________________
સાતસો મહાનીતિ
માયા, લોભ અને ક્રોઘ એમ ક્રમ રાખેલ છે, તે દેશ, કાળ, ક્ષેત્ર જોઈને. પ્રથમ જીવને
બીજાથી ઊંચો મનાવા માન થાય છે, તે અર્થે છળકપટ કરે છે; અને તેથી પૈસા મેળવે
- છે; અને તેમ કરવામાં વિઘ્ન કરનાર ઉપર ક્રોધ કરે છે. એવી રીતે કષાયની પ્રકૃતિઓ અનુક્રમે બંધાય છે, જેમાં લોભની એટલી બળવત્તર મીઠાસ છે, કે તેમાં જીવ માન પણ ભૂલી જાય છે ને તેની દરકાર નથી કરતો; માટે માનરૂપી કષાય ઓછો કરવાથી અનુક્રમે બીજા એની મેળે ઓછા થઈ જાય છે.” (વ.પૃ.૬૭૩)
“ઉપદેશામૃત'માંથી - “સમ્યકત્વને, આત્માના શુદ્ધ પરિણામને ઘાતે તે કષાય. અરરર! તે તો કસાઈ જ. તેનાથી મોટું પાપ શું?” (ઉ.પૃ.૨૮૨)
“કૃપાળુદેવે ચાર કષાયને ચાર ચક્રવર્તી કહ્યા છે. તેમને જીતવા તે ચક્રવર્તીઓને જીતવા સમાન છે. રાગદ્વેષરૂપ બળદ લઈ કષાયખેડૂત મિથ્યાત્વબીજ વાવી રહ્યો છે. તે કેવું ફળ આપે છે? અરરર! અનંત સંસાર રઝળાવે છે. આ વેરી, એને ન મારવા?’’ (ઉ.પૃ.૨૮૨)
“અનંત કાળથી આ જીવને રખડાવનાર પાંચ ઇન્દ્રિયના વિષય અને ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાય છે. તેના જેવા બીજા કોઈ વેરી નથી. તેમાં ક્રોથ વડે પ્રીતિનો નાશ થાય છે, માને વિનયનો નાશ થાય છે, માયાથી મૈત્રીનો નાશ થાય છે; પણ લોભથી તો સર્વ વિનાશ પામે છે એવું સૂત્રમાં કહ્યું છે. તેથી, અનાદિકાળનો લોભ છૂટતો નથી તે ઓછો કરવાને અર્થે હે ભગવાન! જે આ સો સવાસો રૂપિયા મારા ગણતો હતો તેને હું તજું છું, તે લોભપ્રકૃતિ છોડવાને અર્થે દાન કરું છું. પુણ્ય મળે કે સ્વર્ગનાં સુખ પરભવમાં પ્રાપ્ત થાય એ માટે હવે હું દાન નહીં કરું. કોઈ કૂતરાને બચકું રોટલો નાખું કે ભિખારીને મૂઠી દાળિયા આપું તે પણ હે ભગવાન! એટલો લોભ છોડવાને આપું. લોભ છૂટે તો જ અપાય છે. પણ જો ભિખારીને આપીને મનમાં પરભવમાં પામવાની ઇચ્છા રાખે તો તે દાન આપનાર પણ ભિખારી જ છે. કોઈ કરણી વાંઝ નથી હોતી, કરણીનું ફળ તો મળે છે. પણ જે લૌકિકભાવથી આજ સુધી દાન કર્યા તેનું ફળ પામી દેવલોકની રિદ્ધિ સિદ્ધિ ભોગવી પણ તે પુણ્ય ક્ષય થતાં પૃથ્વી, પાણી, વનસ્પતિ, પશુપંખી, નોળ-કોળ, કૂતરાંબિલાડાનાં ભવ ઘરી પરિભ્રમણ કરવું પડે છે. માટે કોઈ સંતના યોગે, હે ભગવાન!હવે જે દાનપુણ્ય કરું તે અલૌકિક દ્રષ્ટિથી કરું, જન્મમરણ છૂટવા કરું-એવી ભાવના કર્તવ્ય છે. (ઉ.પૃ.૩૩૨)
“ક્રોધ, માન, માયા અને લોભ એ મોક્ષમાર્ગમાં જનારે મૂકવાનાં છે. લાખ વર્ષનું ચારિત્ર હોય, પણ ક્રોઘથી બળીને ભસ્મ થઈ જાય અને નરકે લઈ જાય એવો મહા વેરી ક્રોઘ છે. માન છે તે પણ મોટો વેરી છે. વિનય એ ઘર્મનું મૂળ છે. વિનય છે, લધુતા છે – છોટા છે તે મોટા થશે. માયાથી મૈત્રીનો નાશ હોય છે. જે સરળ છે એ ઘર્મ પામવાના ઉત્તમ પાત્ર છે. “હોદો સર્વોવાસો' લોભથી સર્વ નાશ પામે છે. લોભ છૂટ્યો તેને સમકિત પામવાનું કારણ થાય છે. ચારે કષાયનો વિસ્તાર કરવામાં આવે તો પુસ્તક ભરાય. મોક્ષમાર્ગમાં આગળ વઘનારે તે બધા મૂકવાના છે.” (ઉ.પૃ.૩૬૯)
ક્રોઘ કરવો તો પોતાના કર્મવેરી પ્રત્યે કરવો. માન સન્દુરુષની ભક્તિનાં પરિણામમાં કરવું. માયા પરનાં દુઃખ નિવારણ કરવામાં કરવી. લોભ ક્ષમા ઘારણ કરવામાં કરવો. રાગ સત્પરુષ પ્રત્યે અથવા દેવગુરુ-ઘર્મ પ્રત્યે કરવો. દ્વેષ, અણગમો વિષયો પ્રત્યે કરવો. વિષયવિકારની બુદ્ધિ પ્રત્યે દ્વેષભાવ કરવો. મોહ સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવામાં કરવો. એમ એ દોષરૂપ છે તેને સવળા કરી ગુણરૂપ કરી નાખવા.” (ઉ.પૃ.૪૩૪)
૧૫૦