________________
સાતસો મહાનીતિ
૧. સત્ય પણ કરુણામય બોલવું.
કૃપાળુદેવે આ સૂત્રો લખ્યા છે, તેના ઉપર કોઈ ટીકા લખે તો વિસ્તાર થાય.
જેમાં સ્વહિત અને પરહિત સમાયેલું હોય એવું સત્ય બોલવું, પણ તે કરુણામય બોલવું. જેમ કોઈ કાણો હોય, તેને તું કાણો છે એમ કહેવું તે કરુણામય સત્ય નથી. તેમ કહેવાથી તે જીવની પર્યાય દૃષ્ટિ હોવાથી તેના આત્મામાં દુઃખ થાય, તેની લાગણી દુભાય. માટે કહેવું તો એમ કહેવું કે આંખ શાથી ગઈ? કે આંખે શું થયું? વગેરે કરુણામય સત્ય કહેવું.
વનમાં કોઈ દિશામાં હરણો ગયાની જાણ હોય અને શિકારી આવી પૂછે કે હરણાં કઈ દિશામાં ગયા? ત્યાં પોતે સત્ય દિશા બતાવે તો તે અસત્ય છે. કારણ કે તે દિશામાં જઈ તેને તે નક્કી મારી નાખે. માટે સત્ય પણ કરુણામય બોલવું. કર્મનો ગ્રંથ આપણા આશય સાથે છે.
જેમ એક બીજ વાવ્યું હોય અને છોડ ઊગે, તેની રક્ષા માટે વાડ કરે તેમ અહિંસારૂપ છોડ ઉછેરવા માટે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ એ ચાર વાડો છે.
સમતિનાં પાંચ લક્ષણો કૃપાળુદેવે લખ્યા છે. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા (કણા). સમકિત પ્રગટાવવા પોતાના આત્માની પણ કરુણા રાખી સત્ય બોલવું. જેમકે જેટલા ક્રોધાદિ કષાય પોતે ન કરે પણ શમાવે તેટલો શમ અને જેટલી અહિંસા કે અનુકંપા-કરુણા રાખી તેટલી પોતાના આત્માની દયા ખાધી ગણાય. એમ વિચારે કે ‘ ક્રોધાદિથી કર્મ બંધાત તો મારો આત્મા રીબાત.’’ કારણ કે આત્માના સ્વભાવને ભૂલવો તે ભાવમરણ છે.
“ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહ્યો ?'' કમદ રાજદ્ર
ક્રોધાદિ થાય ત્યારે આત્માનું માહાત્મ્ય ભૂલી જવાય છે અને દેહ તે હું એમ પરનું માહાત્મ્ય જીવને થઈ જાય છે. તે વખતે એમ વિચારવું કે ક્રોધાદિ પર વસ્તુ છે, તે મારો સ્વભાવ નથી. હું તો માત્ર તેનો જાણનાર જ્ઞાતા દ્રષ્ટારૂપે છું. એમ તટસ્થ રહે તો કષાય ન થાય. એમ આત્મામાં રહે તો આત્માને હિંસાથી બચાવી તેની દયા ખાધી ગણાય.
આત્મસિદ્ધિમાં – “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ.’’શ્રીમદ્ રાજચંદ્ર
આખી આત્મસિદ્ધિ કરુણામય સત્યનું દૃષ્ટાંત છે. જીવોની કરુણા ઊપજવાથી પરમકૃપાળુદેવે આ સત્ય પ્રકાશ્યું છે.
૧