________________
સાતસો મહાનીતિ
નિષ્કારણ કરુણા કરી, સંત કરે પોકાર; અગ્નિ આરંભ–પરિગ્રહ, બળી મરશો, નિર્ધાર.’’ –પૂ. શ્રી બ્રહ્મચારીજી
૯. સર્વ- સંગ ઉપાધિ ત્યાગવી.
સર્વ સંગ ઉપાધિને ત્યાગી સાધુ થવું. બાહ્યાયંતર નિગ્રંથ થવું.
“અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો?
સર્વ સંબંઘનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત્પુરુષને પંથ જો?” અપૂર્વ
અર્થ – અપૂર્વ સમકિત થતાં પહેલાં, પ્રથમ કોઈ કાળે નહીં થયેલો એવો ભાવ આવે તે. બાહ્ય અને અત્યંતર ગ્રંથિ, બાહ્ય સગાં સંબંધી ઘનઘાન્ય આદિ; અત્યંતર એટલે અંતરની મિથ્યા માન્યતા, વાસના, કષાય વગેરે. તે બધાને તપાસી મિથ્યાત્વજનિત મૂળ સહિત સૂક્ષ્મ વાસના ક્યારે કઢાશે? મહાપુરુષોનો માર્ગ – સમ્યક્ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ – મોક્ષપંથ; વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ માને, જાણે અને પોતાના સ્વભાવમાં સ્થિર થાય, એ માર્ગે ક્યારે ચલાશે? (નિત્યનિયમાદિ પાઠ પૃ.૬૭) ૧૦. ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો.
ગૃહસ્થાશ્રમમાં રહેવું પડે ત્યાં સુધી ગૃહસ્થાશ્રમની મર્યાદામાં રહેવું. બીજા સગૃહસ્થો વર્તતા હોય તેમ વર્તવું. ભીખ માગીને ગૃહસ્થ ન ખાય, પણ સાધુ ભીક્ષા લે. ગૃહસ્થાશ્રમ તે મુનિધર્મની યોગ્યતા પ્રાપ્ત કરવાનો આશ્રમ છે. તેમાં મુખ્યપણે જ્ઞાની પુરુષોના ઉપદેશ અનુસાર ગૃહસ્થાશ્રમને યોગ્ય વર્તન કરવું. માયા કપટ કરવા નહીં. જેવું અંતરમાં હોય તેવું બહાર રાખવું. મુંબઈમાં કૃપાળુદેવને કોઈએ પૂછ્યું કે શ્રાવકોની નીતિ કેવી હોય ? ત્યારે સામે રાજાબાઈ ટાવર દેખાતો હતો તે બતાવીને કૃપાળુદેવે કહ્યું કે – આ ન્યાયાધીશના કરેલા ફેંસલા પર લોકોને જેવો વિશ્વાસ હોય તેવો ઓછામાં ઓછો વિશ્વાસ લોકોને શ્રાવકો પર હોવો જોઈએ. શ્રાવક અનીતિમાં ન જ પ્રર્વતે એવું પ્રત્યેકના હૃદયમાં હોવું જોઈએ. જેમ ન્યાયાઘીશ કાયદાને લઈને નીતિ પાળે તેમ સમજી શ્રાવક ધર્માત્મા હોય, તે પોતાનું કરેલું પોતાને જ ભોગવવું પડશે એમ યથાર્થ જાણતો હોવાથી અન્યાયમાં કદી પ્રવર્તે નહીં, પણ ગૃહસ્થાશ્રમના આચાર પ્રમાણે વર્તે. આવો શ્રાવકનો ગૃહસ્થાશ્રમ વિવેકી હોવો જોઈએ.
૧૧. તત્ત્વધર્મ સર્વજ્ઞતા વડે પ્રણીત ક૨વો.
સર્વજ્ઞને આધારે સર્વ તત્ત્વધર્મ એટલે તત્ત્વનું સ્વરૂપ નિર્ણય કરીને કહેવા યોગ્ય છે. પોતાની બુદ્ધિથી નિર્ણય કરેલા પદાર્થો બુદ્ધિ ફરતાં જુદા રૂપે ભાસે છે. પણ સર્વજ્ઞના આધારે વસ્તુનું સ્વરૂપ જણાયું હોય તો વસ્તુનો જે સ્વભાવ ત્રણે કાળ રહેવાવાળો છે તેવો જ જણાય છે, તેથી ભૂલ રહેતી નથી. માટે આત્માદિ તત્ત્વોનો ધર્મ સર્વજ્ઞ પ્રણીત એટલે તેમના કહેલા સ્યાદ્વાદ વડે જ સમજવા યોગ્ય છે. ૧૨. વૈરાગ્ય અને ગંભીરભાવથી બેસવું.
ત્રીજું વાક્ય “વૈરાગી હૃદય રાખવું” અને ચોથું વાક્ય ‘દર્શન પણ વૈરાગી રાખવું”. હવે આ બારમું વાક્ય વૈરાગ્ય સાથે ગંભીરભાવ રાખવા જણાવ્યું. કોઈ ઉત્તમ બોધનો હૃદયમાં પ્રવેશ થવાથી હૃદયમાં પ્રથમ વૈરાગ્ય આવે છે. તે ઉત્તરોત્તર આગળ વઘી ગંભીરતા પ્રગટાવે છે. જેમકે પ્રથમ શ્રદ્ધા કે માન્યતા જીવને થાય તે હૃદયમાં રહે છે. પછી તે પ્રમાણે આચરણ થાય ત્યારે તે શ્રદ્ધા પ્રદર્શિત થાય છે
૬