________________
સાતસો મહાનીતિ
ઇચ્છાએ મને વીનવે, “મારે માથે બધું પાપ' એમ દેવગરની સાક્ષીએ કહે તોપણ તેનો સંગ પ્રાણ જતાં પણ હું તો ન કરું; કારણ કે તેના જેવું ભયંકર બીજાં કોઈ પાપ મને નરકે
લઈ જનારું જણાતું નથી. શાસ્ત્રોમાં તો આમ કહ્યું છે : “જ્ઞાનનો નાશ થવાથી અથવા વિવેક ચક્ષુનો નાશ થવાથી જ સ્ત્રીના મહા દુર્ગથી નિંદ્ય શરીરમાં રાગી બની જીવ તેનું સેવન કરે છે, કામથી અંધ બની મહા અનીતિ કરે છે, પોતાની કે પરની સ્ત્રીનો વિચાર પણ કરતો નથી. “આ દુરાચારથી આ લોકમાં પણ હું માર્યો જઈશ, રાજા ભારે શિક્ષા કરશે, મારી આબરૂના કાંકરા થશે, મારી ઘર્મકરણીમાં ધૂળ પડશે, હું ઘર્મભ્રષ્ટ થઈશ, બુદ્ધિભ્રષ્ટ થઈશ અને ભૂંડા મોતે મરીને નરકે જઈશ, ત્યાં અસંખ્યાતકાળ પર્યત ઘોર દુઃખ ભોગવવાં પડશે, વળી તિર્યંચગતિ (ઢોરપશુ આદિ) ના અનેક ભવમાં અસંખ્ય દુઃખ ભોગવવાં પડશે; કદાચ મનુષ્ય થઈશ તો આંધળો, લૂલો, કૂબડો, ગરીબ, અપંગ, બહેરો, બોબડો થઈશ; ચંડાળ, ભીલ, ચમાર આદિ નીચ કુળોમાં જન્મવું પડશે. ત્યાંથી વળી ઝાડ, પહાડ આદિ સ્થાવર જંગમ જંતુ થઈને અનંત કાળ સુધી જન્મમરણનાં દુઃખ ભોગવવાં પડશે.” આવો સત્ય વિચાર કામીને ઊપજતો નથી.”
જો શીલ સાચવવું હોય, ઉજ્જવળ યશ ઇચ્છતા હો, ઘર્મનો ખપ હોય અને પોતાની આબરૂ રાખવા ઇચ્છતા હો તો આ ઉપર જણાવેલી શાસ્ત્રની શિખામણ માની “ભૂલ્યા ત્યાંથી ફેર ગણ, સમજ્યા ત્યાંથી સવાર.” ગણી આજથી ચેતી જાઓ, પાછા વળી જાઓ; અને બ્રહ્મચર્યભાવને જીવન પર્યંત ટકાવવાના નિશ્ચય ઉપર આવી જાઓ; તો જેમ તમે ઉપર ઉપરથી કહો છો કે વિષય માટે અમે પ્રેમ નથી જોડ્યો તે ખરું પડે. સારી સત્સંગતિ વિના આ કાળમાં બ્રહ્મચર્ય પાળવું દુર્લભ છે. સાથે રહીને તેમ પાળવા ઘારણા રાખી હશે તો પણ તેવા લાલચના પ્રસંગમાં ધૂળ સાથે મળી જતાં વાર ન લાગે તેવો જીવનો સ્વભાવ ભગવાને દેખીને સાધુને પણ નવ વાડ કહી છે. (પૃ.૩૭૦).
તમે બન્નેએ બે વર્ષના બ્રહ્મચર્ય વ્રતની બાધા લીધી છે. તેમાં દોષ લાગે છે અને બે વર્ષ સુધી પાળી શકાશે નહીં એમ તમને લાગે છે. આ બધું અસત્સંગનું ફળ છે. આખી જિંદગી સુધી વ્રત લેવાની જેમની ભાવના હતી તે બે વર્ષ પણ ટકી શકે નહીં એ નવાઈ જેવું છે. મોહનું બળ રોગથી પણ વિશેષ છે. રોગી માણસને અપથ્ય વસ્તુ ખાવાની ઇચ્છા થાય છે પણ તેમ વર્તે તો રોગ વઘીને અસાધ્ય બને તો મરણને શરણ જાય છે; તેમ મોહના પ્રસંગોમાં જીવને વ્રત તોડવાના ભાવ થાય છે. પણ તે વખતે જો યાદ આવે કે આપણને સાથે બેસવાની કે એક પથારીમાં સુવાની ના કહી છે તે યાદ લાવી તેવા પ્રસંગ દૂર કરે તો ભાવ પાછા પલટાઈ પણ જાય; પણ શિખામણ યાદ ન રાખે, મોહ વધે તેવા પ્રસંગો વઘારે તો મન કાબુમાં ન રહે અને કૃપાળુદેવની ભક્તિ ભુલાઈ જાય અને ભોગમાં સુખ છે એમ વારંવાર સાંભર સાંભર થાય. સત્પરુષનાં વચનામૃત જો અમૂલ્ય જાણી વારંવાર વાંચવા વિચારવાનું રખાય તો ભોગ રોગ જેવા લાગે, જન્મમરણથી બચવાની ભાવના થાય, મરણનાં દુઃખ દૂર નથી એમ લાગે અને ઘર્મનું શરણ લેવાની ભાવના થાય. બન્નેએ સાથે રાજી ખુશીથી વ્રત લીધું છે, તો હિંમત રાખી પૂ...ની ભૂલ થાય તેવા પ્રસંગે તમારે ચેતાવવા કે આપણે બે વર્ષ સુધી ભાઈબહેન તરીકે વર્તવું છે. જે દોષો મન વચન કાયાથી આજ સુધી લાગ્યા હોય તે ભૂલી જઈ હવે નિર્દોષ ભાવ આરાઘવા દ્રઢ ભાવના કરી બન્નેએ ફરી પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ ક્ષમાપનાનો પાઠ બોલી ભાઈ બહેન તરીકે ભાવ રાખવાનો નિયમ પરમકૃપાળુદેવની સાક્ષીએ લેશોજી.
૨૫૨