________________
સાતસો મહાનીતિ
એવી રીતે સૂયગડાંગમાં સાચું વીરત્વ અધ્યયન છે. તેમાં જંબુસ્વામીએ પૂછ્યું : કે-“ઘર્મવીરનું વીરત્વ શામાં છે?'' તેના ઉત્તરમાં સુઘર્માસ્વામી જણાવે છે કે
“જે જે પ્રવૃત્તિઓ પ્રમાદયુક્ત છે એટલે કે સત્યથર્મથી વિમુખ છે તે બધી પ્રવૃત્તિઓ કર્મરૂપ છે તેથી ત્યાજ્ય છે. જે જે પ્રવૃત્તિઓ પ્રમાદરહિત એટલે સદ્ધર્મ અનુસાર છે તે અકર્મ છે અને તે કરવા યોગ્ય છે. જેથી આત્માનું અહિત થાય એવી રાગદ્વેષયુક્ત પ્રવૃત્તિઓમાં દાખવેલું વીર્ય અથવા પરાક્રમ તે સંસાર પ્રાપ્ત કરાવનાર, કર્મબંઘનું કારણરૂપ હોઈ, હેય છે.”
“સમજી લોક બથી મમતાનો ત્યાગ કરી સર્વ શુભઘર્મયુક્ત અને શ્રેષ્ઠ પુરુષોએ કહેલા તથા મુક્તિમાર્ગે લઈ જનારા આર્યધર્મનું શરણ લઈ પાપકર્મરૂપી કાંટાને મૂળમાંથી ખેંચી કાઢવાને ઘર્મ અનુસાર પ્રબળ પુરુષાર્થ કરે છે, કારણ પોતાના કલ્યાણનો જે કોઈ ઉપાય જાણવામાં આવે તે બુદ્ધિશાળી મનુષ્ય જીવન દરમિયાન તરત જ શીખી લે છે.
તેવો બુદ્ધિશાળી મનુષ્ય સ્વબુદ્ધિથી કે બીજા પાસેથી ઘર્મનું રહસ્ય સમજી લઈ તેમાં પૂર્ણભાવે પ્રયત્નશીલ થવા ઘરબારનો ત્યાગ કરી ચાલી નીકળે છે. કાચબો જેમ પોતાના અંગો પોતાના શરીરમાં સમેટી લે છે તેમ તે સર્વ પાપવૃત્તિઓને તથા હાથપગ વગેરે કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો સહિત મનને અને તેમના દોષોને પોતામાં સમેટી લે છે. સર્વ પ્રકારની સુખશીલતાનો ત્યાગ કરે છે અને કામનાઓથી ઉપશાંત થઈ આસક્તિ વિનાનો બની મોક્ષમાર્ગમાં જ પ્રબળ પુરુષાર્થ આદરે છે. આ વીરત્વ ઘર્મવીરનું છે.
તે પ્રાણોની હિંસા કરતો નથી, ચોરી કરતો નથી, વિશ્વાસઘાત કરતો નથી, જૂઠું બોલતો નથી, ઘર્મનું ઉલ્લંઘન મન, વાણીથી ઇચ્છતો નથી, તથા જિતેન્દ્રિય થઈ આત્માનું સર્વ પ્રકારે રક્ષણ કરતો વિચરે છે. તે થોડું ખાય છે, થોડું પીએ છે તથા થોડું બોલે છે, તે ક્ષમાયુક્ત અને નિરાતુર (ઇચ્છા રહિત) બની સદા પ્રયત્નશીલ રહે છે. (પ્રમાદ કરતો નથી) તથા સર્વ પ્રકારની પાપવૃત્તિઓનો ત્યાગ કરી તિતિક્ષાને (સહનશીલતાને) પરમ ઘર્મ સમજી ધ્યાન યોગ આચરતો મોક્ષપર્યત વિચરે છે.
આમ જ્ઞાની તેમ અજ્ઞાની બન્ને સમાન વીરત્વ દાખવતા હોવા છતાં અધૂરા જ્ઞાનવાળાનું કે છેક જ અબુઘનું ગમે તેટલું પરાક્રમ હોય તો પણ તે અશુદ્ધ છે તથા કર્મબંધનનું કારણ છે. પરંતુ જ્ઞાન અને બોઘયુક્ત પુરુષનું પરાક્રમ શુદ્ધ છે. અને તેનું (કર્મનું) કાંઈ ફળ તેને ભોગવવું પડતું નથી. (નિર્જરા થાય છે તેથી)” -સૂયગડાંગસૂત્ર–મહાવીરનો સંયમથર્મ
સિંહ શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત – વસંતપુર નામના નગરમાં કીર્તિપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. ભીમ નામે તેને પુત્ર હતો. તે નગરમાં સિંહ શ્રેષ્ઠી, રાજાનો ખાસ પ્રિય મિત્ર હતો.
એકવાર દૂતે આવી સભામાં જણાવ્યું કે નાગપુરમાં રાજાની રત્નમંજરી નામે રૂપવંતી કન્યા છે, તે ભીમકુમાર માટે યોગ્ય છે, એમ જાણી ત્યાંના રાજાએ મને અહીં મોકલ્યો છે. તેથી તેને વરવા માટે આપના કુંવરને મારી સાથે મોકલો. રાજાએ પોતાના મિત્ર સિંહશેઠને સાથે જવા કહ્યું. શેઠે કહ્યું મારે સો યોજનથી આગળ નહીં જવાનો નિયમ છે. ત્યારે રાજા ગુસ્સે થયો. તે સાંભળી શેઠ કહે મેં મારા વ્રતની વાત કરી પણ આપની આજ્ઞા કેમ ઉત્થાપાય? તેથી રાજા આનંદ પામ્યો. શેઠ સાથે કુંવરને રવાના કર્યો. રસ્તામાં શેઠે કુંવરને સંસારની અસારતાની વાતો કરી કુંવરની સંસારવાસના તોડી નાખી. સો યોજન દૂર આવ્યા. ત્યારે કુંવરને સૈનિકોએ કહ્યું કે રાજાજીએ કહ્યું છે કે સો યોજનથી આગળ શેઠ ન ચાલે તો તમારે તેમને બાંધીને નાગપુર લઈ જવા. તે વાત કુંવરે સિંહશેઠને ઘર્મગુરુ માનવાથી જણાવી. સિંહશેઠે કહ્યું આ
૯૧