________________
સાતસો મનનીતિ
પાંગળાને ટોપલામાં નાખી માથે ઊંચકી ફરવા લાગી. તે કહેતી કે આ મારો પતિ અપંગ છે પરંતુ મારા માતાપિતાએ મને તેને સોંપી છે તેથી હું તેની સેવા કરું છું! આથી લોકો તેને સતી માની પૂજવા લાગ્યા. તેઓ બન્ને ગાયનવાદનથી લોકોને રંજિત કરી પૈસા મેળવી ગુજરાન ચલાવતાં. કેટલેક કાળે ફરતાં ફરતાં તેઓ દેવરતિરાજાની સભામાં આવ્યાં. રાજાએ આડો પડદો રાખી તેમનું ગાયન સાંભળ્યું. સભાજનો તો ગાયનની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ રાજાએ રાણીને ઓળખી તેથી પડદો દૂર કરાવી પોતાની સર્વ વીતક કથા કહી, અને રક્તાને અને પંગુને શહેર બહાર કાઢવાનો હુકમ કર્યો. પછી રાજા દેવરતિને સ્ત્રીચરિત્ર ઉપરથી અતિશય વૈરાગ્ય આવ્યો, તેથી પોતાના પુત્ર જયર્સનને અયોધ્યાથી બોલાવી પોતાનું નવું રાજ્ય પણ સોંપી દીધું; અને પોતે જિનદીક્ષા ગ્રહણ કરીને ઘણી તપશ્ચર્યા કરી અને અનેકને કલ્યાણનો માર્ગ બતાવ્યો. અંતમાં સમાધિથી શરીર ત્યાગીને મોટો ઋદ્ધિધારી દેવ થયો. (પૃ.૧૫૩)
૨૨૯, નિયમ તોડે તે વસ્તુ ખાઉં નહીં.
જેનો નિયમ કર્યો હોય તે વસ્તુ ખાઉં નહીં.
‘બોધામૃત ભાગ - ૧'માંથી :– “પ્રશ્ન – સાત અભક્ષ્યનો ત્યાગ શા માટે કહ્યો છે?
પૂજ્યશ્રી – જીવને એથી પાપ બંધાય છે. અનાદિકાળથી જીવ પાપ કરતો આવ્યો છે. એથી છૂટે તો ભક્તિ થાય. એ ખાય તો ઘણું પાપ થાય છે અને ન ખાય તો એના વિના ચાલે એવું છે. જ્યારથી નિયમ કરે કે મારે આ નથી વાપરવું, ત્યારથી વ્રત કહેવાય. એથી જીવ આગળ વધે છે. સ્વાદનો જય કરવાનો છે. માખણને માંસનો અતિચાર કહ્યો છે, એ ખાતાં ખાતાં પછી માંસાહારી થઈ જાય. આ સાત વ્યસન, અને પાંચ ઉદંબર ફળ તથા મઘ, માખણ એ સાત અભક્ષ્ય, તેના ત્યાગમાં અણુવ્રત આવી જાય છે. વિચાર કરે તો સમજાય એવું છે,’ (પૃ.૨૭૨)
૨૩૦. ગૃહસૌંદર્યની વૃદ્ધિ કરું.
ઘરને સ્વચ્છ રાખી યત્નાથી પ્રવર્તવું એ ગૃહ સૌંદર્ય છે, તથા અતિથિનો યથાયોગ્ય સત્કાર કરવો એ પણ ઘરની શોભા છે.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – ‘પાંચ સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે; પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી, છતાં જેટલા ભાવવંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. જિનેશ્વર ભગવંતે બોધેલી સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે ત્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. એ યત્નાની ન્યૂનતાને લીઘે છે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ઠાદિક ઇંધનનો વગર ખંખેર્યે, વગર જોયે ઉપયોગ, અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ, પૂંજ્યાપ્રમાર્જો વગર રહેવા દીધેલા ઠામ, અસ્વચ્છ રાખેલા ઓરડા, આંગણામાં પાણીનું ઢોળવું, એંઠનું રાખી મૂકવું. પાટલા વગર ઘખધખતી થાળી નીચે મુકવી, એથી પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિક ફળ થાય છે, અને મહાપાપના કારણ પણ થઈ પડે છે. એ માટે થઈને કહેવાનો બોધ કે ચાલવામાં, બેસવામાં, ઊઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નાનો ઉપયોગ કરવો. એથી દ્રવ્યે અને ભાવે બન્ને પ્રકારે લાભ છે.’’ (પૃ. ૭૭)
એમ યત્નાપૂર્વક પ્રર્વતવું તથા આવેલ અતિથિનો આદર કરવો તે પણ ગૃહસ્થનું ગૃહસૌંદર્ય છે.
૧૨૧