________________
સાતસો મહાનીતિ
મુદ્રિકા ઉપરથી મંત્રી જાણીને મારી નાખ્યો છે.’ પછી રાજાએ મંત્રીને ઘેર આવી મિથ્યા દુષ્કૃત આપી તે સર્વ વૃત્તાંત જણાવ્યું. મંત્રીએ તે સુભટોને જીવતા છોડી મૂક્યા. રાજાએ કહ્યું-‘મંત્રીરાજ ! આજે પુણ્યનું ફળ મેં પ્રત્યક્ષ જોયું.’ પછી પુણ્યની પ્રશંસા કરી રાજાએ ગૃહસ્થધર્મ અંગીકાર કર્યો. પ્રાંતે મંત્રી અને રાજા બન્ને પુણ્ય ઉપાર્જન કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધિપદને પામ્યા.
‘સુમિત્ર મંત્રી દશમાં વ્રતમાં ઉદ્યમવંત થઈ આ લોકમાં ધર્મનું પૂર્ણ ફળ પામ્યો અને રાજા તેને જોઈ નાસ્તિકપણું છોડી પ્રતિબોધ પામીને શુદ્ધ ધર્મને પ્રાપ્ત થયો. -ઉપદેશ પ્રાસાદ ભાષાંતર-ભા.૩ (પૃ.૨૩) ૧૮૮. સાદા પોશાકને ચાહું.
વિકારને પોષે તેવો પોશાક ન રાખું. અથવા બીજાએ તેવો પોશાક ધારણ કર્યો હોય તેથી પ્રસન્ન ન થાઉં કે ન ચાહ્યું. શ્રી દેવકરણજી મુનિ બહુ વૈરાગ્યવાન હતા. બધા બૈરાંઓ વ્યાખ્યાનમાં નવાં નવાં કપડાં પહેરી આવે. તેમને દેવકરણજી મુનિ કહેતા કે અહીં શું નાચવાનું છે? કે આવા કપડાં પહેરીને આવો છો. માટે સાદા પોશાકને ચાહું.
૧૮૯. મધુરી વાણી ભાખું.
જે વાત કહેવાની હોય તે વાત સાંભળનારના હૃદયમાં ઊતરી જાય એવી મીઠી વાણી ભાખું. જેમ ગળ્યું ખાવાનું હોય તે તરત ઊતરી જાય તેમ. પ્રભુશ્રીજીને એવું બોલવું બહુ સારું આવડતું. પ્રભુશ્રીજી કૃપાળુદેવને વખાણે કે કૃપાળુદેવ તો કેવું મીઠું બોલતા, અમને તો એવું આવડેય નહીં. અમને તો અમે બોલીએ છીએ તે ખારાશ લાગે, મીઠાશ નહીં. મીઠાશ તો કૃપાળુદેવની. ૧૯૦. મનોવીરત્વની વૃદ્ધિ કરું.
“મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.” જે જે મહાપુરુષો થયા છે તેમણે તેમના મનનો જય કર્યો છે અને દૃઢ નિશ્ચયવાળા બન્યા છે. તેમને જ્યારથી એમ સમજાયું કે આ કર્મથી જ પરિભ્રમણ થાય છે, ત્યારથી તે કર્મની સામે પડે છે અને તે કર્મનું નિકંદન કરવા માટે પુરુષાર્થ કરે છે. આમ મનોવીરત્વની વૃદ્ધિ કરું.
‘જ્ઞાનાર્ણવ’માં સવીર્ય અઘ્યયન શ્ર્લોક ૧૫માં શ્રી શુભચંદ્રાચાર્ય લખે છે કે “અવિદ્યારૂપ વૈરીની જાળને તોડી આજે જ મારા સ્વરૂપનો મારે પરમાર્થથી નિશ્ચય કરવો. વળી એમ વિચારે છે કે જ્યાં સુઘી જ્ઞાનરૂપી અમૃતના સમુદ્રમાં મારું નહાવાનું થતું નથી ત્યાં સુધી સંસારથી ઉત્પન્ન થયેલો મહાન દાહ મને પીડી રહ્યો છે. અવિદ્યા એટલે મિથ્યાત્વરૂપ દારુણ મગરમચ્છના દાંતોમાં મારું ચિત્ત ચવાઈ ગયું એટલે સકળ વિશ્વને જોવાને અદ્વિતીય નેત્રરૂપ કેવળદર્શનની શક્તિ હોવા છતાં પણ મેં મારા આત્માને પણ ન જોયો. હવે અત્યંત બળવાન એવા ઘ્યાનરૂપી વજ્રથી પાપરૂપ વૃક્ષનો એવી રીતે નાશ કરું કે જેથી ફરીથી જન્મરૂપ ફળ થવાનો સંભવ જ ન રહે. આજે મારો રાગરૂપી તાવ ઊતરી ગયો અને મોહરૂપી નિદ્રા ઉડી ગઈ, માટે કર્મરૂપી વે૨ીઓને ધ્યાનરૂપી તીક્ષ્ણ ખડગ્ની ઘારાથી હણું છું. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલાં અંધકારને દૂર કરી હું આત્માને જ જોઉં છું, તેમજ ઉગ્ર કર્મરૂપી લાકડાંના મોટા ગંજને બાળીને ભસ્મ કરું છું. વળી એવી ભાવના કરે કે આજે પોતાનું સામર્થ્ય મેળવી આનંદમંદિરમાં પ્રવેશ કરી બાહ્ય પદાર્થોમાંથી સ્પૃહા ટાળી મારા આત્મસ્વરૂપથી ચુત નહીં થાઉં. આમ મનોવીરત્વની વૃદ્ધિ કરું.
૯૦