________________
સાતસો મહાનીતિ
‘પૂર્વે તમે રાત્રે શિષ્યોની આગળ ચૂર્ણપ્રયોગથી જીવોત્પત્તિ કહી હતી, તે મારા સાંભળવામાં આવી હતી. ત્યારથી તે પ્રયોગવડે હું સુખે જીવું છું.” તે સાંભળી મુનિ મનમાં પોતાના પ્રમાદદોષની નિંદા કરતા સતા પરંપરાએ અત્યંત પાપની વૃદ્ધિ થવાનો નિશ્ચય જણાવાથી તે મચ્છીમાર પ્રત્યે બોલ્યા- “હું તને બીજો તેથી પણ શ્રેષ્ઠ ઉપાય બતાવું તે સાંભળ – અમુક અમુક દ્રવ્યનો યોગ મેળવી, એકાંતે ઓરડામાં બેસી, તેના કમાડ બંઘ કરી, મધ્ય ભાગે રાખેલા જળ વિગેરેમાં તે ચૂર્ણ નાખવું, એટલે સુવર્ણ સરખા વર્ણવાળા મસ્યો ઉત્પન્ન થશે. તેનું ભક્ષણ કરવાથી તારું શરીર પણ પુષ્ટ થશે.” તે સાંભળી તે માછી પોતાને ઘેર ગયો અને ગુરુના કહેવા પ્રમાણે ચૂર્ણ તૈયાર કરી ઓરડામાં પેઠો. પછી તેનો પ્રયોગ કરતાં તેમાંથી એક વ્યાવ્ર ઉત્પન્ન થયો. તે તેનું ભક્ષણ કરી ગયો, જેથી તે પાપી મૃત્યુ પામીને નરકે ગયો અને મુનિ તે પાપની આલોચના કરી સ્વર્ગે ગયા. (પૃ.૪૨)
“પવિત્ર દેહવાળા ગૃહસ્થ અપરાધી એવા પણ ત્રસ જીવોને હણવા નહીં, તો નિરપરાધી જીવોને તો કેમ જ હણાય? કોઈ બુદ્ધિમાન ઢીમરે મત્સ્યનો વઘ કરતાં પોતાની અંગુલિનો છેદ થયો, તે ઉપરથી શસ્ત્રવડે હિંસા કરવી જ તેણે છોડી દીધી” તે કથા આ પ્રમાણે છે –
ઢીમરનું દ્રષ્ટાંત - “પૃથ્વીપુર નગરમાં એક ઢીમર રહેતો હતો, તે મત્સ્ય મારવાને ઇચ્છતો નહોતો, તથાપિ તેના સ્વજનવર્ગે તેને જાળ વિગેરે આપીને મત્સ્ય મારવા બળાત્કારે મોકલ્યો. તે જાળમાં મસ્યો લઈને આવ્યો. સ્વજનોએ તેને મત્સ્ય ચીરવાને તીક્ષ્ણ શસ્ત્ર આપ્યું. તે શસ્ત્રથી મત્સ્યોનો વઘ કરતાં તેની આંગળી કપાઈ ગઈ. તેની વેદનાથી પરાભવ પામતાં તેણે ચિંતવ્યું કે, “હિંસાપ્રિય જીવોને ધિક્કાર છે. કોઈને “મરી જા” કહેતાં પણ દુ:ખ લાગે છે તો હિંસા કરતાં દુ:ખ કેમ ન લાગે?”
“આજથી મારે કોઈ વઘ કરવો નહીં.” આવું ધ્યાન કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પોતે પૂર્વે ચારિત્રની વિરાધના કરેલી તેના ફળમાં નીચકુળમાં જન્મ પામ્યો, વગેરે જાણીને તે દીક્ષા લેવામાં ઉત્સુક થયો. અને અંતે શુક્લધ્યાન વડે શ્રેણિ માંડીને તત્કાળ કેવળજ્ઞાન પામ્યો. (પૃ.૪૪) ૩૩૬. દ્રવ્યનો ખોટો ઉપયોગ કરું નહીં.
ઘણા પૈસાવાળાના છોકરાઓને તેમના માબાપ ઇચ્છા પ્રમાણે હાથમાં પૈસા આપે તો સાતે વ્યસનોમાં પણ કુસંગતિને લઈને દુરુપયોગ કરી દે. ઘનવાનોના છોકરાઓને ખબર નથી કે પૈસા પેદા કરવામાં કેટલી મુશ્કેલી પડે છે. એ પૈસાનો સદુઉપયોગ કરે તો કેટલો લાભ થાય? જ્ઞાનદાનમાં, આહારદાનમાં, ઔષઘદાનમાં કે અભયદાન વગેરેમાં કે કોઈ દુઃખી હોય અથવા કોઈ સાઘર્મીભાઈને જરૂર હોય તો તેમાં મદદ કરે અથવા સાત ક્ષેત્રમાં તેનો ઉપયોગ કરે તો કેવું સુંદર ફળ આવે.
જરૂર પડે તો લાખો ખર્ચે અને જરૂર ન હોય તો પાંચ રૂપિયા ખર્ચતા પણ વિચાર કરે તેના પર એક દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે –
“હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી - “સુજ્ઞ મનુષ્ય પૂર્વ પુણ્યવડે પામેલા દ્રવ્યના ચાર વિભાગ કરે છે. એક ભાગ ભૂમિમાં અથવા બીજે જાળવી રાખે. એક ભાગ વ્યાપારમાં રોકે, એક ભાગ પુણ્યકાર્યમાં વાપરે અને એક ભાગથી વ્યવહારિક ખર્ચ ચલાવે. કર્તા કહે છે આ બાબતમાં આટલું બધું કહેવાની જરૂર તો નથી, કારણ કે ઘન અને આત્મા કોને વહાલા નથી? સૌને વહાલા છે, તેથી તેના રક્ષણ માટે તો સૌ બનતો પ્રયત્ન કરે જ છે.
૨૩૯