________________
સાતસો મહાનીતિ
શીતળદાસ બાવાનું દ્રષ્ટાંત – શીતળદાસ અગ્નિદાસ બન્યા. “એક શીતળદાસ બાવા હતા. તેને એક જણે આવીને નામ પૂછ્યું તો કહે શીતળદાસ; ફરી પૂછ્યું તો કહે, શીતળદાસ, એમ બે ત્રણ વાર તો ઉત્તર આપ્યો; પણ પાંચ સાત વાર પૂછ પૂછ કર્યું એટલે એ તો ઊઠ્યો ચીપિયો લઈને મારવા. એટલે પેલા માણસે કહ્યું; શીતળદાસ તમારું નામ નથી, ખરી રીતે તો અગ્નિદાસ છે.” (ઉ.પૃ.૨૮૩)
“ઘર્મના નામે અવળી પકડ થઈ ગઈ છે, તેથી સમજાઈ ગયું છે કે હું ઘર્મ કરું છું. દાતરડાં ગળ્યાં છે તે નીકળવાં મુશ્કેલ છે. ઘર્મના નામે જે અવળી પકડ થઈ છે તે અનંતાનુબંધી કષાય છે.
અમારે પણ સાચી માન્યતા થઈ તેથી બધું સવળું થયું. અમારો સાત પેઢીનો ઢુંઢિયાનો ઘર્મ, તેની પકડ હતી. પણ સાચી માન્યતા થયા પછી તે પકડ છૂટી ગઈ. આત્માને ઘર્મ માન્યો.” (ઉ.પૃ.૪૫૪)
“અનંતાનુબંઘી શાથી ટળે? જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ ઘટવાનો પ્રકાર બનવા યોગ્ય છે. સૂર્ય ઊગે ત્યાં અંઘારુ નામે છે. તેમ જ્ઞાની પુરુષનો સમાગમ, ઓળખાણ એ અનંતાનુબંધી ટળવાનો ઉપાય છે.
બાપનો કૂવો માટે બૂડી મરાય નહીં. તેમ બાપદાદાએ માન્યો તે મારો ઘર્મ, તે મારા ગુરુ એવો આગ્રહ તે અનંતાનુબંધી. આત્મા શ્વેતાંબર નથી, દિગંબર નથી, વૈષ્ણવ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, વૃદ્ધ નથી, યુવાન નથી. આમ પર્યાય દૃષ્ટિ દૂર કરી હું આત્મા છું – જ્ઞાની એવા સદ્ગુરુએ જાણ્યો તેવો, એમ આત્મા ભણી નજર ક્યારે કરશો?” (ઉ.પૃ.૩૫૩)
“બોઘામૃત ભાગ-૧'માંથી :- અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે. પરમકૃપાળુદેવે એક મુમુક્ષુને કહેલું કે તમો તેનું સ્વરૂપ સમજવા માટે યોગ્ય નથી. મુખ્યપણે તો જ્ઞાનીપુરુષ તથા તેના આશ્રિતનો દ્રોહ થાય તે અનંતાનુબંધી કષાય કહેવાય. જો પાછળથી સવળી સમજણ આવી જાય તો જીવ માર્ગે આવે અને ખોટો આગ્રહ પકડી રાખે તો તે દુરાગ્રહ કહેવાય.” (બો.૧ પૃ.૩૨)
અનંતાનુબંધી એટલે સાચા ઘર્મ પ્રત્યે અભાવ. જ્ઞાની કંઈ કહે ત્યારે ક્રોધ આવે, હું સમજવું છું એમ થાય તે અનંતાનુબંધી ક્રોઘ તથા માન છે. અને ઉપરથી તમે કહો છો તે જ હું માનું છું એમ જણાવવું એ અનંતાનુબંધી માયા છે. ઘર્મ કરી મોક્ષ ન ઇચ્છતાં પુત્ર, દેવલોક આદિની ઇચ્છા કરે તે અનંતાનુબંધી લોભ છે.” (બો.૧ પૃ.૧૩૨)
“મુમુક્ષ-કષાય શાથી ઘટે? પૂજ્યશ્રી—અભ્યાસથી ઘટે. મારે બે કલાક લોભના વિચાર નથી કરવા.....એમ કરતાં કરતાં કષાય ઘટે છે.” (બો.૧ પૃ.૧૦૬)
જેટલા રાગદ્વેષ ઓછા તેટલો જ ઘર્મ પરિણમે છે. અને રાગદ્વેષ ઓછા કરવા એ તો પોતાથી બની શકે છે. ક્રોધ આવ્યો હોય અને નથી કરવો એમ જો ઘારે તો કદી પણ ક્રોઘ આપોઆપ થતો નથી. અને ક્રોઘ ન થાય તો પોતાને સુખ અનુભવાય છે. ક્રોઘ કરે ત્યારે પ્રથમ તો પોતાના અંતરમાં સાક્ષાત્ દુઃખ થાય અને પછી ક્રોઘ દેખાય છે, તેમ જ દરેક કષાય કરતાં પહેલાં પોતાને દુઃખ થાય છે. માટે પ્રત્યક્ષ પોતાને દુઃખી કરનાર એવા જે કષાયભાવો તેનો જો જીવ વિચાર કરે તો તે શત્રુઓને પછી પોતાના અંતરરૂપી ઘરમાં કેમ પ્રવેશ કરવા દે? પણ વિચાર જ આવતો નથી. વિચાર કેમ આવે? સર્વનું કારણ સત્સંગ છે. જો જીવ આત્માને અર્થે સત્સંગમાં અપ્રમાદી બની ટકી રહે તો અવશ્ય વિચાર ઉત્પન્ન થાય, અને શું કરવું તે ધ્યાનમાં આવે.” (બો.૧ પૃ.૩૫)
૧૫૧