________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૧૧ ઘાતકર્મોના ક્ષયોપશમથી પ્રગટ થયેલી ચેતનાશક્તિનું અને વીર્યશક્તિનું મોહોદયજન્યવિકારોથી રક્ષણ કરવા યોગ્ય છે. કારણ કે મોહનીય કર્મનો જે વિપાકોદય છે તે આત્માનું પતન કરવાનું કે નવા નવા કર્મબંધનું કારણ બનતો નથી, પરંતુ આત્મામાં પ્રગટ થયેલી ચેતના (જ્ઞાનશક્તિ-બુદ્ધિ) અને વીર્ય (ક્રિયા-શક્તિ) જ્યારે મોહના ઉદયને અનુસરનારી થાય છે ત્યારે ત્યારે ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષાદિ મોહના વિકારોપણે પરિણામ પામેલી એવી આ ચેતનાશક્તિ અને વીર્યશક્તિ જ આત્માના પતનનું અને નવા કર્મબંધનું કારણ બને છે. એટલે રાગાદિ ભાવવાળો આત્મા જ કર્મનો કર્તા અને કર્મનો ભોક્તા કહેવાય છે. આ રીતે આત્માની ચેતનાશક્તિ અને વીર્યશક્તિ જ મોહને આધીન થઈ છતી બંધના હેતુરૂપે પરિણામ પામે છે. માટે ચેતનાશક્તિ અને વીર્યશક્તિમાં આવતી બંધની હેતુતા જ અટકાવવી જોઈએ. ચેતના અને વીર્ય મોહના ઉદયને આધીન ન થઈ જાય તે રીતે તે બન્ને શક્તિનું મોહના વિકારોથી અલિપ્ત રહે તે રીતે રક્ષણ કરવું જોઈએ. કારણ કે આ બન્ને શક્તિ જ મોહાધીન થઈ છતી બંધનો હેતુ બને છે. પણ મોહનીયનો વિપાકોદય બંધહેતુ નથી.
કર્મોનો ઉદય એ તો ગુણોનો આચ્છાદક માત્ર જ છે, પણ તે ઉદય કંઈ નવા બંધનો હેતુ નથી, જો કર્મના ઉદયને બંધનો હેતુ સ્વીકારીએ તો સર્વકર્મોનાં ઉદયમાં આવેલાં કાર્પણ વર્ગણાનાં પુદ્ગલો બંધહેતુ થઈ જાય અને દસમા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનકમાં પણ કર્મની ઘણી ઘણી પ્રકતિઓનો ઉદય વર્તે છે. ત્યાં પણ ઘણાં ઘણાં કર્મ બંધાવાં જોઈએ. ચૌદમા ગુણઠાણે પણ ૧૧-૧૨ પ્રકૃતિઓનો ઉદય છે તેથી ત્યાં પણ કર્મબંધ થવો જોઈએ. પરંતુ આમ થતું નથી. માટે વિપાકોદયમાં આવેલાં કર્મપુદ્ગલો એ નવા બંધનો હેતુ નથી. માત્ર મોહનીય કર્મ પુરતું આવું બને છે કે “ને વેય, તે વંથરુ'' જે મોહનીયકર્મને વિપાકોદયથી જીવ વેદે છે તેનો બંધ જીવ કરે છે.
જો ઉદયમાં આવેલાં કર્મપુદ્ગલોને નવા બંધનો હેતુ કહીએ તો બીજી પણ એક આપત્તિ આવે કે કર્મપુદ્ગલો જ કર્મબંધનાં કર્તા બને. તેથી પરદ્રવ્ય વડે કરાયેલી કર્મકર્દ્રતા થાય, કારણ કે આત્માની શક્તિ તે કર્મબંધમાં પ્રવર્તમાન નથી. માત્ર ઉદયાનુગત પગલો જ બંધ કરે છે, એવો અર્થ થાય. આત્માની શક્તિ તેમાં વપરાઈ નથી, અને ન વપરાયેલી આત્મશક્તિને કર્મની કર્તા કહેવાય નહીં. તેથી આત્મા તો કર્મનો અર્તા અને અભોક્તા ઠરશે. આ વાત ઉચિત નથી, આત્મા જ કર્મનો કર્તા છે. માટે આત્માના ચેતના-વીર્ય વગેરે ગુણો જે છે તે જ રાગાદિ ભાવે પરિણામ પામ્યા છતા કર્મબંધના હેતુ બને છે. પણ ઉદયમાં આવેલાં કર્મપુદ્ગલો બંધહેતુ થતાં નથી, પરંતુ ઉદયમાં આવેલાં મિથ્યાત્વમોહનીય, કષાયમોહનીય વગેરે હેતુઓ દ્વારા તો આત્માના સમ્યકત્વાદિ ગુણોનું આચ્છાદન માત્ર કરાય છે. નવાં કર્મનો બંધ તો મલીન ચેતના અને મલીન વીર્યપ્રવૃત્તિ દ્વારા થાય છે.