________________
સાતસો મહાનીતિ
સાથીદારનો વિચાર કરીને જ કામ હાથમાં લઉં. અહંકારમાં આવી જઈ હું કરી લઈશ એમ કહે પણ પછી પસ્તાવાનું થાય અને હાંસી થાય તેવા કામ કરું નહીં.
“બોઘામૃત ભાગ-૩'માંથી :- “આપનો પત્ર મળ્યો. એકલે હાથે બધો બોજો ઉપાડવાનું થતું હોય તો પોતાની શક્તિ વિચારી તે કામ હાથ ઘરવું. કામ સારું હોય તોપણ શક્તિ વિચારીને કરવું.” (પૃ.૫૮૨)
“મોક્ષમાળા વિવેચન'માંથી - “મર્યાદા ઉપરાંત કામ - પોતાની શક્તિ હોય તેના કરતાં વઘારે કામ હોય તે મર્યાદા ઉપરાંત કામ. પોતાથી થઈ શકે એનાથી વધારે કામ હોય તો પણ ચિત્ત સ્થિર ન રહે. બે કામ વચ્ચે વિચારનો અવકાશ રાખવો. એક કામ પછી તરત બીજું કામ ન કરવું. નવરા રહેવું એમ કહેવું નથી, પણ પરમાર્થ માટે અવકાશ રાખવો. એકથી ચાલે તો બે દુકાન ન કરે. મર્યાદાથી અધિક વ્યવહારકામ ન રાખે. જે કામ માટે જન્મ્યા છીએ તેનો વિચાર રહેવો જોઈએ.” (પૃ.૨૩૩)
‘દૃષ્ટાંતશતક'માંથી -
રાજકુમારીનું દ્રષ્ટાંત - શક્તિ વિચારી પગલું ભરું. એક રાજાને અતિ સુંદર અને વિદ્યા વગેરે ગુણોથી યુક્ત એક જ પુત્રી હતી. તે કુંવરીએ એવું વ્રત ધારણ કર્યું કે, જે કોઈ મારી પૂછેલી સમસ્યાનો અર્થ કહે તેની સાથે જ લગ્ન કરીશ. તે સમસ્યા આ પ્રમાણે હતી.
“હુતો તિ વારી ખાજે, ન હુતો વારી ખાજે;
એ હરિયાલીનો અર્થ કહે, તેને રાજાની પુત્રી છાજે.” રાજાએ પણ પુત્રીના કહેવા પરથી એમ પ્રસિદ્ધ કર્યું કે “જે કોઈ આ સમસ્યાનો અર્થ બરાબર કરી આપે, તેને મારી સર્વાંગસુંદર કુંવરી પરણાવવા ઉપરાંત અર્થે રાજ્ય પણ આપું; પરંતુ રાજકુમારી સાથે વિવાદ કર્યા છતાં પણ સમસ્યાનો અર્થ ખરો ન કરી શકે તેને શૂળીએ ચઢાવું.”
એ વાત જાણીને બે સાહસિક તરુણ પુરુષોએ સમસ્યાનો અર્થ રાજકન્યા પાસે જઈ કરી બતાવવાની પ્રતિજ્ઞા કરી. રાજાએ તેમ કરવાની આજ્ઞા આપી. કુંવરીની સમસ્યા સાંભળી તેમણે પોતાની બુદ્ધિ પ્રમાણે તેના અર્થ અનેક પ્રકારે બેસાડવા પ્રયત્ન કર્યો પણ બન્નેમાંથી એક પણ સમસ્યાનું સમાધાન કરી શક્યા નહીં. તેથી રાજાએ તે બન્નેને શૂળીએ ચઢાવ્યા. આમ પોતાની શક્તિ જાણ્યા વગર કૃત્ય કરવા સાહસ કરું નહીં. (પૃ.૬૪) ૪૧. દેશકાળાદિને ઓળખું.
કયો દેશ છે? આર્ય છે કે અનાર્ય. તેમજ આત્માની અનંત શક્તિને પ્રાપ્ત કરવા માટે દેશકાળ અનુકૂળ છે કે નહીં? ભારત દેશ તે આર્ય દેશ છે. તથા પાંચમા આરાના અંત સુધી ભગવંતે આત્માર્થ માટે દેશકાળ અનુકૂળ કહ્યો છે. તેમજ સત્પરુષનો યોગ પણ મળ્યો છે, માટે સત્પરુષની આજ્ઞા આરાઘી દેશકાળાદિને અનુકૂળ એવી સામગ્રીનો ઉપયોગ કરી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરું.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “દેશકાળાદિ જો અનુકૂળ છે તો ક્યાં સુધી છે? એનો ઉત્તર કે શેષ રહેલું સૈદ્ધાંતિક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સામાન્યમતથી કાળભાવે એકવીશ હજાર વર્ષ સુધી રહેવાનું. તેમાંથી અઢી સહસ્ત્ર ગયાં, બાકી સાડા અઢાર હજાર વર્ષ રહ્યાં; એટલે પંચમ કાળની પૂર્ણતા સુઘી કાળની અનુકૂળતા છે. દેશકાળ તે લઈને અનુકૂળ છે.” (વ.પૃ.૧૧૬)
૩૫૩