________________
સાતસો મહાનીતિ
અનુપ્રેક્ષા અને ઘર્મકથા સંબંધી પૂછ્યું તો તે વખતે તે સંબંધી વાત કહી. વળી કોઈએ
પૂછ્યું કે ઘર્મકથા કેટલા પ્રકારે તો કહ્યું કે ચાર પ્રકારે - આક્ષેપણી, વિક્ષેપણી, નિર્વેદણી, - સંવેગણી. આવા આવા પ્રકારની વાતો થતી હોય તે તેમની પાસે જે ગણઘરો હોય તે ધ્યાનમાં રાખી લે, અને અનુક્રમે તેનો બાંઘો બાંધે. જેમ અહીં કોઈ વાત કરવાથી કોઈ ધ્યાનમાં રાખી અનુક્રમે તેનો બાંધો બાંધે તેમ. બાકી તીર્થકર જેટલું કહે તેટલું કાંઈ તેઓના ધ્યાનમાં ન રહે, અભિપ્રાય ધ્યાનમાં રહે. વળી ગણથરો પણ બુદ્ધિવાન હતા એટલે તે તીર્થકરે કહેલાં વાક્યો કાંઈ તેમાં આવ્યાં નથી એમ પણ નથી.” (વ.પૃ.૬૮૪)
“શ્રી આચારાંગ સૂત્ર ભાગ-૧'માંથી - “ઘર્મકથા ચાર પ્રકારની છે. (૧) આક્ષેપણી (૨) વિક્ષેપણી (૩) સંવેદની (૪) નિર્વેદની.
(૧) આક્ષેપણી - જે કથા દ્વારા શ્રોતા મોહથી હઠી જઈને ચારિત્ર તરફ આકર્ષિત થાય છે તે આક્ષેપણી ઘર્મકથા કહેવાય છે. કહ્યું છે કે – “જેનાથી શ્રોતાને સન્માર્ગમાં સ્થાપિત કરી શકાય છે તેને આક્ષેપણી કથા કહે છે, જેવી રીતે કમલાવતીએ ઇક્ષકાર રાજાને ઘર્મમાં સ્થિર કર્યો. તે આ પ્રમાણે –
ઇક્ષકાર રાજાનું દ્રષ્ટાંત - નાની ઉંમરવાળાં પોતાના બે બાળકોની સાથે તથા પત્ની સહિત ભૃગુ પુરોહિત સર્વસ્વ ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરવા માટે પોતાના ઘરેથી નીકળ્યા. તે પુરોહિતનું તમામ ઘન મારા પતિ ઇક્ષુકાર રાજાએ લઈ લીધું છે એવું જાણીને રાણી કમલાવતીના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે પોતાના પતિ રાજા ઇક્ષકારને સમજાવ્યા કે મહારાજ, જે ઘનને ભૃગુ પુરોહિતે વમન કરી નાખ્યું છે, તે ઘનને આપ ભોગવશો? આપ વમનનું સેવન કરવાવાળાની પેઠે તેના ઘનની લાલસા શા માટે કરો છો? ઇત્યાદિ કમલાવતીના આક્ષેપયુક્ત વચન સાંભળતાં જ રાજા ઇક્ષકાર પણ વૈરાગ્ય પામ્યા. પછી રાજા તથા રાણી બન્નેએ સાથે દીક્ષા ગ્રહણ કરી.
(૨) વિક્ષેપણી - અનેકાન્તવાદ અથવા સત્યસિદ્ધાંતના ગુણોનું દિગ્ગદર્શન કરાવીને શ્રોતાઓને મિથ્યાવાદ અર્થાત્ એકાન્તવાદથી દૂર કરાવનારી કથા તે વિક્ષેપણી કથા કહેવાય છે. કહ્યું છે કે –
“સમ્યગ્વાદનો ઉત્કર્ષ બતાવીને મિથ્યાવાદ અર્થાત્ મિથ્યામાન્યતાનું ખંડન કરવાવાળી વિક્ષેપણી કથા છે. જેવી રીતે કેશી મુનિએ પ્રદેશી રાજાને મિથ્યાવાદથી મુક્ત કર્યા હતા.” શ્રી કેશીમુનિના મુખેથી કરુણા રસથી પરિપૂર્ણ આસ્તિકવાદ સાંભળીને પ્રદેશી નામના રાજાએ નાસ્તિકવાદનો ત્યાગ કર્યો હતો. બાર વ્રતધારી શ્રાવક થઈને મરીને પ્રથમ સૌથર્મકલ્પમાં સૂર્યાભ નામનો દેવ થયો.
(૩) સંવેદની – જે કથા સંસારની અસારતા બતાવીને ભવ્યજીવોમાં મોક્ષની અભિલાષા જાગૃત કરે છે. તે સંવેદની ઘર્મકથા છે. કહ્યું છે કે –“જે કથા સાંભળવા માત્રથી જ મોક્ષની ઇચ્છા ઉત્પન્ન થાય તે સંવેદની ઘર્મકથા છે. જેવી રીતે મલ્લિ નામની રાજકન્યાએ છ રાજાઓને બોઘ આપ્યો હતો.”
મલ્લિકુમારીનું દ્રષ્ટાંત - છ રાજા મારા ઉપર આસક્ત પ્રેમવાળા છે એવું જાણીને મલ્લિકુમારીએ તેઓને ભવ, તન, ભોગની નિસારતા સમજાવી તેઓમાં મુક્તિની અભિલાષા ઉત્પન્ન કરી હતી. એ મલ્લિકુમારીનો ઉપદેશ તે સંવેદની ઘર્મકથા છે.
(૪) નિર્વેદની – જે કથા શ્રોતાઓને વિષયભોગથી વિરક્ત બનાવે છે, તે નિર્વેદની કથા કહેવાય છે. કહ્યું છે કે- “જેનું શ્રવણ કરતાં જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તે નિર્વેદની ઘર્મકથા છે. જેવી રીતે ભગવાન મહાવીરે શાલિભદ્રને પ્રતિબોધ આપ્યો છે.”
૩૨૪