________________
સાતસો મહાનીતિ
૧૮૪. જડની દયા ખાઉં,
જડ એવા અજ્ઞાનીની દયા ખાઉં. ધનાદિક જડ પદાર્થોમાં જેની બુદ્ધિ છે તે આત્માનું માહાત્મ્ય ક્યારે સમજશે? અથવા જડ એવો અજ્ઞાની જીવ ઉપસર્ગ વગેરે કરે ત્યારે જ્ઞાની વિચારે છે કે ઉપસર્ગ કરનારને, સત્પુરુષ કલ્યાણનું કારણ છે એવું તેને ભાન નથી; નહીં તો તે તેમની પૂજા કરે.
સંગમદેવનું દૃષ્ટાંત – મહાવીર સ્વામીને સંગમ દેવતાએ મરણાંતિક ઉપસર્ગ કર્યા, છ મહિના સુધી વજ્ર જેવી કીડીઓ ભગવાનના શરીરમાંથી આરપાર નીકળી આવ જાવ કરે એવા અનેક દુઃખ દીઘાં. તો પણ ભગવાનની આંખમાં પોતાના દુઃખ માટે એકપણ આંસુ આવ્યો નહીં. પણ જ્યારે છ મહિના થયા અને સંગમ દેવતા થાકીને જતો રહ્યો કે આમને તો કંઈ દુઃખ લાગે એવું નથી; તે વખતે ભગવાનની આંખમાં કરુણાથી આંસુ આવી ગયા. એ વિષે પરમકૃપાળુદેવ ઉપદેશછાયામાં જણાવે છે
“શ્રી મહાવીરસ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીઘા, ત્યાં કેવી અદ્ભુત સમતા ! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી! '' -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૯૧)
૧૮૫. વિશેષથી નયન ઠંડા કરું.
પુત્રને જોઈ જેમ માતાના નયન ઠરે છે; તેમ ભક્તિનું બીજ જેના હૃદયમાં રોપાયું છે તેવા ધર્માત્માને જોઈ મુમુક્ષુના મનમાં પ્રેમ, શાંતિ અનુભવાય છે. ખાસ કરીને જેનાથી પોતાને ઉપકાર થયો છે તેના પ્રત્યે વિશેષ પૂજ્યભાવ થાય છે. બધા સંતો સ્વભાવે સરખાં હોય છે. પણ જે વિશેષ ઉપકારી છે તેના પ્રત્યે આપણું દિલ ઠરે છે, ખેંચાય છે; તેની સ્મૃતિથી, તેની ભક્તિથી જીવ આગળ વધે છે. એવા પરમકૃપાળુદેવના દર્શન વિશેષથી નયન ઠંડા કરું.
ચારુદત્તનું દૃષ્ટાંત – ચારુદત્ત અને તેના મામાએ રત્નદ્વીપ જવા માટે બે બકરા આણ્યા. ભારંડ પક્ષીઓ તે રત્નદ્વીપમાં રહેનારા હોય છે. તે આહાર માટે બધે ઊડે ને જ્યાં માંસ દેખે ત્યાં નીચે ઊતરી પડે. એક બોકડાને મારી નાખી એનું ચામડું ઊંઘુ ફેરવી તેને કોથળી જેવું કરી અંદર પેસી જવા
માટે બનાવ્યું. બીજા બકરાએ જાણ્યું કે મને પણ મારી નાખશે. તેથી રક્ષા માટે ચારુદત્ત ભણી જોયું. ચારુદત્તે પોતાના મામાને હિંસા ન કરવા માટે કહ્યું પણ એન્ને માન્યું નહીં. એટલે ચારુદત્તે બકરાને મરતી વખતે સ્મરણ સંભળાવ્યું, તેના પ્રભાવે બકરો મરીને દેવ થયો. બન્ને બકરાંની કોથળીમાં પેઠા અને ભારે પક્ષીઓ તેને ઉપાડીને જતા હતા. તેમાંથી જેમાં ચારુદત્ત હતો તે કોથળી પક્ષીના પગમાંથી સરી ગઈ અને ચારુદત્ત સાથે દરિયામાં પડી. ચારુદત્ત પણ દરિયામાં મોજાંથી
અફળાતાં અફળાતાં કોઈ દ્વીપ ઉપર આવી ગયો. ત્યાં ફરતા ફરતા કિનારા ઉપર એક મુનિને દીઠા.
૮૭