________________
સાતસો મહાનીતિ
૨. નિર્દોષ સ્થિતિ રાખવી.
પુષ્પમાળાના ૧૦૭ પુષ્પમાં ‘દોષને ઓળખી દોષને ટાળવા’- એમ કહ્યું તેના ફળરૂપે આ સૂત્ર કહ્યું કે ‘નિર્દોષ સ્થિતિ રાખવી’. નિર્દોષ સ્થિતિ રાખવી હોય તો પહેલાં દોષો ઓળખવા પડે અને પોતાનામાં હોય એટલા ટાળવા પડે. દોષ ટાળવાનો ક્રમ હાથ ઘર્યો હોય તો તેનું ફળ નિર્દોષ સ્થિતિ આવે. કર્મોને લઈને અનંત દોષો છે. અનંત પ્રકારના કર્મોમાંથી મુખ્ય આઠ પ્રકારના કર્મ કહ્યાં. તેમાં મોહનીય કર્મ મુખ્ય કહ્યું. જેને દોષો ટાળવાનો ઉપાય કરવો છે તેણે મોહનીય કર્મનું સ્વરૂપ સમજવું જોઈએ. તેમાં પહેલો દર્શનમોહ ટાળવો જોઈએ. તે ટાળવા માટે પહેલાં સત્પુરુષનાં બોધની જરૂર છે. પ્રભુશ્રીજી કહેતા-‘શ્રવળે નાણે વિન્નાને’. શ્રવણથી જ્ઞાન થાય અને જ્ઞાનથી વિજ્ઞાન થાય છે. માટે પ્રથમ શ્રવણ કરે એટલે સાંભળે. સાંભળવાથી હિત અહિત શું છે તેનું ભાન થાય. પછી સદ્ગુરુ કે જેમને ભેદજ્ઞાન છે તેમણે પોતાના અનુભવ દ્વારા દેહને આત્મા ભિન્ન છે એમ જણાવ્યું. તેનો ખૂબ ઊંડો વારંવાર વિચાર કરે તો એને પોતાને પણ પોતાના આત્માની ઓળખાણ થાય. તે વિજ્ઞાન અથવા સમ્યજ્ઞાન છે. તે સમ્યજ્ઞાનથી જ જીવને નિર્દોષ સ્થિતિ પ્રાપ્ત થાય છે.
૩. વૈરાગી હૃદય રાખવું.
હૃદયમાં ઊંડામાં ઊંડુ શું છે? વૈરાગ્ય. પ્રભુશ્રીજીએ હૃદય ચોખ્ખું કરી રાખ્યું છે. અંદરમાં હૃદય હથેલી જેવું ચોખ્ખું કરી મૂક્યું છે. હથેળીની બીજી બાજુ વાળ ઊગે પણ અંદર બાજુ રોમ માત્ર પણ ઊગે નહીં. તેમ ઉદયાધીન બહાર ગમે તેમ દેખાય, લેવું, દેવું, વ્યવહાર, વેપાર વગેરે; પણ અંદરથી ખારી જમીન જેવું કરી દેવું કે જેથી જગતની વસ્તુઓ પ્રત્યે મોહ કે વિષય વિકારના ભાવો ઊગે નહીં. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે “બાહ્ય ભાવે જગતમાં વર્તો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત-નિર્લેપ રહો.’’ (વ.પૃ.૧૯૪) એમ આત્માનો શીતલીભૂત સ્વભાવ, પાણી જેમ ઠંડુ હોય તેવો છે, તેમ રહેવું. બાહ્યમાં વર્તતા છતાં ગમે તેવા નિમિત્ત આવે તો પણ અંત૨માં શીતલીભૂત રહેવું. ગૃહસ્થવેશમાં વર્તવું પડતું હોય ત્યારે જેમ ઢોંગી લોકો ઉપરથી ઉદાસીનતા બતાવે તેમ આપણે અંતરંગમાં નિઃસ્નેહપણું કે વૈરાગી હૃદય રાખવું. જેથી ઉપરથી તો સંસારી કે વહેવારી દેખાય અને ધર્મનો ડોળ ન થાય, તથા અંદર ધર્મ છે તેની ખબર ન પડે. ઘરના સ્નેહીઓ વગેરે આપણી અંતરંગ વૈરાગ્યદશા જાણે તો તે બાહ્યદૃષ્ટિવાળા હોવાને લીધે ખેદ કરે અથવા તો મોહમાં ખેંચવાનો પ્રયત્ન કરે. જેથી પોતાને કરવું છે તેમાં વિઘ્ન આવે. માટે ગુપ્ત આચરણ અંતરમાં રાખવું. જો કે તે ભયંકર દશા છે, ઘણું મુશ્કેલ કામ છે. “વ્યવહારમાં વર્તી અપ્રેમ (ઉદાસ) દશા રાખવી તે ભયંકર વ્રત છે” શ્રીમદ્ રાજચંદ્ર. (વ.પૃ.૪૪૯)
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું દૃષ્ટાંત – અયોધ્યાના રાજા હરસિંહના પુત્ર પૃથ્વીચંદ્ર હતા. તે બાળપણથી જ વૈરાગી હતા. છતાં માતાપિતાના આગ્રહથી સોળ કન્યા સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. પણ મન જળકમળવત્ હતું. પુત્રને સંસારમાં મોહ થાય માટે રાજા રાજગાદી આપે છે.
એક દિવસ સિંહાસન પર બેસી પૃથ્વીચંદ્ર ચિંતનમાં ડૂબ્યા છે. ત્યાં એક સુધન નામનો વ્યાપારી આવ્યો. તેમણે એક અદ્ભુત