________________
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯
૭૬૫
(૧) દયારૂપી પાણી વડે કર્યું છે સ્નાન જેણે એવા તારે આત્માની પૂજા કરવી જોઈએ. બીજાના પ્રાણોની રક્ષા કરવી તે દ્રવ્યદયા અને પોતાના પ્રાણોને વિભાવદશામાં જતા રોકીને તેની રક્ષા કરવી તે ભાવદયા. આમ સ્વપ્રાણ અને પરપ્રાણની રક્ષા કરવા સ્વરૂપ જે ભાવદયા અને દ્રવ્યદયા છે તે જ પાણી છે. તેના વડે કર્યું છે સ્નાન અર્થાત્ પવિત્રતા જેણે એવો તું થા, જેમ જલ વડે શરીરનો મેલ ધોઈને નિર્મળ થવાય છે તેમ દ્રવ્યદયા અને ભાવદયા જીવનમાં લાવવા વડે મનમાં પવિત્રતા લાવીને તું નિર્મળ થા. પછી આત્માની પૂજા
કર.
(૨) સંતોષ ગુણ લાવવા રૂપી ઉજ્જ્વળ વસ્ત્રને ધારણ કરવાવાળો થા. પૌદ્ગલિક પદાર્થોને મેળવવાની જે પિપાસા (તૃષ્ણા) અને તે ન મળે ત્યારે થતો શોક, આ બન્નેનો જે અભાવ તે સંતોષ, પૌદ્ગલિક વસ્તુ મેળવવાની પિપાસાનો તથા પ્રાપ્તિ થાય તો પ્રીતિનો અને ન પ્રાપ્ત થાય તો અપ્રીતિનો જેમાં ત્યાગ થાય તેનું નામ સંતોષ. આ સંતોષ ગુણરૂપી જે ઉજ્જ્વળ શુદ્ધ વસ્ત્રો છે તેને ધારણ કરવાવાળો બનીને પછી આત્માની પૂજા કર, જેમ દ્રવ્યપૂજામાં ઉજ્જવળ વસ્ત્રો પહેરવામાં આવે છે તેમ ભાવપૂજામાં સંતોષગુણને ધારણ કરીને પૌદ્ગલિક સુખોની ઈચ્છાઓનો અભાવ કરવા દ્વારા તું આત્માની પૂજા ક૨.૧
(૩) વિવેક રૂપી તિલકથી શોભાયમાન થયેલો તું પૂજા કર, અહીં સ્વદ્રવ્ય શું ? અને પરદ્રવ્ય શું ? સ્વગુણો શું ? અને પરગુણો શું ? સ્વ-ઉપકારી શું અને સ્વ-અનુપકારી શું ? આમ સ્વ-પરનો વિભાગ કરીને સ્વનો સ્વીકાર કરવો અને પરનો ત્યાગ કરવો તે વિવેક.
આ વિવેકને તિલકની ઉપમા આપીને કહે છે કે જેમ દ્રવ્યપૂજામાં કપાલમાં તિલક કરાય છે તેમ ભાવપૂજામાં વિવેકગુણ હોવો જરૂરી છે. માટે વિવેકગુણ મેળવવા રૂપ તિલક કરીને તું પોતાના આત્માની પૂજા કર.
(૪) ભાવના દ્વારા પવિત્ર આશયવાળો થા. અરિહંત પરમાત્માના ગુણોની સાથે એકમેક થવું, લયલીન થવું, ગુણોમાં ગરકાવ થઈ જવું તે ભાવના. અરિહંત પરમાત્માના ગુણોને જ દેખવામાં, ગુણોને જ ગાવામાં અને ગુણોના જ ચિંતનમાં રહેવાથી પવિત્ર બન્યો છે આશય જેનો, પવિત્ર બન્યા છે વિચારો જેના, પવિત્ર બન્યો છે અભિપ્રાય જેનો એવો તું થા અને તેના દ્વારા પૂજા કર.
ઉપરોક્ત ચાર વિશેષણો વાળો તું થા, આવો ઉત્તમ ગૃહસ્થ બનીને તું તારા આત્મા
૧. અહીં ઉપમેય સંતોષ એકવચનમાં છે અને ઉપમાન ઉજ્વલ વસ્ત્ર બહુવચનમાં છે તો પણ અનેકવિધ પૌદ્ગલિક પદાર્થોના વિષય રૂપે સંતોષ અનેક કલ્પીને કર્મધારય સમાસ સમજી લેવો.