________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૭૬
પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ એ જ પરમાત્મસ્વરૂપ છે. વર્તમાનમાં તો તે પરમાત્મસ્વરૂપ કર્મરજથી મલિન છે. તે કર્મરજને જીવ પુરુષાર્થના બળે દૂર કરી દે તો પોતાનું પરમાત્મસ્વરૂપ પ્રગટ થાય છે. તે સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ મનુષ્યદેહમાં જ પ્રાપ્ત થઈ શકે છે, માટે મનુષ્ય પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીપુરુષો કહે છે.
૮૦. ઉત્તરાધ્યયન નામનું જૈનસૂત્ર તત્ત્વદૃષ્ટિએ પુનઃ પુનઃ અવલોકો.
ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ આ ‘ઉત્તરાધ્યયન’ નામના જૈનસૂત્રમાં લખાયેલ છે.તેમાં દૃષ્ટાંત સાથે તત્ત્વનો ઉપદેશ છે; જેમ બાળકને ગોળ સાથે ગોળી આપે તેમ. તેનું તત્ત્વદૃષ્ટિએ પુનઃ પુનઃ અવલોકન કરો. તત્ત્વદૃષ્ટિ એટલે આત્મદૃષ્ટિ. આત્મામાં રહેલ અજ્ઞાન તથા કામ ક્રોધાદિભાવોનો કેમ નાશ થાય, તેનો લક્ષ રાખી ફરી ફરી તે વૈરાગ્ય ઉપશમનો બોધ આપનાર એવા ઉત્તરાધ્યયન સૂત્રનું અવલોકન કરો અર્થાત્ સ્થિર ચિત્તે તેનો સ્વાધ્યાય કરી તે તે દોષોને દૂર કરો.
૮૧. જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મ૨ણ ઇચ્છવા યોગ્ય છે.
જીવતાં છતાં સંસારમાં રહેલ વિષયકષાય પ્રત્યેની આસક્તિને બાળી જાળીને ભસ્મ કરી દે તો સંસારની દૃષ્ટિએ તે જીવતાં છતાં મરેલા બરાબર છે. એવું મરણ ઇચ્છવા યોગ્ય છે કે જેથી ફરી જન્મમરણ કરવાં ન પડે.
‘ઉપદેશામૃત' માંથી :- સગાંસંબંધી, પૈસાટકા, ઘરબાર, બૈરીછોકરાં એ બધેથી પ્રીતિ ઉઠાવી અહંભાવ મમત્વભાવ ઉઠાવી લઈ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મોહમૂર્છાભાવ બાળી જાળી, ભસ્મ કરી સ્નાનસૂતક કરી ચાલ્યા જવું છે. તો સ્ત્રી છું, પુરુષ છું, નાનો છું, મોટો છું—એ સર્વ પર્યાયવૃષ્ટિ છોડી શ્રી સદ્ગુરુએ જાણ્યો છે એવો એક શુદ્ધ આત્મા હું છું એવી આત્મભાવના રાખવી. (પૃ.૩૯૨)
“જીવતા જીનવર જપું, મુએ મુક્તિ પા; બેઉ હાથે લાડવા, જે ભાવે તે ખાઉં.”
૮૨. કૃતઘ્નતા જેવો એક્કે મહાદોષ મને લાગતો નથી.
કૃતઘ્નતા એટલે કરેલા ઉપકારને ઓળવવો. તેના જેવો એક્કે મહાદોષ જણાતો નથી. કરેલા ઉપકારનો બદલો વાળવાને બદલે ઊલટો તેનો અપકાર
૧૭૭
વચનામૃત વિવેચન
કરવો તેના જેવો બીજો કોઈ મોટો દોષ પરમકૃપાળુદેવને જણાતો નથી. પ્રતિ ઉપકાર કરવા અસમર્થ હોઈએ તો પણ તેનો અપકાર તો કદી ન જ કરવો જોઈએ.
‘શ્રી જૈન હિતોપદેશ' માંથી :- ‘કૃતજ્ઞતા—પોતાને કોઈએ કરેલા ઉપ– કારને ભૂલવો નહિ, પણ સમય આવે કરેલા ઉપકારનો બદલો વાળવો. (પૃ.૧૨૮)
૮૩. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત!
મનુષ્યમાં માન વધારે છે. જો માન કષાય આ જગતમાં ન હોત તો મોક્ષ સ્થાન અહીં જ હોત.
‘બોધામૃત ભાગ-૧' માંથી – “જ્યાં માન હોય ત્યાં ભગવાન રહે નહીં. માન અને ભગવાનને વેર છે. “મોહનવરને માન સંગાતે વેર જો.’’
શ્રી કૃષ્ણનું દૃષ્ટાંત :- શ્રીમદ્ ભાગવતમાં એક કથા આવે છે. શરદપૂર્ણિમાની રાત્રિ હતી. શ્રીકૃષ્ણે જંગલમાં આવી વાંસળી વગાડી. તે સાંભળીને બધી ગોપીઓ ઘરનાં કામ વગેરે છોડીને ત્યાં શ્રીકૃષ્ણ પાસે આવી. શ્રીકૃષ્ણે કહ્યું
કે તમે અહીં કેમ આવી? તમારા પતિને મૂકીને અહીં શા માટે આવી છો? ગોપીઓએ કહ્યું કે પતિ પરદેશ જાય ત્યારે કોઈને પોતાનું ચિત્રપટ, કોઈને લાકડાનું પૂતળું વગેરે પૂજવા માટે આપી જાય છે. પછી તે રોજ તેની પૂજા કરતી હોય અને જ્યારે પતિ ઘેર આવે અને કહે કે પાણી લાવ, તો તે કંઈ એમ કહે કે ના, મને પહેલાં પૂજા કરવા દ્યો. તેમ અમારા પતિ તો તમે છો. બીજાં તો બધા લાકડાના પૂતળા જેવા છે. જ્યારે ખરા પતિ ઘેર આવે ત્યારે લાકડાની પતિની કોણ સેવા કરે ? તે સાંભળી શ્રીકૃષ્ણ બહુ પ્રસન્ન થયા અને પછી બહુ આનંદથી રાસ રમ્યા. તે વખતે એક એક ગોપી અને એક એક કૃષ્ણ, દરેક ગોપી સાથે એક એક કૃષ્ણ. તે વખતે ગોપીઓના મનમાં થયું કે આપણે કેવી ભાગ્યશાલિની છીએ ! આ વખતે બીજાં બધાં ઊંઘે છે અને આપણે ભગવાન સાથે લીલા કરીએ છીએ. એમ જરાક અભિમાન આવી ગયું, એટલામાં તો એકેય કૃષ્ણ ન મળે. કૃષ્ણ અલોપ થઈ ગયા.
જ્યાં ભગવાન હોય ત્યાં માન ન રહે, અને જ્યાં માન હોય ત્યાં ભગવાન ન રહે, એવું છે. માટે અભિમાન મૂકવાનું છે.''