________________
સાતસો મહાનીતિ
“દરેક જીવે વ્રત લેવું હોય તો સ્પષ્ટાઈની સાથે બીજાની સાક્ષીએ લેવું. તેમાં સ્વેચ્છાએ વર્તવું નહીં. વ્રતમાં રહી શકતો આગાર રાખ્યો હોય અને કારણવિશેષને લઈને વસ્તુનો
ઉપયોગ કરવો પડે તો તેમ કરવામાં અધિકારી પોતે ન બનવું. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તવું. નહીં તો તેમાં મોળા પડી જવાય છે; અને વ્રતનો ભંગ થાય છે.” (વ.પૃ.૬૭૩) ૩૫૫. ખોટી રીતે ચઢાવું નહીં.
સ્ત્રી કે પુત્રાદિકને લાડમાં ખોટી રીતે ચઢાવું નહીં.
પોતાની સ્ત્રી ગમે તેમ વર્તે તો પણ તેને કંઈ કહ્યું નહીં. સાસુ સસરાનો અવિનય કરે અથવા દેરાણી, જેઠાણી કે દિયર જેઠ સાથે ગમે તેમ વર્તે તો પણ તેનો પતિ થઈ કંઈ સમજાવે નહીં, પણ ઊલટો પોતાની સ્ત્રીનો પક્ષ કરી બીજાનો વાંક કાઢે, તો તે ખોટી રીતે સ્ત્રીને ચઢાવવા બરાબર છે. સ્ત્રી પણ પોતાના પતિની પોતા પ્રત્યેની આસક્તિ જાણી ઘીમે ઘીમે ક્રમે કરી તેને જ સામી થાય. ત્યારે ખબર પડે કે આ તો બહુ ચઢી ગઈ છે. પણ હવે તેને કહેવાનો અવકાશ રહ્યો નહીં કારણ કે ખોટી રીતે ચઢાવેલી છે માટે. એમ મોહવશ કોઈને ખોટી રીતે ચઢાવું નહીં. એ વિષે એક દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે :
ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી :- મોહવશ માણસ મરવા પણ તૈયાર થાય
બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દ્રષ્ટાંત - “બ્રહ્મદત્ત ચક્રીએ તેના પર પ્રસન્ન થયેલા કોઈ દેવતા પાસે સર્વ જાતિના તિર્યંચોની બોલી સમજી શકાય એવી વિદ્યા માંગી; ત્યારે દેવતાએ કહ્યું કે – “હું તે વિદ્યા તમને આપું પણ તે વાત તમે જો કોઈને કહેશો તો તમારું મૃત્યુ થશે.” એમ કહીને તેણે વિદ્યા આપી. પછી એક દિવસે અંતઃપુરમાં રાજા આવ્યો, ત્યારે તેને અંગે વિલેપન કરવા માટે રાણી ચંદનનું કચોળું લાવી. તે જોઈને ભીંત ઉપર રહેલી એક ગરોળીએ પોતાના પતિને પોતાની ભાષામાં કહ્યું કે - “આમાંથી ચંદન મને લાવી આપો.” ત્યારે તેણે કહ્યું: રાજા પાસે હું ચંદન લેવા જાઉં તો રાજા મને મારી નાખે.” તે બોલી કે “જો ચંદન નહીં લાવી આપો તો હું મરી જઈશ.” આ વાત સાંભળવાથી ચક્રીને હસવું આવ્યું. તે જોઈને રાણીએ પૂછ્યું કે – “કાંઈ પણ કારણ વિના તમે કેમ હસ્યા? માટે તેનું કારણ કહો, નહીં તો હું મરી જઈશ.” રાજાએ કહ્યું કે “ચિતા પાસે ચાલ. કેમકે હસવાનું કારણ હું કહીશ, ત્યારે મારું મૃત્યુ થશે.” એમ કહેવાથી પણ રાણીએ હઠ મૂકી નહીં, ત્યારે રાજા ચિતામાં પ્રવેશ કરવા ચાલ્યા. રસ્તામાં રાજાના સેવકો ઘોડાને માટે લીલા જવનું ગાડું ભરીને આવતા હતા. તે જોઈને કોઈ બકરીએ બકરાને કહ્યું : “મને એક જવનો પૂળો લાવી આપો.' બકરો બોલ્યો કે- “જો હું તને તે લાવી આપું, તો રાજાના સેવકો મારા પ્રાણ લે.” બકરી બોલી કે – “જો તમે તે લાવી આપશો નહીં, તો હું મરી જઈશ.” ત્યારે બકરો બોલ્યો : “હું કાંઈ આ ચક્રીના જેવો સ્ત્રીનો ચાકર નથી કે સ્ત્રીના વચનથી મરવા જાઉં.” તે સાંભળીને ચક્રીએ વિચાર્યું કે- “હું પશુ કરતાં પણ વધારે મૂર્ખ બન્યો કે જેથી સ્ત્રીના કહેવાથી મરવા ચાલ્યો.” એમ વિચારી બકરાને ગુરુ માની ચક્રી પાછો વળી ગયો. (પૃ.૧૪૪) ૩૫૬. દિવસે ભોગ ભોગવું નહીં.
“બોઘામત ભાગ-૩'માંથી - “નિયમ બ્રહ્મચર્યનો ન લીઘો હોય તેવા દિવસોમાં પણ દિવસે મૈથુનનો ત્યાગ રાખવા પૂરતા દ્રઢ ભાવ રાખે તો બાર માસમાં છ માસ જેટલો કાળ બ્રહ્મચર્યવાળો ગયો એમ હિસાબ કરતાં સમજાય તેમ છે. જેમ રાત્રિભોજનના ત્યાગવાળાને છ મહિનાના ઉપવાસનું ફળ છે
૨૫૦