________________
સાતસો મહાનીતિ
એકલાં હોઈએ કે સમૂહમાં હોઈએ લક્ષ તો સ્વઆત્મભક્તિનો જ હોવો જોઈએ. એટલે પોતાના આત્માના હિત અર્થે જ બધું થવું જોઈએ. સમૂહમાં જુદા જુદા રાગમાં લક્ષ ન જવું જોઈએ અને એકાંતમાં પ્રમાદી બની કડકડ બોલી જાય કે ઊંઘે કે વિચારો ભટક્તા રહે તેમ પણ ન થવું જોઈએ. જ્યાં જે વખતે આત્માને હિતકારી લાગે તેમ કરવું.
“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” -આત્મસિદ્ધિ ૧૮૧. અનુપાસક થાઉં.
લોકો ક્રિયા જડપણે કરે છે, તેનો અઉપાસક થાઉં. મૂર્તિપૂજાદિમાં લોકો વિચાર વગર પ્રવર્તે છે. એવા મૂર્તિપૂજકને પરમકૃપાળુદેવે પ્રભુપૂજક કર્યા. એમ શ્રી રત્નરાજ સ્વામીએ લખ્યું છે. ક્રિયાજડને જે જ્ઞાનદશાની ખામી હોય છે તે એમણે પૂરી પાડી. અનુપાસક થાઉં એટલે ક્રિયાજડ બનું નહીં. એવી આંધળી ભક્તિ કે સાંઢભક્તિનું શું ફળ આવશે તે જીવ જાણતો નથી. પોતાની કલ્પનાથી કરે તે સાંઢભક્તિ છે. બળદને નાથ ન હોય તો ગમે ત્યાં જાય. પણ નાથ એટલે દોરી હોય તેને જ્યાં લઈ જવો હોય ત્યાં જાય. તેમ જ્ઞાનીના દોરવાથી ભક્તિ કરે તે સાંઢભક્તિ ન કહેવાય. સાંઢભક્તિમાં ભાવ હોય નહીં. માત્ર જડક્રિયા હોય. જ્યારે જ્ઞાનીની ભક્તિ જ્ઞાન સહિત એટલે આત્માના લક્ષપૂર્વક હોવાથી તેમાં ભાવ હોય અને તે જ આગળ વધારી જીવને ઠેઠ મોક્ષ સુધી લઈ જઈ શકે છે. ૧૮૨. નિરભિમાની થાઉં.
ઉપરના વાક્યમાં ક્રિયાજડનો દોષ દૂર કરવા કહ્યું. તેમ અહીં શુષ્કજ્ઞાનીમાં જે અભિમાનનો દોષ હોય છે તે ન રાખવા જણાવ્યું. હું જાણું છું, એ મોટો દોષ છે. ઘન વગેરેનું અભિમાન કરતો હોય તેમ જાણવાનું અભિમાન કરે તો સત્ સમજી શકે નહીં. “હું જાણું છું’, ‘હું સમજું છું” એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન.” (વ.પૂ.૩૫૭) એવું માન જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવ જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવી શકે નહીં. અભિમાન કરીને કોઈ મોક્ષે ગયા નથી. માટે નિરભિમાની થાઉં. ૧૮૩. મનુષ્ય જાતિનો ભેદ ન ગણું.
મોટી મોટી લડાઈઓ થાય છે તે બધી જાતિભેદને લઈને છે. જેમકે આ જર્મની છે, ફ્રેન્ચ છે કે આ અંગ્રેજ છે વગેરેના ભેદથી કે આર્ય, અનાર્ય, મ્લેચ્છ વગેરેના ભેદથી છે. મુસલમાન અને હિંદુ એ બેમાં પરસ્પર તિરસ્કાર થઈ જાય છે. આ બાહ્ય દ્રષ્ટિથી છે. જેને દેહદૃષ્ટિ છે તેને આ બઘા ભેદો છે. એ બહિરાત્મપણું છોડવા કહ્યું. અંતે હું મનુષ્ય છું એ માન્યતા પણ છોડવાની છે. કારણકે
નરદેહે રહે તો તે, આત્માને નરમાનતો; તિર્યંચદેહમાં ઢોર, દેવાંગે સુર જાણતો. નારકી નરકે જાણે-અજ્ઞાની, તેમ તે નથી;
અનંત-જ્ઞાન-શક્તિમાન, સ્વગમ્ય, અચલસ્થિતિ.- સમાધિશતક અર્થ – આત્મા મનુષ્ય નથી, તિર્યંચ નથી, દેવ નથી કે નારકી નથી; અજ્ઞાનવશ એમ મનાય છે. પણ તે તો અનંત જ્ઞાનશક્તિવાળો પોતાને જ પોતાનો અનુભવ થાય એવો, અને અચલસ્થિતિનો ઘારક એવો આત્મા છે.
૮૬