________________
સાતસો મહાનીતિ
આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે “અહો! આ લોકો પરમાર્થના અજાણ છે અને મોહરૂપી મદિરાનું પાન કરેલું હોવાથી ગમે તેમ બોલે છે. પૂર્વ જન્મનાં ન્યૂન પુણ્ય કરીને આ જન્મમાં સંપૂર્ણ પુણ્યનું ફળ ભોગવવાની સ્પૃહા કરે છે, તે સર્વ મિથ્યાત્વની મૂઢતાનું ચેષ્ટિત છે. અહીં હનુમાન, ગણેશ વિગેરે દેવો શું ન્યાલ કરી દે છે ? ‘જેવું વાવીએ તેવું જ લણાય છે.’ તેમાં કોઈનો દોષ નથી. પરંતુ સંસારનાં દુઃખોનું વિસ્મરણ કરવા માટે પરમાત્માનું સ્મરણ અહર્નિશ કરવું જોઈએ. કેમકે વીતરાગના ગુણો સંભાર્યા વિના સંસારનો મોહ કેમ નાશ પામે? મિથ્યાત્વમાં મગ્ન થયેલા મૂઢ પુરષોને ધિક્કાર છે, કે જેઓ સાંસારિક ઇચ્છા પૂર્ણ કરવા માટે પ્રથમ અથવા પૂર્ણ થયા પછી પરમાત્માની સ્તુતિનાં વાક્યો વડે સ્તુતિ કરે છે કે ‘અહો! આ ભગવાન સત્ય છે. તેણે મારું કાર્ય તરત પાર પાડ્યું. મારાં પુત્રપુત્રીના વિવાહાદિક સંબંધો ક્યાંયથી પણ લાવીને મેળવી આપ્યા. કેટલાએક એમ પણ બોલે છે કે ‘પરમેશ્વરે આ યુદ્ધમાં મને મોટો યશ આપ્યો.' ઇત્યાદિ પોતપોતાના સાસારિક કાર્યોમાં મિથ્યા પ્રભુનો પ્રયત્ન માને છે.'' આમ વિચારીને શ્રેષ્ઠીએ પોતાના મનમાં જરા પણ અણગમો ધારણ કર્યો નહીં. માટે ઘનાદિની ઇચ્છાએ ખોટા દેવની કદી સ્થાપના કરું નહીં. (પૃ.૨૪૯)
૪૬૬. કલ્પિત ધર્મ ચલાવું નહીં.
પોતાની અજ્ઞાન બુદ્ધિ વડે કલ્પના કરીને ધર્મ સ્થાપી, તેને ચલાવું નહીં. એમ કરવાથી સંસારમાં મહા મોહનીય કર્મ બાંધી પોતે બૂડે અને બીજાને પણ બુડાડે, તેવું કરું નહીં.
1
છ દર્શન ઉપર દૃષ્ટાંત – ‘છ જુદા જુદા વૈદ્યોની દુકાન છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચો છે. તે તમામ રોગોને, તેના કારણને અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન, ચિકિત્સા સાચાં હોવાથી રોગીનો રોગ નિર્મૂળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારું. આ જોઈ બીજા પાંચ ફૂટવૈદ્યો પણ પોતપોતાની દુકાન ખોલે છે. તેમાં સાચા વૈદ્યના ઘરની દવા પોતા પાસે હોય છે, તેટલા પૂરતો તો રોગીનો રોગ દૂર કરે છે અને બીજી પોતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે, તેથી ઊલટો રોગ વધે છે; પણ દવા સસ્તી આપે છે એટલે લોભના માર્યા લોક લેવા બહુ લલચાય છે અને ઊલટા નુકસાન પામે છે.
આનો ઉપનય એ જે, સાચો વૈદ્ય તે વીતરાગ દર્શન છે; જે સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે. તે મોહ, વિષયાદિને, રાગદ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રોગીને મોંઘા પડે છે, ભાવતાં નથી; અને બીજા પાંચ ફૂટવૈદ્યો છે, તે કુદર્શનો છે; તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાતો કરે છે, તેટલા પૂરતી તો રોગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મોહની, સંસાર વૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મ બહાને વાત કરે છે તે પોતાની કલ્પનાની છે અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતો તો મીઠી લાગે છે, અર્થાત્ સસ્તી પડે છે, એટલે કૂટવૈદ્યો તરફ ખેંચાય છે, પણ પરિણામે વધારે રોગી થાય છે.
વીતરાગ દર્શન ત્રિવૈદ્ય જેવું છે, અર્થાત્ (૧) રોગીનો રોગ ટાળે છે (૨) નીરોગીને રોગ થવા દેતું નથી અને (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે અર્થાત (૧) જીવનો સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વ રોગ ટાળે છે, (૨) સમ્યજ્ઞાન વડે જીવને રોગનો ભોગ થતાં બચાવે છે અને (૩) સમ્યક્ચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે.’' (વ.પૃ.૬૭૭)
૩૫૯