________________
સાતસો મહાનીતિ
છતાં સુજ્ઞ જનોને જો દ્રવ્ય મળતું હોય તો આટલા સ્થાનકોમાં તેનો વ્યય કરતાં હિસાબ ન ગણવો. ૧. સર્જન માટે, ૨. મિત્ર માટે, ૩. સુશીલ સ્ત્રી માટે, ૪. નિર્ધન બાંધવ
માટે, ૫. ઘર્મકાર્યમાં, ૬. વિવાદમાં, ૭. કાંઈ કષ્ટ આવી પડ્યું હોય ત્યારે અને ૮. રિપુને દુર કરવા માટે. આ આઠ કાર્યમાં ગણ્યા વિના દ્રવ્ય વાપરવું. પરંતુ તે સંબંધી કેટલોક વિવેક કરવા યોગ્ય છે, તે આગળ બતાવવામાં આવે છે.
ગૃહસ્થ ઉપરોક્ત આઠ બાબતમાં દ્રવ્ય ખર્ચતાં લેખું ન કરે, અર્થાત્ શક્તિનાં પ્રમાણમાં જેમ બને તેમ વધારે ખર્ચે એમ કહ્યું છે, પરંતુ તે સાથે એટલું યાદ રાખવું કે ઉત્તમ પુરુષ કુમાર્ગે એક કોડી જતી હોય તો પણ જવા ન દે; હજાર સોનૈયાની રક્ષા કરે તેટલી તેની કરે, અને સારા કાર્યમાં લાખનો ખર્ચ કરતાં પણ વિચાર ન કરે. આ પ્રમાણેનું વર્તન હોય તેની પાસે લક્ષ્મી અખંડ રહે છે. તેનો કેડો તે મૂકતી નથી. આ હકીકતના સંબંધમાં એક દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે – સુબુદ્ધિશેઠનું દ્રષ્ટાંત – જરૂર જણાએ લાખ ખર્ચીએ, નહીં તો એક પૈસો પણ નહીં.
વસંતપુર નામના નગરમાં સુબુદ્ધિ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને એક પુત્ર હતો. તેને મોટા શ્રીમંતને ત્યાં પરણાવ્યો. તેની સ્ત્રી ઘરે આવી. સુબુદ્ધિ શેઠ બહુ વિચારશીલ હતો, તેથી કદી તેલનું ટીપું જમીન ઉપર પડી ગયું હોય તો તે લઈને જોડા ઉપર ચોપડતો હતો. આવી તેની ચેષ્ટા જોઈને વહુ વિચારવા લાગી કે હું ક્યાં આવા કૃપણને ઘેર આવી? અહીં મારા કોડ કેમ પૂરા પડશે? આ ઘરનો ઘણી તો આવો કૃપણ દેખાય છે. આવા સસરાના રાજ્યમાં યથેચ્છપણે ખાવું, પહેરવું ને ખરચવું તે શી રીતે બની શકશે? આમ વિચારીને શેઠની પરીક્ષા કરવા સારું એક દિવસ વહુએ કહ્યું કે – “મારું માથું બહુ દુઃખવા આવ્યું છે.' આમ કહીને આક્રંદ કરવા લાગી. શેઠ ગભરાયા. ઘણા વૈદ્યોને તેડાવ્યા, અનેક પ્રકારના ઔષઘો કર્યા, શેક કર્યો પણ કોઈ રીતે માથું દુઃખતું મઢ્યું નહીં. એટલે શેઠે પૂછ્યું કે - “વહુજી! આજે જ માથું દુ:ખવા આવ્યું છે કે પ્રથમ કોઈ કોઈ વાર આવતું હતું?” એટલે વહુ ઘીમે સ્વરે બોલી - કોઈ કોઈ વાર આવતું હતું ત્યારે સાચા મોતી વાટીને લેપ કરવાથી મટતું હતું, શેઠે કહ્યું કે “જો એમ મટતું હતું તો અત્યાર સુધી બોલ્યા કેમ નહીં આપણા ઘરમાં મોતીની ક્યાં ખોટ છે?” એમ કહી ભંડારમાંથી થાળ ભરીને મોતી મંગાવ્યા અને તેને ભરડવા માટે ઘંટી તૈયાર કરાવી; એટલે વહુ બોલ્યા કે-“સસરાજી! હમણાં તો મટી ગયું છે, તેથી કાંઈ કરવાની જરૂર નથી.” વહુના મનમાં સંદેહ હતો તે ટળી ગયો. અન્યદા યોગ્ય અવસરે વહુએ સસરાને પૂછ્યું કે- તેલનું ટીપું તો તમે પગરખાં ઉપર ચોપડ્યું અને પાછા સાચા મોતી ભરડવા તૈયાર થઈ ગયા. તેનું શું કારણ?” એટલે શેઠ બોલ્યા કે –“વહુજી! લક્ષ્મીનું વશીકરણ જ એ છે કે જરૂરને વખતે લાખ ખરચી નાખીએ અને વગર જરૂરીયાતે એક ટીપું પણ નકામું જવા ન દઈએ”. આ ખુલાસો સાંભળીને વહુ બહુ ખુશ થઈ. સસરાની બુદ્ધિ ખરેખરી તાત્ત્વિક છે એમ તેને ખાત્રી થઈ. આ કથા ઉપરથી વાચકોએ લક્ષ્મીનો વ્યય કેમ કરવો તે ગ્રહણ કરવો. આગળ કર્તા કહે છે કે -
“જેહ સુણે નર પ્રભુવચન, વાઘે બુદ્ધિ અપાર;
શુભથાનક ઘન ખર્ચતાં, ન ઘટે એ નિરઘાર. ૧ કૂવામાંથી પાણી કાઢતાં, બગીચામાંથી ફળ ફુલ લેતાં અને ગાય ભેંસને દાણ આપીને પછી દૂઘ દોતાં તે ઘટતું નથી; પણ વૃદ્ધિ પામે છે. આ સંબંધમાં વિદ્યાપતિ શેઠનો સંબંઘ છે નીચે પ્રમાણે –
વિદ્યાપતિશેઠનું દ્રષ્ટાંત – લક્ષ્મી તો પૂયવંતની દાસી છે. એક નગરમાં વિદ્યાપતિ નામે
૨૪૦