________________
૬૦૮
કર્મવિપાકચિંતનાષ્ટક - ૨૧
જ્ઞાનસાર
મળે, સંપત્તિ એટલે ધન-ધાન્ય, ક્યારેક વિપુલ પણ મળે અને ક્યારેક નિર્ધનતા પણ મળે. આ પ્રમાણે પુણ્ય-પાપ નામના કર્મથી પ્રાપ્ત થનારી પરિસ્થિતિ સદાકાળ વિષમ હોય છે, તરતમતાવાળી હોય છે. ક્યારેય પણ સરખી હોતી નથી માટે જ ઊંટની પીઠ સમાન ઊંચીનીચી છે. ત્યાં મહાત્મા પુરુષોને પ્રીતિ કેમ થાય ?
પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે કે –
જાતિ, કુલ, દેહ, વિજ્ઞાન, આયુષ્ય, બલ, ભોગ ઈત્યાદિ ભાવોની ઉત્પત્તિની વિષમતા દેખીને જ્ઞાની પુરુષોને ભવસાગરમાં રતિ-પ્રીતિ કેમ થાય ? તેથી જ જ્ઞાનીપુરુષો નિર્વેદ સંવેગપરિણામવાળા અને વૈરાગ્યભાવવાળા બને છે.
જ્યારે પુણ્યોદયકાલ ચાલતો હોય ત્યારે ઐશ્વર્યાદિની વૃદ્ધિના અવસરે પર દ્રવ્યોના સંયોગકાળે એટલે કે અનેક જાતનાં વિશિષ્ટ પુદ્ગલદ્રવ્યોના અને નોકર-ચાકર, દાસ-દાસી આદિ જીવદ્રવ્યોના સંયોગની ઉત્પત્તિના કાળે “હું એક મહાન રાજા છું” મારા સમાન કોઈ નથી, હું કોઈને પરવશ ન થાઉં, મારે હવે કોઈની શું જરૂર છે ? પાંચે ઈન્દ્રિયોનાં સુખો મન ફાવે તેમ હું ભોગવીશ” આવા પ્રકારના માન-માયા-લોભના તથા ભોગની આસક્તિના ભાવો અને તેમાં આડે આવનારા ઉપર ક્રોધના એટલા બધા અશુભ અધ્યવસાયો આ જીવને ઉત્પન્ન થાય છે તેવા પ્રકારના અશુભ અધ્યવસાયોના ભંડાર તુલ્ય એવા આ ભવસાગરમાં યોગી એટલે કે રત્નત્રયીના ત્રણે ગુણો જેનામાં પરિણામ પામ્યા છે એવા મહાત્માને પ્રીતિ ક્યાંથી થાય ? જરા પણ પ્રીતિ થતી નથી. પરંતુ આવા મહાત્માને તો સંસારી જીવોની આવા પ્રકારની બીહામણી પરિસ્થિતિ જોઈને તે જીવો ઉપર ભાવથી કરૂણા ઉપજે છે. સંસારમાં પુણ્ય-પાપના ઉદયથી ચડતી-પડતી પરિસ્થિતિ આવે છે એક સરખી સમાન સ્થિતિ કોઈની પણ રહેતી નથી. માટે ઊંટની પીઠતુલ્ય સંસારની આ પરિસ્થિતિમાં પ્રીતિ કેમ કરાય ? આત્માનું આ સ્વરૂપ નથી. અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે -
પુણ્યનો ઉદય રતિનું કારણ છે, પાપનો ઉદય અતિનું કારણ છે. પુણ્યના ઉદય વડે રાગ વધે છે. અને પાપોદય દ્વેષને વધારે છે. આ પુણ્ય-પાપના ઉદય રતિ-અરિત કરતા હોવાથી મુક્તિમાર્ગની સાધનામાં મહા-વિઘ્નભૂત છે. વળી સર્વવિરતિ રૂપ ચારિત્રમાં બાધા કરનારા છે. આ કારણથી પુણ્ય-પાપના ઉદય વડે સુખ-દુઃખ હોય તો પણ ત્યાગનો પરિણામ હૃદયની અંદર ઝળહળતો હોવાથી ધીરપુરુષો બન્ને કાલે સમભાવમાં જ હોય છે. પુણ્યોદયમાં રાગી થતા નથી અને પાપોદયમાં દ્વેષી થતા નથી. પોતે કર્મોદયના વિપાકને બરાબર જાણે છે. III