________________
સાતસો મહાનીતિ
આપણે તો નિવૃત્તિ જેવું છે. ત્યાર પછી સ્ત્રી આવીને કહે કે પ્રાણપતિ, હું તો તમારા વિના પળ પણ રહી શકું નહીં. તમો મારા જીવનના આઘાર છો. એમ અનેક પ્રકારે ભોગમાં આસક્ત કરવાના અનેક પદાર્થની વૃદ્ધિ કરે. તેમાં તદાકાર થઈ જઈ સંતના આ વચન વીસરી જાય. એટલે જેમ કાષ્ઠનો ગોળો અગ્નિમાં નાખ્યા પછી ભસ્મ થઈ જાય તેમ સ્ત્રીરૂપી અગ્નિમાં પડેલા જીવ તેમાં ભસ્મ થઈ જાય છે. તેથી સંતના બોઘનો વિચાર ભૂલી જાય છે. સ્ત્રી આદિકના ભયથી સત્સમાગમ કરી શકતો નથી. તેથી તે જીવ દાવાનલરૂપ સ્ત્રી આદિ અગ્નિમાં ફસાઈ જઈ, વિશેષ વિશેષ વિટંબણા ભોગવે છે. તે ત્રીજા પ્રકારના જીવ કહ્યા. (પૃ.૬૮૧)
આમ પોતાના સ્વાર્થ ખાતર કોઈને મોહમાં ફસાવી તેની ત્યાગભાવનાને તોડી નાખું નહીં. ૩૬૨. ક્રિયાશાળીને નિંદું નહીં.
કોઈ સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, તપ, જપ વગેરે ક્રિયાઓ કરતો હોય તેની નિંદા કરું નહીં. પણ તે સમજણપૂર્વક ક્રિયાઓ કરે તેમ યોગ્ય લાગે તો જણાવું.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવ્ય જવી.
ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે, તો તેનો નિષેઘ નહીં કરતાં, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સ@ાસ્ત્રઅધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે, પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે; અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે, અને લોકોની દ્રષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેઘ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પરઆત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે.” (વ.પૃ.૬૫૨)
કોઈ પણ બીજાઓ થર્મક્રિયાને નામે જે તમારા સહવાસીઓ (શ્રાવકાદિક) ક્રિયા કરતા હોય તેને નિષેઘશો નહીં.” (વ.પૃ.૨૬૨)
જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે, પણ લોકસંજ્ઞાએ કરે તો તેને તેનું ફળ હોય નહીં.” (વ.પૃ.૬૯૯)
“પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે. ઊંચ ગોત્ર અને આર્યદેશમાં જન્મ મળે છે, તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાઘનભૂત સમજવી જોઈએ છે.” (વ.પૃ.૨૨૩)
“જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે ક્રિયા મોક્ષાર્થે નહીં. અનેક ક્રિયાનું ફળ એક મોક્ષ થવો તે હોવું જોઈએ. આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. જો ક્રિયાઓનું તે ફળ ન થયું તો તે સર્વ ક્રિયા સંસારના હેતુઓ છે.” (વ.પૃ.૭૦૪)
“જે ક્રિયા કરવી તે નિર્દભપણે, નિરહંકારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભ ક્રિયાનો કાંઈ નિષેઘ છે જ નહીં, પણ જ્યાં શુભ ક્રિયાથી મોક્ષ માન્યો છે ત્યાં ત્યાં નિષેઘ છે. (વ.પૃ.૭૨૧)
૨૫૫