________________
સાતસો મહાનીતિ
ભૂલી ગયો. તાપસે આશ્રમમાં આવી ફરી બીજા મહિનાના ઉપવાસ કર્યા. આમ ત્રણવાર બીજા બીજા કારણોથી તાપસને રાજા ગુણસેન આહાર પાણી માટે આમંત્રણ આપવા છતાં તે આહાર પાણી આપી શક્યો નહીં. તેથી તાપસે નિયાણું કર્યું કે આને હું ભવોભવમાં જે મારનારો થાઉં. કારણ કે જ્યારે હું ઘરમાં હતો ત્યારે પણ મને હેરાન કરતો હતો અને હવે અહીં તાપસ થયો છતાં પણ મને આવી રીતની કદર્થના કરે છે. આવા નિયાણાથી અગ્નિશર્મા પુરોહિત પુત્ર અને ગુણસેન રાજાનો જીવ પિતા પુત્રરૂપે, માતા અને પુત્રરૂપે, પતિ પત્નીરૂપે અને ભાઈ ભાઈરૂપે થઈને નવભવ સુઘી વેર લે છે. ગુણસેન રાજાનો જીવ તે તે ભવોમાં વિશેષ વિશેષ આરાધના કરીને ઊંચા ઊંચા દેવલોકમાં જાય છે અને અગ્નિશર્મા દરેક ભવમાં તેને મારી નીચે નીચે નરક ભૂમિઓમાં જન્મે છે. અંતમાં ગુણસેનરાજાનો જીવ નવમા ભવે સમરાદિત્ય કેવળી બની મોક્ષે જાય છે. પણ મનનો આનંદ લેવા જતાં તેને પણ નવભવ સુધી દુઃખ ભોગવવું પડ્યું. માટે મનના આનંદ કરતાં આત્માનંદને જ ચાહું.
આત્માનો આનંદ શાથી પ્રગટ થાય? તો કે વિષયકષાયની વૃત્તિઓ જેમ જેમ મંદ થાય તેમ તેમ આત્માનો આનંદ પ્રગટ થાય છે. -સમરાદિત્ય કેવળીના આધારે ૨૯૪. સર્વને યથાતથ્ય માન આપું. (ગૃહસ્થ).
સર્વને યથાતથ્ય માન આપું. માતાપિતા, વડીલ સર્વનો યથાયોગ્ય વિનય કરું. આત્મજ્ઞાની મહાત્મા પધાર્યા હોય ત્યારે અંતરના ઉલ્લાસપૂર્વક અને બહુમાનપૂર્વક તેમને માન આપું. જેથી ઘણો લાભ થાય. સાઘર્મીભાઈ-મુમુક્ષભાઈને પણ યથાયોગ્ય માન આપું. કારણ તેઓ પરમાર્થમાર્ગના ખરા સ્નેહી છે.
“સગાઈ સાચી સૃષ્ટિમાં, છે સદ્ગુરુની એક;
બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક.” પૂ.પ્રભુશ્રીજી કહે - મુમુક્ષુઓ તો અમારા માથાના મુકુટ છે. તેમને જોઈ અમને પૂજ્યભાવ થાય છે.
“મોક્ષમાળા વિવેચન'માંથી - વિનય વડે સર્વ સિદ્ધિ – “ગુરુનો વિનય કરે તેથી શાસ્ત્રાભ્યાસ થાય, જ્ઞાન થાય, તેથી વિરતિ આવે, તેથી ચારિત્રમોહ ટળે અને કેવળજ્ઞાન પામી મોક્ષ જાય. એમ વિનયથી તત્ત્વની એટલે શુદ્ધાત્માની સિદ્ધિ અથવા મોક્ષ થાય છે.
ચંડાળનું દ્રષ્ટાંત – એક ચંડાળની સ્ત્રીને કેરી ખાવાનો દોહદ થયો. રાજાની રાણીના બાગમાં વાળવા જાય ત્યાં આંબો દીઠો હશે. ત્યાંથી રોજ એક એક કેરી મંગાવે તે ચંડાળ લઈ આવે. કેરીઓની ચોરી કરનારની તપાસ કરવા શ્રેણિક રાજાએ અભયકુમારને આજ્ઞા કરી. અભયકુમારે યુક્તિથી તે ચંડાળને શોધી કાઢ્યો.
શ્રેણિક રાજા ચંડાળને ક્ષમા કરી શકે પણ વિદ્યા શીખવે તો ક્ષમા કરે. સિંહાસન ઉપર બેઠા રાજાને વિદ્યા સાધ્ય ન થઈ. પછી સિંહાસન તેને આપી સામે આવી ઊભા રહ્યા ત્યારે વિદ્યા સિદ્ધ થઈ. શ્રેણિકની આ કથા બોઘ લેવા માટે છે. કથામાંથી બધું ગ્રહણ કરવાનું નથી. વાત ખરી છે કે ખોટી એ જરૂરતું નથી. ઝાડ નમાવવાની વિદ્યા માટે પ્રયોજન નથી. પરંતુ આત્મવિદ્યા પામવા નિગ્રંથ ગુરુનો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય? વિ+નય કર્મને વિશેષપણે દૂર કરવાં તે વિનય. ગુરુનો વિનય કરે, બીજાને માન આપે તેથી કર્મ છૂટે છે. વિનય એ ઉત્તમ વશીકરણ છે. “વનો વેરીને વશ કરે' એમ પ્રભુશ્રીજી કહેતા.
૧૯૯