________________
સાતસો મહાનીતિ
ચિત્તને સંતોષ ઊપજે તેવાં મીઠાં વચન વડે તેમની સેવા કરીને રાજી રાખે તે ખરો ડાહ્યો ગણાય. કુટુંબમાં જે સમજુ હોય તેણે પોતે સર્વનું કહેલું સહન કરવું જોઈએ. ગમે તેવા
કડવાં વેણ કહી જાય તો પણ જાણે સાંભળ્યું જ નથી એમ ગણીને તે ભૂલી જાય અને સર્વનું ભલું કેમ થાય તેવો વિચાર રાખી સર્વની સેવા કરી છૂટે.
પોતાની ભૂલથી કોઈને ખોટું લાગ્યું હોય તો તેવી ભૂલ ફરી ન થવા દે અને જેને ખોટું લાગ્યું હોય તેને રાજી કરે. તે બધાં આપણને રાજી રાખી વર્તવાનું કરે તો તેથી આપણે ફુલાઈ જવું નહી; પણ આપણા દોષો હોય તે દૂર કરવા તરફ લક્ષ રાખવો. સર્વની પ્રકૃતિ સરખી હોતી નથી તેથી ડાહ્યા માણસે સર્વની પ્રકૃતિ જાણી કુટુંબમાં ક્લેશ ન થાય તેમ પ્રવર્તવું અને ક્લેશનાં કારણ હોય તે દૂર કરી દે તે ડાહ્યો ગણાય. પોતાના દોષની માફી માગી સર્વને સારા કહી કંકાસ મટાડે તે કુશળ કહેવાય. સંસારના ભોગ બઘા દુઃખનું કારણ છે અને જીભ છે તે વેરણ જેવી છે, તેને વશ કરે તે સુખી થાય છે. સર્વને નમીને ચાલે તેના ઉપર સર્વની પ્રીતિ રહે છે. “નમ્યો તે પરમેશ્વરને ગમ્યો’ એમ કહેવાય છે. માટે નમનતા બહુ રાખવી અને ‘તમે ડાહ્યા, તમે મોટા; હું તો છોકરું છું. મારા વાંક સામું ન જોશો, આપ કહેશો તેમ હું કરીશ.' એમ કહીને સર્વની સાથે હળીમળીને રહેવાથી પુણ્ય વધે છે અને જીવનું હિત થાય છે. કોઈના ઉપર દ્વેષ ન રાખવો. બીજાનું ભૂંડુ ઇચ્છીએ તો આપણું જ ભૂંડુ થાય. માટે સર્વને સારું લાગે તેવું બોલવું તેમજ વર્તન રાખવું. માયાકપટ ન રાખવું. નિખાલસ દિલથી સર્વનું સારું થાય તેમ વર્તવાથી આપણું જ સારું થાય. પ્રારબ્ધ પ્રમાણે જે સગાંવહાલાં મળી આવ્યાં છે તેમાં સંતોષ રાખવો. જો મન ઊંચુ રાખે અને કુટુંબમાં કંકાસ કરે તો કંકાસથી લક્ષ્મીનો નાશ થાય છે; માટે સર્વની સાથે હળીમળીને પ્રેમથી રહેવું.” (ઉ.પૃ.૯૭)
“બોઘામૃત ભાગ-૩'માંથી - ક્લેશના કારણો નિર્મૂળ કરવા તરફ દરેક મુમુક્ષુએ લક્ષ રાખવા યોગ્ય છેજી. કુટુંબમાં, મંડળમાં, ગામમાં, નાતમાં, દેશમાં જેમ ફ્લેશ ઓછો થાય તેમ કરવાની વૃત્તિ રાખવાથી ઘર્મ પ્રગટવાનું કારણ બને છેજી. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ નાસિકના બોઘમાં છેલ્લી એ જ શિખામણ દીઘી છે – “સંપ રાખવો અને સત્સંગ કર્યા કરવો.” (બો.૩ પૃ.૩૫૮)
‘દ્રષ્ટાંતશતક'માંથી - જ્યાં સંપ ત્યાં લક્ષ્મીનો વાસ
એક શેઠનું દ્રષ્ટાંત – એક શેઠ રાત્રે સૂતા હતા. તેના સ્વપ્નમાં લક્ષ્મીએ આવીને કહ્યું કે, “હે શેઠ! હવે તારું પુણ્ય પરવાર્યું છે માટે હું તારા ઘરમાંથી થોડા દહાડામાં જઈશ; માટે તારે મારી પાસે કંઈ માંગવું હોય તો માંગી લે.” શેઠે કહ્યું કે, “ઠીક કાલે સવારે હું મારા કુટુંબને પૂછીને વિચાર કરીને માગીશ.” લક્ષ્મી બોલી, ભલે, એમ કરજે!”
બીજે દહાડે શેઠે પોતાના બઘાં કુટુંબીજનોને એકઠા કરીને રાતના સ્વપ્નની વાત કહી અને આપણે લક્ષ્મી પાસેથી શું માંગી લેવું તે દરેકને પૂછ્યું. તેમાંના દરેક જણે પોતપોતાનો મત દર્શાવી પોતાની બુદ્ધિ પ્રમાણે લક્ષ્મી પાસેથી જાદી જાદી વસ્તુઓ માગી લેવાનું જણાવ્યું. કોઈ હીરા-માણેક-મોતી વગેરે ઝવેરાત, કોઈકે ખાવાને માટે અનાજ, એકે વળી રહેવા માટે ઘર, બીજાએ બેસવા માટે વાહન વગેરે ભિન્ન ભિન્ન પ્રકારની માગણી કરવા કહ્યું, પણ તે કાંઈ શેઠની નજરમાં ઊતર્યું નહીં.
છેવટે સૌથી નાના છોકરાની વહુ બોલ્યા વગર બેઠી બેઠી સાંભળ્યા કરતી હતી, તેના ભણી ફરીને શેઠે તેને પૂછ્યું, “બાપુ! તું પણ તારો મત આપ.” તે સાંભળી તે બોલી કે “બાપા, હું તો જાણું છું કે લક્ષ્મી જવાની સાથે લક્ષ્મીના અંગેની તમામ વસ્તુઓ માગશો તો પણ મળશે નહીં; માટે આપણા કુટુંબમાં
૧૯૨