________________
સાતસો મહાનીતિ
પુરુષાર્થ કરે છે ત્યારે પામે છે. કોઈ બીજાના બળથી નથી મળતું. તેમજ મોક્ષને માટે પણ પોતે પુરુષાર્થ કરવાનો છે. કૃપાળુદેવે પોતે કેવો પુરુષાર્થ કર્યો હતો! અન્ય જ્ઞાનીઓએ
શું શું કર્યું ! તેમણે કહ્યું તેમ દેહાધ્યાસ મૂકો. મન, વચન, કાયાના યોગથી નિવર્સો. સંકલ્પ વિકલ્પ રહિત થાઓ. રાગદ્વેષ, ઇષ્ટાનિષ્ટ છોડો.” (ઉ.પૃ.૪૪૧)
બોઘામૃત ભાગ-૧'માંથી – “પ્રશ્ન – પૂર્વકર્મથી પણ પ્રમાદ તો આવે ને?
ઉત્તર - આવે તો પૂર્વકર્મથી, પણ પુરુષાર્થ કરે નહીં તો પ્રમાદ જાય નહીં. પુરુષાર્થ માત્ર દેહથી તે નહીં; પણ ભાવના ઊંચી રાખવી તે. સત્સંગ સર્વથી બળવાન સાઘન છે. પોતે પુરુષાર્થ ન કરે અને કહે કે કર્મ છે, કર્મ છે તો તો કોઈ મોક્ષે જાય નહીં. કર્મ તો જડ વસ્તુ છે. કર્મને કોણે બોલાવ્યાં? આત્માએ બોલાવ્યાં છે, અને જો આત્મા કહે કે મારે નથી જોઈતાં તો કર્મ આવીને કંઈ વળગતાં નથી. મહાવીર સ્વામીને ત્રેવીસ તીર્થકર જેટલાં કર્મ હતાં, લાગલગાટ સાડાબાર વર્ષ પુરુષાર્થ કરીને ઘનઘાતી કર્મોને ક્ષય કરી નાખ્યા. પુરુષાર્થની જરૂર છે. “પૂર્વકર્મ નથી એમ ગણી પ્રત્યેક ઘર્મ સેવ્યા જવો.” (૮૪) જ્યારથી સપુરુષની આજ્ઞા મળી ત્યારથી ચેતી લેવું. (બો.૧ પૃ.૪૦)
બોઘામૃત ભાગ-૩'માંથી - “પ્રારબ્બાથીન દેહ છે. પુરુષાર્થ આધીન આત્મકલ્યાણ છે. આળસ અને પ્રમાદ જેવા કોઈ શત્રુ નથી, તેમને સોડમાં રાખી સૂવું ઘટતું નથી, દુશ્મન જાણી દૂર કરવા છે. જિંદગીના પાછલા ભાગમાં જેટલું બળ કરી કમાણી થાય તેટલી કરી લેવી ઘટે છેy.” (બો.૩ પૃ.૭૯૩)
“પ્રશ્ન - પ્રારબ્ધ અને પુરુષાર્થનો સંબંઘ સવિસ્તર સમજાવશોજી.
ઉત્તર – મનુષ્યભવ મળ્યો છે તે પ્રારબ્ધ છે. “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો.” ત્યાં પુરુષાર્થની ખામી બતાવી. જીવે પૂર્વે પુરુષાર્થ કરેલો, પુણ્યાદિ બાંધેલાં તે અત્યારે પ્રારબ્ધના નામથી ઓળખાય છે. તે તે ભવમાં તેનું નામ પુરુષાર્થ હતું. માત્ર કાળભેદ છે. બીજા ભવોમાં પુણ્ય બાંઘવાનો પુરુષાર્થ કર્યો તો મનુષ્યભવ મળ્યો. જેણે પુરુષાર્થ નહોતો કર્યો તે કીડી, કાગડા, કૂતરારૂપે અવતર્યા છે. પહેલાના પુરુષાર્થના ફળને અહીં પ્રારબ્ધ કહે છે. જે મોક્ષ થાય તેવો પુરુષાર્થ અત્યારે કરે છે તે ખરા પુરુષાર્થી છે, તેના ભવ કપાય છે. જે પ્રમાદ સેવે, પાપ બાંધે તે અવળો પુરુષાર્થ કરી મનુષ્યભવ હારી બેસે છે અને ચાર ગતિમાં ભટકે છે. ત્યાં તેને કાગડા-કૂતરાના ભવરૂપે પ્રારબ્ધ ભોગવવું પડે છે. “પ્રવેશિકા'માં રાત્રિભોજન વિષેના પાઠમાં શિયાળનું દ્રષ્ટાંત છે; તેમાં રાત્રે પાણી નહીં પીવાનો એટલે પાપમાં નહીં પ્રવર્તતાં વ્રત પાળવાનો પુરુષાર્થ તેણે કર્યો તો મનુષ્યભવ તે પામ્યું અને ત્યાં મોક્ષપુરુષાર્થથી મુક્ત થયું. આવું પ્રારબ્ધ-પુરુષાર્થનું સ્વરૂપ છે. જેણે પ્રારબ્ધ બાંધ્યું છે તે તેને ફેરવી શકે, નાશ કરી શકે છે. નાશ ન થઈ શકે તો કોઈ મોક્ષે જાય જ નહીં. માટે જ્ઞાનીની આજ્ઞા આરાઘવાથી મુક્તિ મળે છે એમ દ્રઢ કરી આજ્ઞા-આરાઘનનો પુરુષાર્થ મનવચનકાયાના ત્રણે યોગે કર્તવ્ય છે.” (બો.૩ પૃ.૭૭૮)
“મોક્ષમાળા વિવેચન'માંથી :- “અંગ્રેજોની ભૂમિ તે આંગ્લભૂમિ. તેમાં વસેલા તે આંગ્લભૌમિઓ. તેઓ રાજ્ય, વ્યાપાર, ઉદ્યોગ, હુન્નર વગેરે અનેક સંસાર સંબંધી કળા કૌશલ્યમાં વિજય પામ્યા છે, તેનું કારણ શું? ઉત્તર : તેઓ જે કામ હાથમાં લે તેમાં ખૂબ ઉત્સાહ રાખે અને બધા ભેગા મળીને સંપથી કરે. ઘણા માણસો સાથે મળીને સભા-સમાજ કે કંપની સ્થાપીને કામ ઉપાડે. તેમાં સારું કામ કરનારને ઉત્તેજન આપે. અને નવીન નવીન શોઘ કરવાનો ઉત્સાહ રાખે. તેથી તેઓએ પૈસા મેળવ્યા. ન્યાયનીતિથી
૨૦૬