________________
સાતસો મહાનીતિ
કાયક્લેશ આદિ કરી શકે એમ હોય છે, તો પણ સમકિતી જીવો, કષાયની મંદતા થયા વિના તેને નિરર્થક જાણી ઘર્મને નામે કાયક્લેશાદિ કરતા નથી. ૧૭૫. શાસ્ત્ર વાંચું.
સ્વાધ્યાય એ પણ અંતરંગ તપ છે. યથાર્થ સમજણ આવવાનું તે નિમિત્ત છે. માટે સ્વાધ્યાય સદૈવ કર્તવ્ય છે. સત્પરુષના વચનો એ શાસ્ત્રરૂપ છે. ૧૭૬. પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપું નહીં.
પોતાની માન્યતા કે તર્ક હોય તેને પોષણ આપવા માટે જ વાંચે તો તે વાંચન પણ નિરર્થક છે. મધ્યસ્થબુદ્ધિ રાખીને આત્માર્થે વાંચવા યોગ્ય છે. એવી દ્રષ્ટિ ન રહે તો “ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે” એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. ૧૭૭. સર્વ પ્રકારની ક્ષમાને ચાહું.
ક્ષમા એ સર્વ રીતે હિતકારી છે અને ઇચ્છવા યોગ્ય છે. (૧) સર્વ પ્રકારે હું બીજાને ક્ષમા આપવા ઇચ્છા રાખું અથવા (૨) હું અન્યની પાસે ક્ષમા યાચું અને મને સર્વ જીવો માફ કરો એવી ભાવના રાખું.
“સબ જીવનમેં મેરે સમતાભાવ જગ્યા હૈ,
સબ જીય મો સમ સમતા રાખો ભાવ લગ્યો હૈ;” -નિત્યક્રમ (પૃ.૧૩) ક્ષમા એટલે સમતા. અહીં ક્ષમાના બે પ્રકાર બતાવ્યા છે તે નીચે પ્રમાણે(૧) બીજાએ દોષો કર્યા હોય તે હું સમભાવે સહન કરી તેને ક્ષમા આપું.
(૨) મેં દોષ કર્યા હોય તે બીજા જીવો પણ સહન કરી મને ક્ષમા આપે એવી ભાવના રાખું, કે જેથી મારા નિમિત્તે બીજા જીવોને કર્મબંઘ ન થાય. આમ સર્વ પ્રકારે ક્ષમાને ચાહું. ૧૭૮. સંતોષની પ્રયાચના કરું.
પ્રયાચના એટલે પ્રકૃષ્ટપણે પ્રાર્થના. મને સંતોષ ગુણ પ્રાપ્ત થાય એવી પ્રભુ પ્રત્યે પ્રબળ પ્રાર્થના કરું. જેમ ઉપરના વાક્યમાં ક્ષમાની ભાવના દર્શાવી તેમ અહીં સંતોષની ભાવના કરી છે. સંતોષ પણ બેય પક્ષે રાખવો. (૧) બીજાને સંતોષ આપવો અને (૨) પોતે સંતોષ રાખવો. કારણ કે “સંતોષી નર સદા સુખી'.
“ગોઘન, ગજઘન, રતનઘન, કંચન ખાન સુખાન;
જબ આવે સંતોષ ઘન, સબ ઘન ઘૂળ સમાન.” -આલોચનાદિ પદસંગ્રહ ૧૭૯. સ્વાત્મભક્તિ કરું.
પોતાના આત્માની ઉન્નતિ થાય તેવો અભ્યાસ કરું. પોતાના દોષો તપાસીને તે દોષો દૂર થાય અને ગુણોની વૃદ્ધિ થાય તેમ કરું. મૂળ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, તેમાં રહેવાનો અભ્યાસ કરું. તે માટે ક્ષમાદિ ગુણોની આવશ્યકતા છે. વર્તનમાં જેથી આત્માને શાંતિ મળે એવા સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા આદિ ગુણો જે આત્મામાં પ્રગટે તે જ સ્વભાવમાં રહી શકે છે; માટે તે મેળવવા એકાંતમાં આત્માની ચિંતવના કરું. એમ સ્વઆત્મભક્તિમાં રહું. એકલા પણ જ્યાં હોઈએ ત્યાં ભક્તિ સહજ સ્વભાવરૂપ બની જાય એમ કરવા યોગ્ય છે. ૧૮૦. સામાન્ય ભક્તિ કરું.
સમૂહમાં ભક્તિ અથવા રોજીંદા વ્યવહારમાં ભક્તિ કરીએ છીએ તે સામાન્ય ભક્તિ. તે ભક્તિમાં
૮૫