાજાએ દુઃસ્વપ્ન દીઠું “હું સફેદ રાજમહેલમાં સિંહાસન પર બેઠેલો છું, ત્યાંથી મારી માતા યશોઘરાએ મને નીચે પાડી નાખ્યો. હું ગબડતો ગબડતો સાતમી ભૂમિ સુઘી ગબડ્યો. મારી પાછળ મારી માતા પણ ગબડતી નીચે આવી. હું પછી પાછો ઊભો થઈ મેરુ પર્વત ઉપર ચઢી ગયો.”
જ્યારે યશોઘર રાજા રાજસભામાં આવીને બેઠો ત્યાં માતા આવી. માતાને નમસ્કાર કરીને પોતાના દીક્ષાના ભાવ દર્શાવ્યા અને આ દુઃસ્વપ્નનું નિવેદન પણ કર્યું.
માતાએ કહ્યું કે અમંગળ સ્વપ્નને નિવારવા માટે વેદમાં કહ્યા પ્રમાણે પ્રથમ કુળદેવી આગળ કૂકડાનું માંસ મૂકી પૂજન કરીને શાંતિકર્મ કર. ત્યારે યશોઘરે કાનમાં આંગળી નાખી સાંભળવાનું બંધ કર્યું અને માતાને કહ્યું કે હે માતા! શું જીવઘાતથી શાંતિકર્મ થાય? “અભયદાન દેવાથી લાંબુ આયુષ્ય, સારું રૂપ, નિરોગીપણું પ્રાપ્ત થાય અને તે જન્માંતરમાં પણ સર્વ લોકમાં પ્રશંસાનું સ્થાન પામે છે.”
૩૬૨